ભારતમાં અચ્છે દિનના આગમનનો અણસાર આપતું આર્થિક સર્વેક્ષણ

Wednesday 31st January 2018 05:40 EST
 
 

નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮નું ફુલગુલાબી આર્થિક સર્વેક્ષણ સોમવારે સંસદમાં રજૂ કર્યું છે. આ સર્વેક્ષણના તારણો મુજબ, ચાલુ વર્ષે દેશમાં ૬.૭૫ ટકા આર્થિક વૃદ્ધિદર રહેવાનો અંદાજ છે. જ્યારે આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન જીડીપીનો વૃદ્ધિદર ૭-૭.૫ ટકા રહેવાનો આશાવાદ વ્યક્ત થયો છે.
ભારત સરકારના ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યને તૈયાર કરેલો આ આર્થિક સર્વે સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે જેટલીએ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે - પહેલી ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન અરુણ જેટલી સંસદમાં બજેટ રજૂ કરશે.

આર્થિક સર્વેક્ષણ ગુલાબી રંગમાં

મહિલા સશક્તિકરણ પ્રત્યે સજાગતા માટે આર્થિક સર્વેક્ષણ ૨૦૧૭-૧૮ ગુલાબી રંગમાં રજૂ કરાયું હતું. આ સાથે જ તેમાં ‘કન્યા નહીં, પુત્ર જોઈએઃ શું વિકાસમાં આ સમસ્યાનું સમાધાન છે?’ તે વિષય પર એક પ્રકરણ સામેલ કરાયું હતું. પુત્રના મોહમાં સામાજિક, આર્થિક સંતુલન બગડ્યું હોવાનું સર્વેમાં જણાવાયું છે. જે અનુસાર, પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી બાળકો પેદા કરવાનું ચાલું રહે છે પરિણામે દેશમાં વર્ષે ૨.૧ કરોડ વણજોઈતી દીકરીઓ પેદા થાય છે.
સૌથી ઝડપી વૃદ્ધિ કરતું અર્થતંત્ર સર્વેક્ષણમાં જણાવાયું છે કે આગામી નાણાંકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર ૭-૭.૫ ટકા રહેશે તેથી ભારત ફરી એક વખત વિશ્વના સૌથી ઝડપી વૃદ્ધિ કરતા અર્થતંત્રનો દરજ્જો મેળવશે.
સર્વેક્ષણમાં સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (સીએસઓ)એ આપેલા અંદાજ મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદર ૬.૭૫ ટકા રહેશે તેવો અંદાજ છે, જે અગાઉના વર્ષે ૬.૫ ટકા હતો. સુબ્રમણ્યને આ સાથે એમ પણ કહ્યું હતું કે હવે આર્થિક મોરચે મોટા નીતિગત ફેરફારો કરવાની જરૂર નથી, પરંતુ અત્યાર સુધીમાં જે કામ હાથ ધર્યું છે તે પૂરું કરવાની જરૂર છે.
સુબ્રમણ્યને કહ્યું હતું કે આગામી વર્ષ માટે નીતિગત એજન્ડા કૃષિને ટેકો, જીએસટીને સ્થિરતા, એર-ઈન્ડિયાનું ખાનગીકરણ તથા ક્રૂડના વધતા ભાવ સામે અને શેરબજારમાં મોટા કરેક્શન સામે રક્ષણાત્મક પગલાં લેવાનો રહેશે.
સર્વેક્ષણમાં પહેલી જુલાઈ ૨૦૧૭થી અમલી બનેલા ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST)નો ઉલ્લેખ કરાયો છે. તેમાં દેવાદાર કંપનીઓની લોનને કારણે લાંબા સમયથી બેન્કો માટે માથાનાા દુખાવારૂપ બની રહેલી એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ)ની જે સમસ્યાને ઈન્ડિયન બેન્કરપ્સી કોડ હેઠળ ઉકેલવાનો પણ ઉલ્લેખ છે. તો સાથોસાથ પબ્લિક સેક્ટરની બેન્કોને રિકેપિટલાઈઝેશન પેકેજ આપવાની પણ તેમાં વાત છે.
દેશમાંથી નિકાસને બળ મળે તે માટે સીધા વિદેશી મૂડીરોકાણના નિયમો વધારે હળવા કરાયા છે. પરિણામે વર્ષના બીજા છ માસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર ઝડપી બનશે અને તેના કારણે જીડીપી દર વધીને ૬.૭૫ ટકા થશે તેવો અંદાજ અપાયો છે.
આ આર્થિક સર્વેમાં બે મોટા પડકારો દર્શાવાયા છે, જેની સામે સાવચેતી રાખવી પડશે તેવો વરતારો છે. આ બે પડકારમાંનો એક છે ક્રૂડ ઓઈલના વધતા ભાવ. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઊંચા ભાવ વધારે સમય રહેશે તો મુશ્કેલી થઇ શકે છે. આ જ રીતે શેરબજારમાં મોટું કરેક્શન આવે તો તેની સામે સાવચેત રહેવા પણ કહેવાયું છે. બીજી તરફ એવો પણ આશાવાદ દર્શાવાયો છે કે જીએસટીમાં ફેરફાર સાથે દેશના અર્થતંત્રમાં વધુ સ્થિરતા આવશે, મૂડીરોકાણનું પ્રમાણ વધશે, માળખાગત સુધારા થશે અને તેથી વૃદ્ધિદર વધશે.

આર્થિક સર્વેનું મહત્ત્વ કેમ?

નાણાં મંત્રાલય દર વર્ષે બજેટ પૂર્વે સંસદમાં દેશના આર્થિક વિકાસનું સરવૈયું રજૂ કરે છે. જેમાં ગત વર્ષની કામગીરી અને આર્થિક મોરચે લેવાયેલા પગલાંનું અવલોકન હોય છે તો સરકારની વિકાસ યોજનાઓ, તેની સફળતા, આર્થિક નીતિ, આર્થિક સંભાવના વગેરેનો ઉલ્લેખ થાય છે.

કરદાતા વધ્યા, બચત પણ વધી

આર્થિક સર્વેક્ષણમાં જે કેટલીક મહત્ત્વની બાબત રજૂ થઇ છે, તે મુજબ નોટબંધી અને જીએસટીના અમલથી દેશમાં કરદાતાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત લોકોની બચત પણ વધી છે. સર્વે મુજબ જીએસટીને કારણે ભારતીય અર્થતંત્રને એક નવો આયામ મળ્યો છે અને નવા ડેટા મળ્યા છે. પરોક્ષ કરદાતાઓની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો થયો છે. વ્યક્તિગત આવકવેરો ભરનારા કરદાતાઓની સંખ્યામાં નોટબંધી પછી ૧૮ લાખનો વધારો થયો છે. એક તારણ એ પણ છે કે નોટબંધીને કારણે લોકોની બચતમાં પણ વધારો થયો છે..

નિકાસમાં પાંચ રાજ્યોનું વર્ચસ

સર્વેમાં જણાવાયું છે કે, ભારતની નિકાસ ઉપર નજર કરીએ તો ખૂબ જ રોચક પરિણામો મળે છે. દેશની કુલ નિકાસમાં પાંચ રાજ્યોનું ૭૦ ટકા જેટલું યોગદાન છે. તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ અને તેલંગણનો સમાવેશ થાય છે. રાજ્યના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને તેની નિકાસને સીધો સંબંધ હોય છે. પરિણામે આ રાજ્યો સૌથી ટોચના સ્થાને આવે છે. વૈશ્વિક સ્તરે નિકાસની સરખામણીએ કરીએ તો દેશની કુલ એક્સ્પોર્ટમાં મોટા ઉદ્યોગોની ભાગીદારી બ્રાઝિલમાં ૭૨ ટકા, જર્મનીમાં ૬૮ ટકા, મેક્સિકોમાં ૬૭ ટકા અને અમેરિકામાં ૫૫ ટકા છે. બીજી તરફ ભારતમાં આ ભાગીદારી ઘણી ઓછી એટલે કે ૩૮ ટકા જ છે.

ઔદ્યોગિક સેક્ટરે સ્થિતિ સુધારી

કેન્દ્ર સરકારે સર્વેમાં જણાવ્યું છે કે, ૨૦૧૭-૧૮ના બીજા ક્વાર્ટર દરમિયાન ઔદ્યોગિક સેક્ટરની આગેવાનીના કારણે જ વિકાસદરને સ્થિર થવામાં મદદ મળી હતી. સતત થઈ રહેલા ઘટાડાને આ ક્ષેત્રની વૃદ્ધિએ ટેકો આપ્યો હતો. બેઝિક પ્રાઈસ ઉપર ૨૦૧૭-૧૮માં ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) ગ્રોથ ૬-૧ ટકા રહેવાનો અંદાજ છે. ૨૦૧૭-૧૮માં કૃષિ, ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરનો વિકાસ અનુક્રમે ૨.૧ ટકા, ૪.૪ ટકા અને ૮.૩ ટકા રહેવાનો અંદાજ છે.

મોદીનોમિક્સ નડી ગયુંઃ કોંગ્રેસ

મોદી સરકારે રજૂ કરેલા ઇકોનોમિક સર્વે અંગે આકરી ટિપ્પણી કરતાં કોંગ્રેસે જણાવ્યું કે, મોદીનોમિક્સને કારણે જ દેશનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. નાણાંકીય નીતિઓની દિશાવિહીનતાને કારણે કોઈ લાભ મળતા નથી. પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, સર્વે જણાવે છે કે દેશનાં અર્થતંત્રને મોદી સરકારે જ ધીમું પાડયું છે. અર્થતંત્રની અધોગતિ અને મોદી સરકાર બંને એકબીજાના પર્યાય બની ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter