નવી દિલ્હીઃ પેન્ડોરા પેપર્સમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા બિઝનેસમેન અનિલ અંબાણીથી માંડીને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના નામોલ્લેખે દેશભરમાં હલચલ મચાવી દીધી છે. જોકે અનિલ અંબાણી એકલા એવા બિઝનેસમેન નથી કે જે એક તરફ પોતાને દેવાળિયા ગણાવતા હોય, પણ બીજી તરફ વિદેશોમાં કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા હોય. ભારતની બેન્કોને રૂ. ૮૮,૦૦૦ કરોડનો ચૂનો લગાવીને લોન પરત નહીં કરનારનાં નામ પણ પેન્ડોરા પેપર્સમાં સામેલ છે. આમાંથી કેટલાકને પકડવામાં આવ્યા છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. તો કેટલાક આર્થિક ભાગેડુ જાહેર થયા છે, કે જેઓ બેન્કોમાં કરોડોનું કૌભાંડ આચરીને વિદેશમાં આશરો લઇને બેઠા છે.
મુંબઈનાં રીઅલ એસ્ટેટ ગ્રૂપે ભારતની બેન્કો પાસેથી રૂ. ૮૮,૦૦૦ કરોડથી વધુ લોન લઈને પરત ચૂકવી નથી. આ વ્યવસાયી ૨૦૦૭થી જેલમાં છે પણ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ અને બહામાસ ટાપુમાં બોગસ કંપનીઓ રચીને કરોડોની સંપત્તિ ખરીદી છે. હાઉસિંગ સેક્ટર તેમજ ટુ-જી સ્પેકટ્રમ મામલે દિલ્હીના એક જાણીતા વેપારીએ તેની પત્ની સાથે રહીને બે કંપની તેમજ એક ટ્રસ્ટની રચના કરી છે. તેમની કંપનીએ ભારતમાં રીઅલ એસ્ટેટમાં રોકાણ માટે ક્રેડિટ સૂઈશ પાસેથી ૧૦ મિલિયન ડોલરની લોન લીધી હતી, પણ પૈસા ચૂકવ્યા નથી. તે હાલ ઠગાઈના કેસમાં જેલમાં છે.
ભારતનો ભાગેડુ નાઇજીરિયામાં વ્યવસાયી
ભારતના એક વ્યવસાયીએ ૩ વર્ષ પહેલાં બેન્ક પાસેથી ૨.૧ બિલિયન ડોલરની લોન લીધી હતી પછી તેની સામે ઠગાઈનો કેસ કરાયો ત્યારે તે ભારતથી ભાગીને નાઈરિયા ગયો હતો. ઓઈલના ધંધા માટે તેણે ત્યાં કંપની રચી છે.
એનઆરઆઈનો યુએઇમાં બિઝનેસ
કેટલાક એનઆરઆઈ દ્વારા ભારતની બેન્કોમાંથી લોન લઈને તેની પરત ચુકવણી કરાઇ નથી. તેની સામે પૈસા વસૂલી અને સંપત્તિ જપ્ત કરવાની કામગીરી છતાં તેણે યુનાઇટેડ આરબ અમિરાતમાં કંપનીઓ ખોલીને બિઝનેસ શરૂ કર્યો છે. તેને ગયા વર્ષે ભારતમાં પકડવામાં આવ્યો છે. તેણે ભારતની બેન્કોને રૂ. ૨૮૦૦ કરોડ ચૂકવવાના બાકી છે.
સચિન તેંડુલકર, તેની પત્ની અને સસરાની કંપની
પેન્ડોરા પેપર્સમાં ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ પણ બહાર આવ્યું છે. સચિન અને તેનાં પરિવારનાં સભ્યોને વિદેશમાં એટલે કે બ્રિટિશ વર્જિન આઈલેન્ડ (બીવીઆઇ)માં સ્થાપવામાં આવેલી કંપનીમાં લાભાર્થી દર્શાવવામાં આવ્યા છે. જોકે પનામા પેપર્સ લીક થયા પછી ત્રણ જ મહિનામાં ૨૦૧૬માં આ કંપનીને ફડચામાં લઈ જવામાં આવી હોવાનું તપાસમાં જણાયું છે.
પનામાની લો કંપની આલ્કોગલની તપાસમાં જાણવા મળ્યું છે કે સચિન તેંડુલકર, તેની પત્ની અંજલિ તેંડુલકર તેમજ સચિનનાં સસરા આનંદ મહેતા દ્વારા બીવીઆઇમાં આ કંપની સ્થપાઇ હતી જેનું નામ સાસ (Saas) ઈન્ટરનેશનલ લિમિટેડ રાખવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય લાભાર્થી અને ડિરેકટર્સ દર્શાવવામાં આવ્યા છે. સાસ ઈન્ટરનેશનલને જ્યારે ફડચામાં લઈ જવાઈ ત્યારે સચિન અને અન્ય લાભાર્થી ડિરેકટર્સ દ્વારા કંપનીનાં શેર્સ બાયબેક કરવામાં આવ્યા હતા આ શેર્સનું મૂલ્ય કરોડો રૂપિયામાં આવતું હતું.
અનિલ અંબાણી યુકેમાં નાદાર, પણ વિદેશમાં જંગી મૂડીરોકાણ
પેન્ડોરા પેપર્સમાં ભારતના નાદાર બિઝનેસમેન અનિલ અંબાણીનું નામ ચમકતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. એક બાજુ ભારતમાં તેની કંપનીઓ ખોટમાં ચાલી રહી છે અને યુકેમાં તેની સામે કરવામાં આવેલા કેસોમાં તેણે ત્યાંની કોર્ટમાં નાદારી નોંધાવી છે. તેણે પોતાની પાસે ઝીરો પ્રોપર્ટી હોવાનો દાવો કર્યો છે. આમ છતાં બ્રિટિશ વર્જિન આઈલેન્ડ અને સાયપ્રસમાં તેણે ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે સાત કંપનીઓ સ્થાપી છે અને અબજોની લોન લઈને ૧.૩ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. યુકેની કોર્ટે આ બાબતની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે જો તેઓ વિદેશોમાં હિત ધરાવતા હોય તો તેમને નાદાર કેવી રીતે જાહેર કરી શકાય? કોર્ટે આ પછી ચીનની ત્રણ બેન્કોને ૭૧૬ મિલિયન ડોલર ચૂકવવા આદેશ કર્યો હતો પણ અનિલ અંબાણીએ તેની ચુકવણી કરી ન હતી. તેમણે વિશ્વમાં કોઈ મિલકતમાં તેમનાં હિતો નહીં હોવાની તેમજ ઝીરો સંપત્તિ હોવાની કોર્ટને જાણ કરી હતી. વિદેશમાં સ્થાપેલી કંપનીઓ સર્વિસ પ્રોવાઈડર્સ કે કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપે છે.
નીરવ મોદીની બહેને વિદેશમાં ટ્રસ્ટ રચ્યું
હીરાનો વેપારી ભારતની બેન્કો સાથે કૌભાંડ આચરીને જાન્યુઆરી ૨૦૧૮માં વિદેશ ભાગી ગયો. આનાં એક મહિના પહેલા તેની બહેન પૂર્વી મોદી દ્વારા બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં કંપનીનાં પ્રોટેકટર તરીકે એક ટ્રસ્ટની રચના કરાઈ હતી. સિંગાપુરમાં તેણે ટ્રાઈડન્ટ ટ્રસ્ટ કંપનીની સ્થાપના કરી હતી. ડિસેમ્બર ૨૦૧૭માં બ્રુકટોન મેનેજમેન્ટની રચના કરાઈ હતી. જે ડિપોઝિટ ટ્રસ્ટનાં કોર્પોરેટ પ્રોટેક્ટર તરીકે કામ કરતું હતું. ટ્રસ્ટની આવકમાં પૂર્વી મોદીની સેલરી તેમજ ફાયરસ્ટારનાં ડિરેકટર તરીકે પર્સનલ આવક બતાવાઈ હતી. પૂર્વી મોદી રૂ. ૧૩,૬૦૦ કરોડનાં મની લોન્ડરિંગ કૌભાંડમાં એક આરોપી હતી, ઈડીએ તેનાં યુકેનાં ખાતામાંથી રૂ. ૧૭.૨૫ કરોડ જપ્ત કર્યા હતા.
કિરણ મજૂમદારનાં પતિનું વિદેશી કંપની દ્વારા બાયોકોનમાં રોકાણ
કિરણ મજૂમદાર શોનાં પતિ જ્હોન મેકુલમ માર્શલ શોની કંપની ગ્લેનટેક દ્વારા બાયોકોનનાં શેર્સ ખરીદવામાં આવ્યા હતા. ગ્લેનટેક મોરિશિયસની કંપની હતી. આ ઉપરાંત કૃણાલ કશ્યપ ન્યૂઝીલેન્ડમાં સ્થપાયેલી કંપની ડીનસ્ટોન ટ્રસ્ટમાં પ્રોટેક્ટર હતો, જે એલોગ્રો કેપિટલમાં બહુમતી હિસ્સો ધરાવતો હતો. કૃણાલ કશ્યપ પર સેબીએ શેરબજારમાં ટ્રેડિંગ સામે પ્રતિબંધ લગાવ્યો હતો. કૃણાલ કશ્યપ તેમજ કિરણ મજૂમદાર શોનાં પતિ દ્વારા બાયોકોનમાં કરોડોનું રોકાણ કરીને બેનામી રકમ સગેવગે કરાઈ હતી.
જેકી શ્રોફનું ન્યૂઝીલેન્ડમાં ટ્રસ્ટ, બીવીઆઇમાં કંપની
ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ ન્યૂઝીલેન્ડનાં ટ્રસ્ટમાં મુખ્ય લાભાર્થી હતા. આ ટ્રસ્ટ તેમનાં સાસુએ રચ્યું હતું. તેમણે આ ટ્રસ્ટમાં કરોડોની રકમ ટ્રાન્સફર કરી હતી. તેઓ સ્વિસ બેન્કમાં ખાતું ધરાવે છે અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં કંપની સ્થાપી છે. ૨૯ નવેમ્બર ૨૦૦૫માં જેકી શ્રોફનાં પત્ની આયેશાનાં માતા ક્લાઉડિયા દત્ત દ્વારા મીડિયા ટ્રસ્ટની રચના કરાઈ હતી. જેનું ન્યૂઝીલેન્ડમાં રજિસ્ટ્રેશન કરાયું હતું. જોકે સપ્ટેમ્બર ૨૦૧૩માં તે બંધ કરાયું હતું. આ ટ્રસ્ટમાં જેકી શ્રોફનાં પુત્ર ટાઈગર અને પુત્રી ક્રિષ્ના લાભાર્થી હતા.
નીરા રાડિયાની અનેક બોગસ કંપનીઓ
નીરા રાડિયાનું નામ અગાઉ પનામા પેપર્સ તેમજ પેરેડાઈઝ પેપર્સમાં પણ ચમક્યું હતું. તે વિદેશમાં ૧૨થી વધુ કંપનીઓ ધરાવે છે. તેમની બીવીઆઇ કંપનીઓ દ્વારા દુબઈમાં ૨,૫૧,૫૦૦ ડોલરમાં ખરીદી સહિતનાં નાણાકીય વ્યવહારો કરાયા છે. નીરા રાડિયા પહેલા કંપનીઓ માટે લોબિઇસ્ટનું કામ કરતા હતા પણ હાલ તેમની પાસે કોઈ ક્લાયન્ટ નથી. તેઓ વિદેશી નાણાકીય વ્યવહારો લંડન ખાતેનાં સંજય નેવટિયા દ્વારા કરતા હતા. જાન્યુઆરી ૨૦૧૧માં તેમણે સ્વિસ બેન્ક ખાતામાંથી ૯૭,૮૬૦ ડોલર અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.
પંજાબના બિઝનેસમેન સમીર થાપરની કંપની
બિઝનેસમેન સમીર થાપર બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં કંપની ધરાવતા હતા. સપ્ટેમ્બર ૨૦૧૧માં બ્રિટિશ વર્જિન આઇલેન્ડ ખાતેનાં ટ્રાઈડન્ટ ટ્રસ્ટમાં થાપરને મસ્ક હોલ્ડિંગ્સ-બીવીઆઇમાં ૫૦,૦૦૦ શેર્સનાં ધારક દર્શાવાયા હતા. તેમને ઝાન્હા ઈન્ટરનેશનલમાં લાભાર્થી દર્શાવાયા હતા. જેસીટીમાં વિદેશી સ્ટેક હોલ્ડર હોવાનું જણાયું હતું. થાપરે તેમની આવકનાં ત્રણ સોર્સ દર્શાવ્યા છે જેમાં વારસાગત પ્રોપર્ટી, દાદા પાસેથી રોકડ અને દિલ્હીમાં ૮ મિલિયન ડોલરમાં વેચેલી પ્રોપર્ટીની આવક તેમજ સેલરી અને જેસીટી પાસેથી મળતું ડિવિડન્ડ દર્શાવ્યું છે.
અદાણીનાં ભાઈનું નામ પણ સામેલ
પેન્ડોરા પેપર્સમાં ગુજરાતનાં અગ્રણી બિઝનેસમેન ગૌતમ અદાણીનાં ભાઈનું નામ પણ સામેલ છે. તેમણે ત્રણ વર્ષ પહેલા બ્રિટિશ વર્જિન આઈલેન્ડમાં કંપની સ્થાપી હતી. જોકે હાલ તેઓ એવો દાવો કરે છે કે આ કંપની બંધ કરી દેવામાં આવી છે.