ભારતનો યુએનમાં વિજયઃ અઝહર મસૂદ વૈશ્વિક આતંકી જાહેર

Wednesday 08th May 2019 05:03 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના એક દાયકાના સાતત્યપૂર્ણ પ્રયાસો આખરે ફળ્યા છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએન-એસસી)ની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, અને ચીને તેનું સમર્થન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બાબતોના અભ્યાસુઓના મતે, યુએનનો આ નિર્ણય વૈશ્વિક તખ્તે ભારતનો સિમાચિહનરૂપ રાજદ્વારી વિજય છે.
યુએન ખાતેના ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને જણાવ્યું હતું કે, તમામ દેશોએ સાથે મળીને આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાવવા માટે ભારત છેલ્લા દસ વર્ષથી પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ દર વખતે ચીન તેમાં અવરોધ ઉભા કરતું હતું. આ નિર્ણય લેવાનો અધિકાર ધરાવતી યુએનએસસીનું કાયમી સભ્યપદ ધરાવતું ચીન દરેક વખતે વિશેષાધિકારનો ઉપયોગ કરીને ભારતના પ્રસ્તાવને ફગાવી દેવાનું વલણ અપનાવતું હતું, અને વાત અટકી જતી હતી.

જોકે આ વખતે ચીને યુએનના નિર્ણયની જાહેરાત પૂર્વે જ પોતાના નરમ વલણના સંકેત આપતા જણાવ્યું હતું કે, તે મસૂદ મુદ્દે હકારાત્મક વલણ દાખવશે. આ વખતે પોતે આ પ્રક્રિયામાં નડતરરૂપ નહીં બને તેવા સંકેત આપ્યા હતા.
મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની માગ સાથે ભારત છેલ્લા ત્રણ વર્ષમાં જ - માર્ચ ૨૦૧૬થી અત્યાર સુધીમાં - ચાર વખત પ્રયાસ કર્યા હતા, પરતું આ જ ચીને ટેક્નિકલ કારણો આગળ ધરીને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. ચીન દર વખતે વિટો વાપરીને ભારતની દરખાસ્ત રદ કરાવતું હતું, અને પાકિસ્તાનને થાબડભાણા કરતું હતું.
બીજી તરફ, પાકિસ્તાન પણ મસૂદને છાવરતું હતું. બાલાકોટમાં ભારતે એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાન મસૂદ અઝહરને સતત બચાવતું રહ્યું છે. જોકે હવે યુએનના નિર્ણય બાદ પાકિસ્તાનને પણ ઘણા માઠા પરિણામ ભોગવવા પડશે. સાથોસાથ પાકિસ્તાનમાં ધમધમતા મસૂદના આતંકવાદી સંગઠનો, કેમ્પો અને મદરેસાઓ પણ બંધ કરાવવા પડશે અને તમામ જગ્યાઓ સીલ કરવી પડશે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ જાહેરાતથી પાકિસ્તાનની રહીસહી આબરૂને પણ બટ્ટો લાગ્યો છે કેમ કે આખી દુનિયા જાણે છે કે મસૂદ પાકિસ્તાનમાં જ છે. દુનિયાના બાકી દેશો હવે પાકિસ્તાનને આર્થિક સુવિધા આપવા અંગે વિચારશે.

સંપત્તિ જપ્ત, વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થતાં હવે પાક. સરકારને પણ કાર્યવાહી કરવા ફરજ પડી છે. પાકિસ્તાનમાં તેની બધી સંપત્તિ જપ્ત કરવાનો અને તેના વિદેશ જવા પર પ્રતિબંધ લદાયો છે. તો તેનાં પર હથિયારોની લે-વેચ પર પણ પ્રતિબંધ લાગુ થયો છે. પાક. વિદેશ મંત્રાલયે કહ્યું કે મસૂદ વિરુદ્ધના પ્રસ્તાવનું પૂર્ણરૂપે પાલન થશે.
‘ધોનીમાંથી પ્રેરણા મેળવી સફળતા હાંસલ કરી’
યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું કે તેઓ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના દૃષ્ટિકોણમાં વિશ્વાસ ધરાવે છે. તેના જેવા દૃષ્ટિકોણ સાથે આગળ વધવાના કારણે જ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આંતિક જાહેર કરવામાં મદદ મળી. કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસ દરમિયાન આપણે જેટલો સમય હોવાનું વિચારીએ છે તેનાથી વધુ સમય આપણી પાસે હોય છે. એવું ક્યારેય ન કહેશો કે સમય પૂરો થઈ ગયો. ક્યારેય જલદી હાર ન મનાશો. આ જ ધોનીનો દૃષ્ટિકોણ છે. અમે પણ ધોનીની જેમ પ્રયાસ કર્યો. તેનામાંથી પ્રેરણા લીધી, જેના કારણે મસૂદ વિરુદ્ધ યુએનએસસીમાં સહમતિ સધાઈ.

કાશ્મીર મુદ્દે પહેલી વખત વૈશ્વિક આતંકી

મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો યુએનનો નિર્ણય ભારતનો આ વધુ એક કૂટનીતિક વિજય છે. યુએન દ્વારા પહેલી વખત કોઇ વ્યક્તિને જમ્મુ-કાશ્મીરમાં નરસંહાર અને આતંક ફેલાવવા બદલ વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવી છે. કાશ્મીર સૌથી વિવાદિત ક્ષેત્ર છે અને તેમાં યુએનના માધ્યમથી કોઈ વૈશ્વિક આતંકી જાહેર થાય તે મોટી બાબત છે. આ પહેલાં લશ્કર-એ-તૈઈબાના વડા હાફિઝ સઈદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. તે મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જ્યારે મસૂદનો મુદ્દો જુદો છે. ભારતમાં થયેલા અનેક આતંકી હુમલામાં તે સંડોવાયેલો છે. તેમાંય કાશ્મીરમાં છેલ્લાં કેટલાક સમયમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં તેની સંડોવણી ખુલ્લી પડ્યા બાદ ભારતે તેને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા સક્રિય પ્રયાસો હાથ ધર્યા હતા.

ભારતમાં નરસંહાર માટે જવાબદાર

મસૂઝ અઝહર ભારતમાં ઘણા આતંકવાદી હુમલા અને તેના ષડયંત્રો પાછળનું મુખ્ય ભેજું છે. તેણે આ ગયા ફેબ્રુઆરીમાં પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાવ્યો હતો. જૈશ દ્વારા હુમલાની જવાબદારી પણ લેવાઇ હતી. ૨૦૦૧માં ભારતની સંસદ ઉપર થયેલા હુમલામાં પણ મસૂદની સંડોવણી હતી. આ કેસમાં પણ તેને દોષિત જાહેર કરાયો હતો. તે ઉપરાંત ૨૦૧૬માં જૈશના આતંકવાદીઓ દ્વારા પઠાણકોટ એરબેઝમાં તથા તે જ વર્ષે ઉરીમાં સેના મથકમાં ઘુસીને આતંકી હુમલા કરાયા હતા.

ફરી અભ્યાસ બાદ નિર્ણયઃ ચીન

ભારતના કૂટનીતિક પગલાંને અટકાવવા માટે કાયમ વિટો વાપરીને આડોડાઈ કરનાર ડ્રેગન આ વખતે ઘુંટણિયે આવી ગયો છે. વૈશ્વિક દબાણને પગલે ચીને આ વખતે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયામાં કોઈ અડિંગો લગાવ્યો નહોતો. તેણે વિટોનો પણ ઉપયોગ કર્યો નહોતો અને વૈશ્વિક માગણીને સમર્થન આપ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે, ચીન સામે અત્યાર સુધી નક્કર અને યોગ્ય પુરાવા આવ્યા નહોતા અને ટેક્નિકલ બાબતોનો અભાવ હતો તેથી આ મુદ્દે ચીન વિરોધ કરતો હતો. તાજેતરમાં ચીનને અપાયેલી માહિતીનો પુનઃ અભ્યાસ કરાયા બાદ ચીને આ મુદ્દે સમર્થન કરવાનું યોગ્ય જણાયું હતું. રજૂ કરાયેલી માહિતી અર્થસભર અને પુરાવા સાથેની હોવાથી ચીને આ પ્રક્રિયામાં સાથ આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા આતંકીઓ અને આતંકવાદીના ખાત્મા માટે ખૂબ જ પ્રયાસ કરાયા છે જે સરાહનીય છે અને વૈશ્વિક સમુદાયે તેની નોંધ લેવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter