ભારતમાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટઃ કાબૂમાં લેતાં વર્ષો લાગશે

Wednesday 12th May 2021 05:00 EDT
 
 

નવી દિલ્હી: બેલ્જિયમ યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે, એની તબાહી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો આ સ્ટ્રેઇન બહુ જ ઝડપથી પ્રસરે છે અને હાહાકાર મચાવે છે. તે બ્રિટિશ વેરિએન્ટ જેવો જ છે, પણ વધારે ઘાતકી છે.
બેલ્જિયમની વ્યુવેન યુનિવર્સિટીના પ્રોફેસ ટોમ વેન્સલિયર્સે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કોરોનાનો સૌથી ઘાતક મ્યુટેન્ટ ભારતમાં મોજુદ છે. એમાંથી ઉભરતા વર્ષો વીતે તેવી શક્યતા છે. આ વેરિએન્ટ ખૂબ જ ઘાતકી છે અને તે ઝડપભેર ફેલાયને હાહાકાર મચાવે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ વિજ્ઞાનીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ મ્યુટેન્ટ સૌથી ખતરનાક છે. એ વખતે ઘણાં અમેરિકી-બ્રિટિશ વિજ્ઞાનિકોએ તેમની વાતને ઉડાવી દીધી હતી, પરંતુ સમય જતાં એ સાચુ સાબિત થયું હતું. પ્રોફેસર ટોમે કહ્યું હતું કે, ભારતમાં જે ખરતનાક સ્ટ્રેઇન છે એ બ્રિટિશ સ્ટ્રેઇન સાથે ઘણી સામ્યતા ધરાવે છે, છતાં ભારતમાં મળી આવતો આ સ્ટ્રેઇન વધારે ખતરનાક છે. રાજકીય પાર્ટીઓની રેલીઓ, ભીડમાં સાવધાની ન રાખવાનું વલણ અને કોરોનાની ગાઇડલાઇનના પાલનમાં સરકારી તંત્રની ઉદાનસીતા ભારતમાં કોરોનાના આ હાહાકાર પાછળ જવાબદાર પરિબળ છે.
લોકડાઉન એકમાત્ર ઉપાયઃ ડો. ગુલેરિયા
‘એમ્સ’ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે, હાલના સમયમાં નાઈટ કરફ્યૂ અને વીક એન્ડ લોકડાઉન લગાવવાનો કોઈ ફાયદો નથી. સાથે સાથે તેમણે શક્યતા દર્શાવી હતી કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ડો. ગુલેરિયાએ કહ્યુ હતુ કે, જો કોરોના મહામારી આ જ રીતે આગળ વધતી રહી અને વાયરસ ઈમ્યુન એસ્કેપ મિકેનિઝમ વિકસિત કરવામાં સક્ષમ થઈ ગયો તો શક્ય છે કે, ભારતને કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો પણ વારો આવે. વાયરસના સંક્રમણને રોકવુ હશે તો યોગ્ય સમય પૂરતુ લોકડાઉન નાંખવાની જરુર છે. તેમણે કહ્યુ હતુ કે, હાલમાં ત્રણ બાબતો પર ધ્યાન આપવાનીજ રુર છે. હોસ્પિટલોની સુવિધાઓમાં સુધારો કરવાની, કોરોનાના વધતા કેસ રોકવાની અને વેક્સીનેશનને ઝડપી બનાવવાની. સંક્રમણની ચેનને તોડવી ડશે. જો લોકોનો ક્લોઝ કોન્ટેકટ ઓછો કરવામાં સફળ થયા તો કોરોનાના કેસ ઓછા થશે.
સરકાર જવાબદારઃ લાન્સેટ જર્નલ
ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ વિનાશક બની રહી છે. તેને કારણે દેશમાં કોરોનાથી થતાં મોત અને નવા કેસ નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેણે વારંવારની ચેતવણીઓની અવગણના કરી હતી. અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટના તંત્રીલેખ મુજબ આઈસીએમઆરે સીરો-સર્વેલન્સમાં દેશની માત્ર ૨૧ ટકા વસતી કોરોનાથી એક્સપોઝ થઈ હોવાનું દર્શાવાયું હોવા છતાં કેન્દ્ર સરકારે ભારતે 'કોરોનાને હરાવી દીધો' હોવાની જાહેરાત કરી દીધી હતી.
અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટે ભારતમાં કોરોનાની બીજી લહેરના ફેલાવા માટે કેન્દ્ર સરકાર પર દોષારોપણ કર્યું છે. મેડિકલ જર્નલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના મહામારી છતાં દેશમાં વ્યાપક સ્તરે કુંભમેળા જેવા ધાર્મિક અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં જંગી રેલીઓ થવા દીધી. વધુમાં ભારતમાં રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સીરો-સર્વેલન્સના સંશોધનમાં જણાવાયું હતું કે, દેશની માત્ર ૨૧ ટકા વસતી જ વાઈરસના ચેપથી એક્સપોઝ થઈ હતી આમ છતાં સરકારે એવી છાપ ઊભી કરી જાણે ભારતે કોરોનાને હરાવી દીધો છે. કુંભમેળા જેવા આ ધાર્મિક કાર્યક્રમોમાં સમગ્ર દેશમાંથી લાખો લોકોએ ભાગ લીધો. ઉપરાંત રાજકીય રેલીઓમાં પણ લાખો લોકો ઉમટી પડયા. ઉપરાંત ભારતનો રસીકરણ કાર્યક્રમ પણ ધીમો પડી ગયો હતો. દેશમાં બે ટકાથી પણ ઓછી વસતીને રસી આપી શકાઈ હતી તેમ મેડિકલ જર્નલે જણાવ્યું હતું. દેશમાં માર્ચના પ્રારંભમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ તે પહેલાં વડાપ્રધાન મોદીએ પણ જાહેરાત કરી દીધી કે ભારતમાં કોરોના મહામારીનો અંત શરૂ થઈ ગયો છે.
વિદેશમાંથી સહાયનો ધોધ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતને વિદેશમાંથી ૬૭૩૮ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, ૩૮૫૬ ઓક્સિજન સિલિન્ડર્સ, ૧૬ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, ૪,૬૬૭ વેન્ટિલેટર્સ/બાઇ-પેપ/સી-પેપ અને ૩ લાખથી વધુ રેમિડેસિવિર દવા મળી છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાયા છે.
સંક્રમિતોનો આંકડો ૨ કરોડ ઉપર
કોરોનાએ દેશને ઘમરોળ્યા પછી હવે આંશિક ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ સતત પાંચ દિવસ પછી નવા કેસની સંખ્યા ૪ લાખથી નીચે ગઈ હતી. બીજી તરફ રોજનો મૃત્યુ આંક પણ ૪૦૦૦થી ઘટ્યો હતો. દેશભરમાં કુલ સંક્રમિતોનો આંકડો ૨,૨૬,૬૨,૫૭૫ થયો હતો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ૨,૪૬,૧૧૬ થયો હતો. સાજા થનારાઓની સંખ્યા ૧,૮૬,૭૧,૨૨૨ થઈ હતી જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૩૭,૪૫,૨૩૭ થઈ હતી.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે આખા દેશમાં અત્યાર સુધીમાં ૩૯,૩૭,૫૦,૦૭૭ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશનાં ૧૦ રાજ્યોમાં જ ૭૧.૭૫ ટકાથી વધુ ના કેસ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, કેરળ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને હરિયાણાનો સમાવેશ થાય છે. વિદેશમાંથી કુલ ૬૭૩૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ૩૮૫૬, ઓક્સિજન સિલિન્ડર્સ, ૧૬ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ તેમજ ૩ લાખ રેમડેસિવિર વાયલ્સ પહોંચાડવામાં આવ્યા છે.
ઓક્સિજન માટે નેશનલ ટાસ્ક ફોર્સ
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજનની વૈજ્ઞાનિક ઢબે ફાળવણીની સિસ્ટમ બનાવવા સુપ્રીમ કોર્ટ ૧૨ સભ્યની નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે તે દેશભરમાં મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત, ઉપલબ્ધતા-વિતરણના આધારે મૂલ્યાંકનનું કામ કરશે. તેમજ મહામારી સંચાલન અંગે રિસર્ચ કરશે અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.
ટાસ્ક ફોર્સના સભ્યોમાં નારાયણા હેલ્થકેર-બેંગલુરુના ડો. દેવી પ્રસાદ શેટ્ટી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ડો. નરેશ ત્રેહાન, મુંબની ફોર્ટિસ હોસ્પિટલના ડો. રાહુલ પંડિત. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડો. દેવેન્દ્ર સિંહ રાણા તથા મુંબઇની હિન્દુજા હોસ્પિટલના કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશિયન ડો. જરીર ઉદવાડિયા સહિતના તજજ્ઞોની સમાવેશ થાય છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે ટાસ્ક ફોર્સએ જોશે કે કયા રાજ્યને વૈજ્ઞાનિક, તર્કસંગત ને ન્યાયસંગત આધારે કેટલા ઓક્સિજનની જરૂર છે.
દેશ ડૂબી રહ્યાો છે: સોનિયા ગાંધી
દેશમાં વણસી ગયેલી કોરોનાની સ્થિતિ માટે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ કેન્દ્રની સરકારની ઉદાસીનતાને જવાબદાર ગણાવી હતી. કોંગ્રેસની સંસદીય બેઠકને સંબોધતા તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશ એક એવા રાજકીય નેતૃત્વમાં સપડાયો છે જ્યાં નાગરિકો માટે સહાનુભૂતિને કોઈ અવકાશ નથી. કેન્દ્ર સરકારની ઉદાસીનતા અને અવગણનાના બોજ હેઠળ દેશ ડૂબી રહ્યો છે. કોરોના સામેની લડાઈ રાજકીય મતભેદોને પાર કરી ગઈ છે. સોનિયા ગાંધીએ કોરોનાની સ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરવા માટે તાકીદે સર્વપક્ષીય બેઠક બોલાવવા માગણી કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter