ગ્વાલિયરઃ વડા પ્રધાન મોદીએ શનિવારે તેમના 72મા જન્મદિને મધ્ય પ્રદેશનાં કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિતાને કાયમી વસવાટ માટે મુક્ત કર્યા હતા. આ 8 ચિત્તામાં બે સગા ભાઈઓ પણ છે. આ ચિત્તાને નામિબિયાથી ખાસ વિમાનમાં ગ્વાલિયર લવાયા હતા અને ત્યાંથી ચિનુક હેલિકોપ્ટરમાં કૂનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા. કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાનાં પાંજરાની ઉપર જ મોટો મંચ બનાવાયો હતો. મોદીએ લીવર દ્વારા પાંજરા ખોલ્યા હતા અને તાળી પાડીને ચિત્તાને ભારતમાં કાયમી વસવાટ કરવા માટે આવકાર્યા હતા. ચિત્તા જેવો બહાર નીકળ્યા કે તરત મોદીએ તેમનાં હાથમાં રહેલા આધુનિક કેમેરાથી ક્લિક કરીને તેમના ફોટોગ્રાફ પણ લીધા હતા. ભારતમાં 70 વર્ષ બાદ ફરી ચિત્તાનું આગમન થયું છે. જોકે મોદીએ લોકોને ચિત્તા જોવા તત્કાળ એકઠા નહીં થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ચિત્તા આપણા મહેમાન છે તેમને ભારત અને કૂનોની ભૂમિ પર વસવાટ માટે થોડા સાનુકૂળ થવા દો. કૂનોને તેમનું ઘર બનાવવા માટે તેમને થોડો સમય આપો. વિશ્વમાં માંસાહારી પ્રાણીનું આ સૌથી મોટામાં મોટું આંતરરાષ્ટ્રીય શિફ્ટિંગ છે.
અજાણ્યા પ્રદેશમાં ચિત્તાના સાવધાનીભર્યા કદમ
પાંજરામાંથી બહાર આવતાં જ ચિત્તાએ અજાણ્યા પ્રદેશમાં આવી ગયા હોવાનો અહેસાસ કર્યો હતો અને દરેક ડગલું સાવધાનીથી ભર્યું હતું. હજી તેમને કૂનોના માહોલમાં એકદમ સાનુકૂળ થતાં બે કે ત્રણ મહિના લાગશે. દરેક ચિત્તાને કોલર આઇડી સાથે ક્વોરન્ટાઈન વાડામાં છોડવામાં આવ્યા છે.
મોદીએ ‘ચિત્તા મિત્રો’ને ગુજરાતનો અનુભવ કહ્યો
મોદીએ આ પછી ‘ચિત્તા મિત્રો’ સાથે વાતચીત કરી હતી. નેશનલ પાર્કની આસપાસના ગામોમાં વસતાં યુવાન-યુવતીઓને ચિત્તાના સંરક્ષણ સંદર્ભે તાલીમ આપીને ‘ચિત્તા મિત્ર’નો દરજ્જો અપાયો છે. વડા પ્રધાને કહ્યું હતું કે પાર્કમાં ચિત્તાના આગમનથી ટુરિઝમ વધશે અને લોકોને રોજગારી મળશે. તેમણે ગુજરાતનું ઉદાહરણ આપી કહ્યું કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સિંહની સંખ્યા માત્ર 300 હતી અને તે સતત ઘટતી જતી હતી. આથી સિંહને બચાવવા આજુબાજુના ગામની પુત્રીઓને મેદાનમાં ઉતારી. તેમને સિંહ બચાવવા ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરીમાં લીધા. પરિણામે સિંહની સંખ્યા વધી અને રોજગારીની નવી તક પણ ઊભી થઈ છે.
1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરાયા
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, 1947માં દેશમાં ફક્ત3 ચિત્તા હતા જેના પછીથી શિકાર કરાયો હતો. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે 1952માં આપણે ચિત્તાને વિલુપ્ત જાહેર કર્યા હતા. આ પછી તેમના પુનઃ વસવાટ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસો કરાયા નહતા.
અનેક માતાનાં મારા પર આશીર્વાદ વરસ્યા છે...
કૂનોનાં જંગલમાં ચિત્તાને મુક્ત કર્યા પછી મોદી શ્યોપુર મહિલા સ્વસહાયતા ગ્રૂપને મળવા ગયા હતા. તેમણે સંબોધન કરતાં કહ્યું કે મારા જન્મદિવસે આમ તો હું મારી માતાનાં આશીર્વાદ લેવા જતો હોઉં છું પણ આજે માતા પાસે જઈ શક્યો નથી. મધ્ય પ્રદેશની આદિવાસી તેમજ અન્ય સમાજની લાખો માતાઓ આજે મને અહીં આશીર્વાદ આપી રહી છે.