નવી દિલ્હીઃ દરેક મનુષ્યને ગૌરવ સાથે મૃત્યુનો અધિકાર છે તેમ જણાવતાં ભારતની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુને પરવાનગી આપી દીધી છે. જોકે સાથે સાથે ઇચ્છામૃત્યુની પ્રક્રિયા માટે આકરી માર્ગદર્શિકા પણ જારી કરી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દેશના નાગરિકને લિવિંગ વિલ તૈયાર કરવાની પરવાનગી આપી છે, જેમાં તે ઇચ્છા વ્યક્ત કરી શકે છે કે ભવિષ્યમાં જો તે અસાધ્ય બીમારી કે અન્ય કારણસર કોમામાં જાય તો તેની લાઇફસપોર્ટ સિસ્ટમ હટાવી લેવામાં આવે. લિવિંગ વિલમાં નાગરિક અગાઉથી એવું નિવેદન આપી શકશે કે તેને ગંભીર માંદગીના સમયમાં વેન્ટિલેટર કે અન્ય આર્ટિફિશિયલ સપોર્ટ સિસ્ટમ દ્વારા તેનું જીવન લંબાવવામાં ન આવે.
સ્વૈચ્છિક સંસ્થા કોમન કોઝ દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સિકરી, એ. એમ. ખાનવિલકર, ડી. વાય. ચંદ્રચૂડ અને અશોક ભૂષણની પાંચ જજની બંધારણીય બેન્ચે આ સિમાચિહનરૂપ ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં ચાર જજનાં અલગ અલગ મંતવ્ય હતાં, પરંતુ લિવિંગ વિલની પરવાનગીના મુદ્દે બધા જજ એકમત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોમામાં સરી પડેલી વ્યક્તિને જીવવાની ઇચ્છા ન હોય તો તેને તે સ્થિતિમાં પીડા ભોગવવા દેવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટે ‘લિવિંગ વિલ’ના મેન્ડેટ માટે આકરી માર્ગદર્શિકાઓ જારી કરી હતી. દર્દી કોમાની સ્થિતિમાંથી બહાર આવીને સાજી થઈ શકશે કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં મેડિકલ બોર્ડને સામેલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
મૃત્યુ આપણો મિત્ર છે...
સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતાં કહ્યું હતું કે સ્વાભિમાન સાથે જીવવું એ આપણા જીવન જીવવાના અધિકારનું અભિન્ન અંગ છે. જીવન અને મૃત્યુને અલગ કરી શકાતાં નથી. દરેક ક્ષણે આપણાં શરીરમાં બદલાવ આવે છે. બદલાવ જિંદગીનો અફર નિયમ છે. જીવનને મૃત્યુથી અલગ કરી શકાતું નથી. મૃત્યુ જીવન જીવવાની પ્રક્રિયાનો જ હિસ્સો છે.
કોર્ટે ચુકાદામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ઉચ્ચારણ ટાંકતા કહ્યું હતું કે મૃત્યુ આપણો મિત્ર છે... આપણને યાતનાઓથી દૂર લઈ જાય છે. હું ક્યારેય નિઃસહાય વ્યક્તિ તરીકે મરવાનું પસંદ કરીશ નહીં, નિષ્ફળ વ્યક્તિ તરીકે તો નહીં જ.
ઇચ્છામૃત્યુ ‘સક્રિય’ અને ‘નિષ્ક્રિય’
ગંભીર અને અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિને છુટકારા માટે ડોક્ટરની મદદથી તેની જિંદગીનો અંત લાવવાને ઇચ્છામૃત્યુ કહે છે. તેના બે પ્રકાર છે. સક્રિય ઇચ્છામૃત્યુ અને નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ. સક્રિય ઇચ્છામૃત્યુમાં દર્દીને ઝેર અથવા પેઇનકિલરના હેવી ડોઝ દ્વારા મૃત્યુ આપવામાં આવે છે જ્યારે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુમાં તેની લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવી લેવામાં આવે છે. ભારત સહિતના મોટા ભાગના દેશોમાં સક્રિય ઇચ્છામૃત્યુને પરવાનગી નથી, તેને અપરાધ માનવામાં આવે છે.
‘લિવિંગ વિલ’
‘લિવિંગ વિલ’ એક એવો લેખિત દસ્તાવેજ હશે જેમાં સંબંધિત વ્યક્તિ જણાવશે કે તે અસાધ્ય રોગમાં તે એવી સ્થિતિમાં પહોંચી જાય કે જેની સારવાર શક્ય ન હોય તો તેને બળજબરીથી લાઇફસપોર્ટ સિસ્ટમ પર રાખવામાં ન આવે.