નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારી સામે દિવસ રાત લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી રેટ વધતાં મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ દેશમાં મંગળવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં નવા કેસનો આંકડો ૧,૯૬,૪૨૭ નોંધાયો છે, જે છેલ્લા ૪૦ દિવસમાં સૌથી ઓછો છે. એક જ દિવસમાં કોરોનાએ વધુ ૩૫૧૧ લોકોનો ભોગ લીધો છે જેને કારણે કુલ મૃત્યુઆંક ૩ લાખનો આંક વટાવી ગયો છે. આ સાથે જ મૃત્યુઆંકનાં સંદર્ભમાં ભારત વિશ્વમાં અમેરિકા અને બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે આવી ગયો છે.
દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને ૨,૬૯,૪૮,૮૭૭ થઈ છે. જ્યારે સારવાર પછી ૨,૪૦,૫૪,૮૬૧ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૫,૮૬,૭૮૨ થઈ છે. આમ છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં દર્દીનો ઘટાડો થયો છે. કેસ લોડ ઘટીને ૧૦.૧૭ ટકા થયો છે.
દેશમાં ૧૩ માર્ચ ૨૦૨૦નાં રોજ કોરોનાથી પહેલું મોત થયું હતું તે પછી ૧૪ મહિના અને ૧૦ દિવસ પછી કુલ મૃત્યુઆંક વધીને ૩ લાખની પાર ગયો છે. છેલ્લા ૨૬ દિવસમાં ૧ લાખ કરતા વધુ મોત થયા છે. રિકવરી રેટ વધીને ૮૮.૬૯ થયો છે જ્યારે મૃત્યુદર ૧.૧૪ ટકા થયો છે.
બીજી તરફ, હજુ કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં દૈનિક કેસની સંખ્યા તો ઘટી છે, પરંતુ પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક સહિતના આવા રાજ્યોમાં સરકારે લોકડાઉન સહિતના પ્રતિબંધાત્મક આદેશનો અમલ લંબાવ્યો છે.
પહેલા બ્લેક ફંગસ, પછી વ્હાઇટ ફંગસ અને હવે યલો ફંગસ
કોરોનાથી સાજા થયેલા લોકોમાં બ્લેક અને વ્હાઈટ ફંગસનો રોગ મ્યુકર માઇકોસિસ પ્રસર્યા પછી ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં યલો ફંગસનો પહેલો કેસ મળી આવ્યો છે. ડોકટરો જણાવે છે કે બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા યલો ફંગસ વધારે ખતરનાક છે. ૪૫ વર્ષનાં દર્દીમાં યલો ફંગસ જોવા મળી છે. તેને ડાયાબિટિસ પણ છે.
નિષ્ણાતો કહે છે કે યલો ફંગસનાં દર્દીને થાક, અશક્તિ અને નબળાઈ લાગે છે, ભૂખ ઓછી લાગે છે, તેનું વજન ઘટે છે, આંખમાં ઓછું દેખાવા લાગે છે. દર્દીનું એન્ડોસ્કોપિ કરાયું ત્યારે તેનામાં બ્લેક અને વ્હાઈટ ફંગસ ઉપરાંત યલો ફંગસ હોવાનું જણાયું હતું. ઘરમાં જ્યારે ઠંડક વધુ હોય ત્યારે યલો ફંગસ થાય છે.
દિલ્હીમાં બ્લેક ફંગસનાં ૫૦૦ દર્દીઓ નોંધાયા છે. દેશમાં પણ બ્લેક ફંગસના કેસ વધતા જાય છે અને દર્દીને આપવામાં આવતા ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આને કારણે દર્દીઓની સારવાર કરવાનું મુશ્કેલ બન્યું છે. ગુજરાત, દિલ્હી, પંજાબ, જમ્મુ-કાશ્મીર સહિતની અનેક રાજ્ય સરકારો બ્લેક ફંગસને મહામારી જાહેર કરી ચૂકી છે. ઉત્તર પ્રદેશનાં ગોરખપુરમાં વ્હાઈટ ફંગસનાં ૩ દર્દી મળી આવ્યા છે. ગોરખપુરની બીઆરડી કોલેજમાં આ દર્દીઓને સારવાર અપાઈ રહી છે.
વ્હાઈટ ફંગસ કેન્ડીડોસિસ નામનો રોગ છે, જે ફેફસાંમાં તેમજ ચામડી, નખ, મોઢાના અંદરનાં હિસ્સાને તેમજ આંતરડું, કિડની, ગુપ્તાંગ અને મગજને તેમજ પિત્તાશયને નુકસાન કરે છે.
કોરોના વાઈરસ અંગે ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ સાથેની મિટિંગમાં દેશનાં ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મ્યૂકરમાઈકોસિસનાં ૫૪૨૪ કેસ નોંધાયા હોવાનું કેન્દ્રનાં આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું છે.
બ્લેક ફંગસનાં કુલ ૫૪૨૪ કેસમાંથી ૪૫૫૬ દર્દીઓ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા અને સાજા થયા હતા. આમાંથી ૫૫ ટકા લોકોને ડાયાબિટીસ થયો હોવાનું જણાયું હતું. આ રોગ જીવલેણ પુરવાર થઈ રહ્યો છે.
વિદેશી વેક્સિન મુદ્દે અસમંજસ
દેશમાં વ્યાપક સ્તરે રસીકરણની કવાયતો ચાલી રહી છે ત્યાં અનેક રાજ્યોમાં રસીના ડોઝ ઓછા હોવાથી વિવિધ વયજૂથના લોકોને રસી આપવાનું બંધ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી સરકારે જાહેર કર્યું હતું કે, રસીની અછતને પગલે ૧૮-૪૪ વયજૂથના લોકો માટેના કેટલાક રસી સેન્ટરો બંધ કરવા પડશે. મુખ્ય પ્રધાન કેજરીવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં રસીનો જથ્થો નથી અને વિદેશી કંપનીઓ રસી આપવા માટે રાજી નથી.
પંજાબ બાદ દિલ્હીએ પણ બળાપો કાઢયો હતો કે, ફાઈઝર અને મોડર્ના જેવી કંપનીઓ દ્વારા રાજ્યોને ગ્લોબલ ટેન્ડરિંગની ઓફર છતાં રસી આપવાની મનાઈ કરવામાં આવી હતી. બંને કંપનીઓએ રાજ્યો સાથે ડિલ કરવા મુદ્દે નનૈયો ભણ્યો હતો અને ભારત સરકાર સાથે જ વાટાઘાટો કરાશે તેવું રટણ ચાલુ રાખ્યું હતું. કંપનીઓ અને કેન્દ્રની નીતિઓના કારણે સર્જાયેલી અસમંજસથી દેશમાં વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે. અનેક રાજ્યો દ્વારા આ મુદ્દે હોબાળો કરવામાં આવી
રહ્યો છે.