નવી દિલ્હી ઃ દેશમાં કોરોનાનો વાઇરસ દિન-પ્રતિદિન ઘાતક બની રહ્યો છે. રવિવારે વર્ષ ૨૦૨૧માં પહેલી વાર ૩૧૨ દર્દીઓએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યા હતા. આ પહેલાં ૨૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ભારતમાં કોરોનાના કારણે ૩૩૨ મોત નોંધાયાં હતાં. મંગળવારે આ મૃત્યુ આંક થોડોક ઘટીને ૨૭૧ પર અટક્યો છે. આ સાથે જ દેશમાં કોરોના મહામારીનો મૃતકાંક ૧.૬૨ લાખના આંકને વટાવી ગયો છે. ભારતમાં હાલની તારીખે કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૫,૪૦,૭૨૦ છે.
નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે સંજોગો ગંભીરથી અતિ ગંભીર બની રહ્યા છે. મંગળવારે તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાક જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે, પરંતુ સમગ્ર દેશ પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે.
દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ ઝડપથી પ્રસરી રહ્યો છે. રવિવારે સતત બીજા દિવસે કોરોના સંક્રમણના નવા ૬૨,૭૧૪ કેસ નોંધાયા હતા જે ૧૬ ઓક્ટોબર ૨૦૨૦ પછીનો સૌથી ઊંચો આંકડો છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૧,૧૯,૭૧,૬૨૪ થયા હતા. ૨૦૨૧માં પહેલીવાર દેશમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો ૩૦૦ની ઉપર પહોચ્યો હતો. તેમાંથી ૮૩ ટકા મોત દેશના ૬ રાજ્ય મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશમાં નોંધાયાં છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભણકારા
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જનતા કોરોના પ્રોટોકોલનું પાલન કરતી ન હોવાથી લોકડાઉનની તૈયારી કરવા આદેશ આપ્યો છે. રાજ્યમાં રવિવારે સંક્રમણના ૪૦,૪૧૪ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ એકલા મુંબઇમાં ૬,૧૨૩ કેસ સામે આવતાં ઠાકરેએ આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓ સાથે બેઠક હાથ ધરી હતી. તેમણે અધિકારીઓેને જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન થઇ રહ્યું ન હોવાથી લોકડાઉન જેવી સ્થિતિની તૈયારી કરવા લાગો. અધિકારીઓએ ચેતવણી ઉચ્ચારી હતી કે મહારાષ્ટ્રમાં આ જ રીતે કેસ વધતાં રહેશે તો હોસ્પિટલો છલકાઇ જશે. ઠાકરેએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે મર્યાદિત દિવસો માટે લોકડાઉનની યોજના તૈયાર કરો. તે માટે એસઓપી પણ તૈયાર કરો જેથી સુનિયોજિત રીતે લોકડાઉન લાદી શકાય. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સુનિશ્ચિત કરો, હોમ ક્વોરન્ટાઇનને બદલે ઇન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઇન શરૂ કરો. મોતનો આંકડો ઊંચો જવા લાગ્યો છે તેથી હોસ્પિટલોમાં આઇસીયુ અને વેન્ટિલેટરની સંખ્યા વધારો. જરૂર પડયે પ્રાઇવેટ ડોક્ટરોને સરકારી હોસ્પિટલોમાં તહેનાત કરો. ગંભીર બીમારી ધરાવતા લોકોને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપો.
કર્ણાટકમાં બાળકોમાં વધતું સંક્રમણ
કર્ણાટકમાં કોરોનાના કારણે ૧૦ વર્ષથી નાના બાળકો ભયજનક રીતે સંક્રમિત થઇ રહ્યાં છે. ૧ માર્ચથી અત્યાર સુધી બેંગલોરમાં ૧૦ વર્ષથી નાના ૪૭૨ બાળકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાનો સેકન્ડ વેવ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. અત્યારે ઘણા બાળકો ઘરની બહાર સમય વીતાવી રહ્યા હોવાથી તેમનામાં સંક્રમણ વધી રહ્યું છે.
તેલંગણમાં માસ્ક ન પહેર્યું તો જેલ
તેલંગણ સરકારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. સરકારે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરનાર સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઇપીસીની ધારા ૧૮૮ અંતર્ગત કેસ નોંધી જેલભેગા કરાશે. રાજ્યમાં ૩૦ એપ્રિલ સુધી તમામ જાહેર સમારોહ અને મેળાવડા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.
‘ક્રિકેટના ભગવાન’ પણ કોરોનાની ઝપટે
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. જોકે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું કે તેમણે પોતાને હોમ ક્વારેન્ટાઇન કર્યો છે. આ સિવાય તે આ મહામારી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડોકટરની સલાહ પર અમલ કરી રહ્યા છે. કોરોનાની આંચથી સચિન તેંડુલકરનો પરિવાર સુરક્ષિત છે. સચિનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાયો, જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
સચિને ટ્વીટમાં લખ્યું કે હું સતત ટેસ્ટ કરાવતો આવ્યો છું અને કોરોનાથી બચવા માટે તમામ પગલાં ઉઠાવ્યા. જોકે નજીવા લક્ષણ બાદ હું કોરોના પોઝિટવ આવ્યો છું. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું એ તમામ સ્વાસ્થયકર્મીઓનો આભાર માનવા માંગું છું કે જેમણે મને સાથ આપ્યો. તમે તમામ લોકો તમારું ધ્યાન રાખો.