નવી દિલ્હીઃ કોરોના મહામારીના બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં સર્જાયેલી રસીની અછત, સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની વેક્સિન નીતિ અંગે કરાયેલા સવાલો અને વિપક્ષની પ્રચંડ બનતી માગને પગલે કેન્દ્ર સરકારે આખરે દેશના ૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - ૨૧ જૂનથી શરૂ થનારી આ યોજના માટે સરકાર જ કંપની પાસેથી ૭૫ ટકા વેક્સિન ખરીદી લેશે અને રાજ્યોને નિઃશુલ્ક આપશે, જેથી રાજ્યો કે નાગરિકો પર આર્થિક બોજ પડે નહીં. બાકીના ૨૫ ટકા જથ્થામાંથી ખાનગી હોસ્પિટલ્સ વેક્સિન ખરીદી શકશે, પરંતુ તેઓ વેક્સિનની નિર્ધારિત કિંમત વત્તા ડોઝ દીઠ રૂ. ૧૫૦થી વધુ સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે.
કોરોના કાળમાં દેશને નવમી વખત સંબોધન કરી રહેલા વડા પ્રધાને આ સાથે એમ પણ જાહેર કર્યું હતું દેશમાં લાગુ કરાયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને દિવાળી સુધી લંબાવવામાં આવી છે. મતલબ કે દેશના ૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી વિનામૂલ્યે અનાજ મળી રહેશે.
રૂ. ૮૦ હજાર કરોડનો ખર્ચ
વિશ્વના આ સૌથી મોટા વેક્સિનેશન પ્રોગ્રામને સમયબદ્ધ સાકાર કરવા માટે સરકારે મંગળવાર સુધીમાં ૪૪ કરોડ વેક્સિનનો ઓર્ડર આપી દીધો છે. વિનામૂલ્યે રસીકરણ અને અન્ન વિતરણ યોજના સાકાર કરવા માટે સરકારી તિજોરી પર આશરે ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે તેવો મત આર્થિક નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. આમાંથી ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની તો સરકારે આગોતરી જોગવાઇ કરી લીધી છે, પરંતુ બાકી રકમ માટે નવેસરથી આયોજન કરવું પડશે.
વડા પ્રધાને જણાવ્યું કે, કોરોનાના બીજા વેવ સામે આપણી લડાઈ ચાલુ છે. દેશના યુવાનો અને કિશોરો રસી લેવામાં અને લેવડાવવામાં લોકોની મદદ કરે. અનેક જગ્યાએ કરફ્યૂમાં ઢીલ આપવામાં આવી રહી છે.
તેનો એ અર્થ નથી થતો કે કોરોના જતો રહ્યો છે. આપણે સતર્કતા સાથે અને સ્વયંશિસ્ત સાથે વર્તન કરવાનું છે. નિયમોનું અને પ્રોટોકોલનું સખતાઈથી પાલન કરવાનું છે. આપણે જાગ્રત રહીને કામ કરીશું તો ભારત કોરોના સામે જંગ જીતી શકશે.
બાળકો માટે નેસલ વેક્સિન
દેશમાં હાલમાં સાત જેટલી કંપનીઓ પોતાની અલગ અલગ રસી બનાવી રહી છે, ટ્રાયલ કરી રહી છે. બીજા દેશોમાં બનેલી રસીના પ્રયોગ માટે પણ ભારતમાં મંજૂરી માગવામાં આવી રહી છે. આ તમામ સ્થિતિ વચ્ચે હવે કોરોનાના ત્રીજા વેવની શંકાઓ સેવાઈ રહી છે. જાણકારો માને છે કે, બાળકો ઉપર આ વેવમાં જોખમ છે. આ દિશામાં આગળ વધતા હવે દેશમાં નેસલ વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. માત્ર સુંઘીને બાળકોને રસી આપવાની દિશામાં કામ કરાઈ કરાઈ રહ્યું છે. ટૂંક સમયમાં તેના પણ હકારાત્મક પરિણામો સામે આવશે અને બાળકોને પણ કોરોનાથી બચાવવા વ્યાપક રસીકરણ કરવાની દિશામાં કામ હાથ ધરાશે. ખૂબ જ ટૂંકા ગાળામાં રસી બનાવવામાં આપણને સફળતા મળી છે. તેના ફાયદા થયા છે તો સામે કેટલાક પડકાર પણ આવ્યા છે. તેમ છતાં માનવતાની સેવા માટે આ દિશામાં કામ થઈ રહ્યું છે.
આધુનિક વિશ્વ હચમચી ગયું
વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે, આધુનિક વિશ્વ આ મહામારીથી હચમચી ગયું છે. લોકોએ ક્યારેય આવી મહામારીનો સામનો કર્યો નથી. ભારતે આ મહામારી દરમિયાન અનેક મોરચે જંગ લડવાનો આવ્યો હતો. કોરોના હોસ્પિટલ બનાવવાથી માંડીને આઈસીયુ બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને અન્ય કોરોનાને સંલગ્ન સામગ્રી અને માળખું ઊભું કરવામાં બધા જ જોડાઈ ગયા હતા. દેશમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડની ક્યારેય આવી અછત ઊભી થઈ નથી. છેલ્લાં સવા વર્ષ ઉપર નજર કરીએ તો જણાશે કે દેશમાં હેલ્થ સેક્ટરમાં એક નવું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે.
પ્રોટોકોલ જ શ્રેષ્ઠ હથિયાર
કોરોના મહામારી એવી છે જેમાં વારંવાર સ્થિતિ બદલાઈ રહી છે. આ દુશ્મન અદ્રશ્ય છે અને વારંવાર સ્વરૂપ બદલી રહ્યો છે. આવા બહુરૂપી દુશ્મનને હરાવવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તે જરૂરી છે. આ પાલન દ્વારા જ આવા દુશ્મનને હરાવી શકાશે. દેશમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન ઓક્સિજનની ડિમાન્ડ અકલ્પનીય રીતે વધી ગઈ હતી. તેને પૂરી પાડવા માટે યુદ્ધસ્તરે કામ કરાયું હતું. સમગ્ર તંત્ર, આર્મી, એરફોર્સ, નેવી બધા જ કામે લાગી ગયા હતા અને જ્યાંથી મળ્યો ત્યાંથી ઓક્સિજન લાવીને દેશમાં પૂરવઠો પૂરો પડાયો હતો. ખૂબ જ ઓછા સમયમાં દેશમાં લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન દસ ગણું વધારવામાં આવ્યું. હવે સ્થિતિ કાબુમાં આવી રહી છે ત્યારે આપણે કોરોના પ્રોટોકોલ ભુલી ન જવો જોઈએ.
નીતિ સ્પષ્ટ, ઇરાદા સ્પષ્ટ
વડા પ્રધાને કહ્યું હતું કે દેશવાસીઓએ ૨૦૧૪માં અમને સેવાની તક આપી ત્યારે ભારતમાં રસીકરણનું કામ માત્ર ૬૦ ટકાની આસપાસ હતું. તે વખતે અમે ઘણા ચિંતિત હતા. જે ઝડપે રસીકરણનું કામ ચાલતું હતું તે ઝડપે તો ૧૦૦ ટકા રસીકરણ માટે ૪૦ વર્ષનો સમય લાગી જાત. આ સમસ્યાનું સમાધાન લાવવા મિશન ઈન્દ્રધનુષ લોન્ચ કરવામાં આવ્યું. દેશમાં જેને રસીની તાતી જરૂર છે તેને પ્રાથમિકતા આપીને રસી આપવામાં આવે. આ મિશનમોડમાં કામ કરવાથી રસીકરણ ઝડપી અને વ્યાપક બન્યું. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં રસીકરણનું કવરેજ વધારીને ૯૦ ટકા સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ગરીબો, બાળકો અને વૃદ્ધોને જે રસીની જરૂર હતી તે પહોંચાડવામાં આવતી હતી.
આ સ્થિતિ કાબુમાં આવી હતી ત્યાં જ કોરોના વાઈરસે સમગ્ર દેશ અને દુનિયાને ઝપેટમાં લઈ લીધા. સમગ્ર વિશ્વમાં ચિંતા પેઠી હતી કે, ભારત જેવો મોટો અને વિશાળ વસતી ધરાવતો દેશ આમાંથી કેવી રીતે બહાર આવી શકશે. જ્યારે નીતિ સ્પષ્ટ હોય અને ઈરાદા સ્પષ્ટ હોય ત્યારે સતત મહેનત કરવાથી રસ્તા મળી જતા હોય છે. દુનિયાની શંકાઓ વચ્ચે ભારતે કોરોનાને નાથવા માટે પોતાની સ્વદેશી રસી વિકસાવી લીધી. ભારતે બે સ્વદેશી રસી વિકાસવીને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી.
દિવાળી સુધી ગરીબોને મફત અનાજ
વડા પ્રધાને જણાવ્યું કે, ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નવેમ્બર સુધી દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ અપાશે. કોરોનાના પહેલા વેવમાં આઠ મહિના સુધી ગરીબોને મફત રાશન અપાયું હતું. આ વર્ષે બીજા વેવમાં મે અને જૂનમાં ગરીબોને મફત રાશન અપાયું હતું. હવે કેન્દ્ર સરકારે દિવાળી સુધી ૮૦ કરોડ ગરીબોને મફત રાશન આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે, દેશનો કોઈ પણ ગરીબ ખાલી પેટે અને ભૂખ્યો ન રહેવો જોઈએ.
૬૦ વર્ષ પહેલાં જેવી સ્થિતિ હોત તો શું થાત
કોરોના સામેની લડાઈમાં અત્યારે વેક્સિન જ શ્રેષ્ઠ હથિયાર છે. સમગ્ર દુનિયામાં રસી બનાવતી કંપનીઓ ગણતરીની છે. હાલમાં રસીની ડિમાન્ડ વધારે છે. ભારત પાસે પોતાની રસી ન હોત તો શું સ્થિતિ થઈ હતો? ભારત જેવા વિશાળ વસતી ધરાવતા દેશમાં રસીની અછત પૂરી કરવામાં જ દાયકાઓ પસાર થઈ ગયા હોત. આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાંની સ્થિતિ વિચારો તો ખ્યાલ આવશે કે વિદેશી રસી ભારત આવવામાં જ દાયકા પસાર થઈ જતા હતા. વિદેશોમાં રસીનું કામ પૂરું થઈ જતું છતાં ભારતમાં શરૂ થતું નહોતું. પોલિયો, સ્મોલ પોક્સ, હિપેટાઈટિસ બી જેવી રસીઓ માટે દેશવાસીઓએ દાયકાઓ સુધી રાહ જોઈએ છે.