નવી દિલ્હીઃ ભારતના ૧૨ રાજ્યોને ભરડામાં લેનાર કોરોના વાઇરસે પહેલો ભોગ લીધો છે. કર્ણાટકમાં બુધવારે અંતિમ શ્વાસ લેનાર આધેડનું મૃત્યુ કોરોના વાઇરસથી થયું હોવાનું સરકારે જાહેર કર્યું છે. બીજી તરફ, ભારત સરકારે સાવચેતીના પગલારૂપે ૧૫ એપ્રિલ સુધી તમામ પ્રકારના વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. તો દિલ્હી સરકારે સાવચેતીના ભાગરૂપે ૩૧મી માર્ચ સુધી રાજ્યની તમામ શાળા-કોલેજો અને થિયેટરોને બંધ રાખવા આદેશ કર્યો છે.
ભારતમાં ૧૫ એપ્રિલ સુધી તમામ વિઝા પર પ્રતિબંધ
દુનિયાભરમાં કેર વર્તાવનાર કોરોના વાઇરસે ભારતમાં પણ તેનો પંજો પ્રસાર્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ૧૫મી એપ્રિલ સુધી દેશમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે. ૧૩મી માર્ચ બપોરના સાડા બાર વાગ્યાથી તમામ વિદેશીઓ માટે આ પ્રતિબંધ લાગુ થઈ જશે.
ભારત સરકારના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના અધ્યક્ષપદે બુધવારે મળેલી પ્રધાનોની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હાલમાં તમામ સામાન્ય વિઝા પર આ પ્રકારની પાબંદી લાદવામાં આવી છે. જોકે, તેમાંથી ડિપ્લોમેટ, યુનાઇટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય સંગઠન, રોજગારી અને પ્રોજેક્ટ વિઝાને બાકાત રખાયા છે. આ નિર્ણય ભારતીય સમય પ્રમાણે ગુરુવાર - ૧૨ માર્ચના રોજ બપોર ૧૨-૨૦થી લાગુ થઈ ગયો છે.
વિઝા પ્રતિબંધની જાહેરાત કરતા ભારત સરકારના આ નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે જે કોઈ વિદેશી નાગરિક ભારતના પ્રવાસે આવવા માંગતા હોય તેને તેના દેશના નજીકના ભારતના મિશનનો સંપર્ક કરવાનો રહેશે. ભારતીય નાગરિક સહિતના તમામ વિદેશીઓને આ સૂચના અપાઈ છે.
આ ઉપરાંત નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે જે લોકોએ ચીન, ઈટલી, ઈરાન, કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની મુલાકાત લીધી છે અને ૧૫મી ફેબ્રુઆરી પછી પાછા ભારત આવવાના છે તેમને ૧૪ દિવસ સુધી ફરજિયાત આઈસોલેસનમાં રખાશે તેમ પણ નિવેદનમાં કહેવાયું છે.
ભારતમાં કોરોનાના ૭૭ કેસ
ભારતમાં ગુરુવારે વધુ ૧૦ કેસ નોંધાતાં કોરોના વાઇરસના કન્ફર્મ કેસની સંખ્યા ૭૭ પર પહોંચી ગઈ છે, જેમાં ૧૭ વિદેશી અને ૫૯ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. કોરોના વાઇરસના સૌથી વધુ ૧૭ કેસ કેરળમાં નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૧૨, ઉત્તર પ્રદેશમાં ૧૧ અને દિલ્હીમાં ૬ કેસ સામે આવ્યા હતા.
ગુરુવારે કર્ણાટકમાં પાંચમો પોઝિટિવ કેસ નોંધાયો હતો. આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં ઇટાલીથી પરત આવેલા ભારતીયનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. લદ્દાખમાં વધુ એક વ્યક્તિમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું હતું. કેરળમાં વધુ બે કેસ પોઝિટિવ આવ્યાં હતાં. પૂણેમાં કોરોના વાઇરસનો એક વધુ કેસ મળતાં રાજ્યમાં કુલ કેસ ૧૨ નોંધાયા છે. આ દરમિયાન બિહારના બિહાર શરિફની સદર હોસ્પિટલમાં કોરોના વાઇરસના લક્ષણ ધરાવતો એક વ્યક્તિ ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો હતો.
દિલ્હી અને હરિયાણા સરકારે ગુરુવારે કોરોના વાઇરસને મહામારી જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહામારી રોગ અધિનિયમ ૧૮૯૭ લાગુ કરવા એડવાઇઝરી જારી કરી છે.
દિલ્હીમાં શિક્ષણ સંસ્થાન - થિયેટરો બંધ
દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસને ધ્યાનમાં લેતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના તમામ થિયેટરોને ૩૧ માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. તો હાલ પરીક્ષા ચાલતી ન હોય તેવી શાળા-કોલેજો પણ બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે. દિલ્હીમાં સરકારી અને ખાનગી કચેરીઓ, શોપિંગ મોલ માટે સ્ટરીલાઇઝેશન ફરજિયાત બનાવાયું છે.
ભયભીત ન થાવ, સાવધાની રાખો: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસથી ભયભીત ન થાવ અને સાવધાની રાખો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કોઈ પ્રધાન વિદેશપ્રવાસ કરશે નહીં. હું દેશના નાગરિકોને બિનજરૂરી પ્રવાસ નહીં કરવા અપીલ કરું છું. આપણે મોટા મેળાવડાઓ બંધ રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરીએ અને કોરોના વાઇરસના પ્રસારને અટકાવીએ. કોરોના વાઇરસના કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિ પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે.