કોપનહેગન, જર્મનીઃ ત્રણ યુરોપીયન દેશો - જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમને સંબોધતા કહ્યું હતું કે ભારતમાં મૂડીરોકામ કરવાનો આ એકદમ યોગ્ય સમય છે.
ફોરમને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે અત્યારે સોશિયલ મીડિયા પર એક શબ્દ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. આ શબ્દ છે - FOMO એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આજે જો આપણે ભારતમાં વ્યાપારને લગતા સુધારા અને રોકાણને લગતી વ્યાપક તકો જોઈએ તો કહી શકાય છે કે જેઓ આ સમયે ભારતમાં રોકાણ નહીં કરે તેઓ ચોક્કસપણે એક સારી તક ગુમાવી દેશે.
વડા પ્રધાન મોદીની વાતના જવાબમાં ડેનિશ વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સને હળવાશભર્યા સૂરે કહ્યું હતું કે મને તો અત્યાર સુધી લાગતું હતું કે FOMO ફક્ત ફ્રાઈડે નાઈટ અથવા પાર્ટીઓ માટે જ ઉપયોગમાં લેવાય છે. જોકે મને હવે સમજાયું કે આ શબ્દ તો ભારત સંદર્ભે છે.
રશિયા-યૂક્રેનના ભીષણ જંગ વચ્ચે યોજાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર છે. વડા પ્રધાન મોદીએ આ પ્રવાસ દરમિયાન જે તે દેશની સરકાર દ્વારા સંવાદ થકી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા હતા અને વિવિધ ક્ષેત્રે સહયોગ કરાર કર્યા હતા. તો વિદેશવાસી ભારતીય સમુદાય સાથે સીધો સંવાદ કરીને તેમનો વતન સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો.
પાંચ વિદેશી મિત્રોને ભારત ફરવા મોકલો
ડેનમાર્કમાં યજમાન વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સન સાથે મહત્વની મુલાકાત યોજ્યા બાદ વડા પ્રધાન મોદીએ ત્યાં વસવાટ કરી રહેલા ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. તેમણે ભારતીય સમુદાયને અનુરોધ કર્યો હતો કે તમે તમારા પાંચ વિદેશી મિત્રોને ભારત ફરવા મોકલશો, ત્યાં ફરવા માટે પ્રેરણા આપશો તો ભારત એક મોટી શક્તિ બની જશે.
મંગળવારે બેલા સેન્ટરમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભારતીય સમુદાયને સંબોધતા તેમણે કહ્યું હતું કે ડેનમાર્ક અને ભારત વચ્ચેના સંબંધ ઘણા મજબૂત છે. ડેનમાર્કમાં રહેતા ભારતીયો અલગ-અલગ સમુદાયથી આવે છે. સૌની ભાષા અલગ છે. કોઈ તમિલ છે, કોઈ ગુજરાતી છે તો કોઈ બંગાળના છે. ભાષાને લઈ કોઈ ભેદભાવ નથી. વડા પ્રધાને કોરોના કાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેની અસર સમગ્ર વિશ્વ પર થઈ છે, પણ ભારત એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. જો ભારત દ્વારા મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર કરવામાં આવી ન હોય તો આ સંકટમાં વિશ્વની શું સ્થિતિ સર્જાઈ હોત? ભારત દ્વારા આ મુશ્કેલ સમયમાં વેક્સિન તથા દવા પૂરી પાડવામાં આવી છે. ભારત દ્વારા 100થી વધુ દેશોને વેક્સિનનો પુરવઠો મોકલવામાં આવ્યો છે.
મોદીએ ડિજીટલ ઈન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અગાઉ કોઈને આશા ન હતી કે ભારત ડિજીટલની દિશામાં આટલું આગળ વધી શકશે, પણ તેમની સરકારે આ વિચારોને બદલ્યા. સ્ટાર્ટઅપ અંગે પણ મોદીએ કહ્યું કે અગાઉ વિશ્વમાં આ બાબતમાં ભારતને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું, પણ હવે યુનિકોર્ન બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમ પર છે.
વૃક્ષમાં પરમાત્મા, નદીમાં માતા
સરકારની વર્તમાન કાર્યશૈલી અંગે વડા પ્રધાને કહ્યું કે હવે દેશમાં સ્પીડ અને સ્કોપ સાથે શેર એન્ડ કેર પર વિશ્વાસ દર્શાવવામાં આવી રહ્યો છે. અન્યોની સાથે પણ આવશ્યક સેવાઓની વહેચણી કરવામાં આવે છે. આ સાથે તેમણે સ્પષ્ટ કહ્યું કે વિશ્વને તબાહ કરવામાં ભારતની કોઈ જ ભૂમિકા રહી નથી. ભારત તો છોડમાં પરમાત્મા જુએ છે, નદીને પણ માતા માને છે.
વી લવ યુ, સર...ઃ ભારતીય સમુદાય
મોદીએ પર્યાવરણની સુરક્ષા અંગે ભારત દ્વારા ભરાઇ રહેલા પગલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે યૂઝ એન્ડ થ્રો વાળી થિયરીને લીધે જ પર્યાવરણને ભારે નુકસાન થયું છે. તમારા ખિસ્સાના કદથી એ નક્કી કરવું જોઈએ નહીં કે તમે કેટલો વપરાશ કરશો, પણ તમારી જરૂરિયાત કેટલી છે તેના આધારે વપરાશ નક્કી થવો જોઈએ. વડા પ્રધાન મોદીએ લોકોને માત્ર ઓટોગ્રાફ જ નહોતા આપ્યા, પરંતુ હાથ જોડીને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જતાં જતાં લોકોએ તેમને કહ્યું- વી લવ યુ સર...
મોદીને ઉષ્માાભેર આવકારતા ડેનિશ વડા પ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે મંગળવારે ડેનમાર્ક પહોંચ્યા છે. કોપનહેગન એરપોર્ટ પર યજમાન વડા પ્રધાન મેટ ફ્રેડરિકસને તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી મોદી ફ્રેડરિકસનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મોદીએ ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજીક પાર્ટનર અને દ્વિપક્ષીય સંબંધ જેવા મુદ્દે ડિલિગેશન લેવલની બેઠક યોજી હતી. સાથોસાથ સંયુક્ત પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. બાદમાં મોદી તથા ફ્રેડરિકસને ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો.
રશિયા-યૂક્રેન યુદ્ધ રોકવા અપીલ કરી
ડેલિગેશન લેવલની બેઠકમાં બે દેશોના ગ્રીન સ્ટ્રેટીજીક પાર્ટનરશિપમાં વિકાસ અંગે સમિક્ષા કરી. બન્ને નેતાએ સ્કીલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ, રિન્યુએબલ એનર્જી, આર્કટિક જેવા મુદ્દે ચર્ચા કરી છે. જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન મોદીએ રશિયા-યૂક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ડેનિશ પીએમની સાથે બેઠકમાં તેમણે યુદ્ધ મુદ્દે પણ ચર્ચા કરી હતી અને બંને દેશોનું એવું જ માનવું છે કે, રશિયા અને યૂક્રેને વાતચીત અને રાજનીતિ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
ઇન્ડો-નોર્ડિક સમિટ
વડા પ્રધાન કાર્યાલયે એક અખબારી યાદી બહાર પાડીને ડેનમાર્કની મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વડા પ્રધાન મેટે ફ્રેડરિકસન સાથે મુલાકાત સિવાય વડા પ્રધાન મોદીએ બીજી ઈન્ડો-નોર્ડિક સમિટમાં પણ ભાગ લીધો હતો. આ સમિટમાં ડેનમાર્ક ઉપરાંત ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડન પણ સામેલ થયા હતા. ઈન્ડો-નોર્ડિક સમિટમાં આર્થિક સુધારા, ક્લાઈમેટ ચેન્જ, ઈનોવેશન, ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી અને આર્કટિક ક્ષેત્રમાં ભારત-નોર્ડિક સહકાર જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ સિવાય મોદી ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાઓને પણ મળ્યા હતા.