નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં મંગળવારે પાંચમી વખત વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.
આ જાહેરાત કરતાં તેમણે કહ્યું કે ‘આ પેકેજ ભારતની જીડીપીના લગભગ ૧૦ ટકા છે. આ પેકેજ ૨૦૨૦માં દેશની વિકાસ યાત્રાને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લિક્વિડિટી, લેબર, કુટિર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ તમામ માટે ઘણું બધું છે. આ પેકેજ દેશના એ કિસાનો માટે છે જેઓ દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા છે. આ પેકેજ દેશના મધ્યમ વર્ગ માટે છે. આ પેકેજ ભારતના ઉદ્યોગો માટે છે. વિવિધ વર્ગોને આવરી લેતા આ આર્થિક પેકેજ વિશે બુધવારથી નાણા પ્રધાન વિગતવાર જાણકારી આપશે.’ વડા પ્રધાને કહ્યું હતું કે ‘દેશે ભારતના ગરીબ ભાઇ-બહેનોની સહનશક્તિનો પરિચય પણ જોયો. તેમણે આ દરમિયાન ખૂબ કષ્ટ સહન કર્યું છે. એવું કોણ હશે જેમણે તેમની ગેરહાજરી મહેસૂસ ન કરી હોય. આ બાબતને ધ્યાનમાં રાખતાં દરેક વર્ગ માટે આર્થિક પેકેજમાં જાહેરાત કરાશે.’
વડા પ્રધાને કહ્યું હતું કે ‘કોરોના સંક્રમણ સામે મુકાબલો કરતાં દુનિયાને હવે ચાર મહિનાથી વધુ સમય પસાર થઇ ગયો છે. આ દરમિયાન તમામ દેશોના ૪૨ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, સાથીઓ એક વાઇરસે દુનિયાને તો તહસ નહસ કરી દીધી છે.
લોકડાઉન ૪.૦
વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં લોકડાઉનના ચોથા રાઉન્ડના પણ સ્પષ્ટ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ૧૮મી મે પહેલાં નવા રંગરૂપ સાથે લોકડાઉન - ૪ની જાહેરાત કરાશે.
જિંદગી બચાવવાનો જંગ
આખી દુનિયા જિંદગી બચાવવામાં એક પ્રકારે જંગ લડી રહી છે. આપણે આવું સંકટ જોયું નથી, ના તો સાંભળ્યું છે. નિશ્વિતપણે માનવ જાતિ માટે આ બધું અકલ્પનીય છે. આ કટોકટી અભૂતપૂર્વ છે, પરંતુ થાકવું, હારવું, તૂટવું, વિખેરાઇ જવું મનુષ્યને મંજૂર નથી. આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે.
આજે જ્યારે દુનિયા સંકટમાં છે, ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે, આપણો સંકલ્પ આ સંકટ કરતાં પણ વિરાટ હશે. આપણે ગત શતાબ્દીથી સતત સાંભળતા આવ્યા છીએ કે એકવીસમી સદી હિંદુસ્તાનની છે. કોરોના સંકટ બાદ પણ દુનિયામાં જે સ્થિતિઓ સર્જાઇ રહી છે, તેને પણ આપણે સતત જોઇ રહ્યા છીએ.
આફતને અવસરમાં બદલીએ
તેમણે કહ્યું કે ‘આજે સ્થિતિ એ છે કે ભારતમં દરરોજ બે લાખ પીપીઇ અને બે લાખ એન-95 માસ્ક બની રહ્યા છે. ભારતે આપત્તિને અવસરમાં બદલી છે. ભારતની આ દૃષ્ટિ પ્રભાવશાળી સિદ્ધ થવાની છે. વિશ્વની સમક્ષ ભારતની સંસ્કૃતિ તે આત્મનિર્ભરતાની વાત કરે છે જેનો આત્મા વસુધૈવ કુટુંબકમ્ છે. ભારતની પ્રગતિમાં તો હંમેશા વિશ્વની પ્રગતિ સમાયેલી છે.
આત્મનિર્ભર ભારતનો સંકલ્પ
ભારતના લક્ષ્યોનો પ્રભાવ વિશ્વ કલ્યાણ પર પડે છે. ટીવી હોય, કુપોષણ હોય, ભારતના અભિયાનોની અસર દુનિયા પર પડે જ છે. આ પગલાંથી ભારતની દુનિયાભરમાં પ્રસંશા થાય છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ખૂબ સારું કરી શકે છે. માનવ જાતિના કલ્યાણ માટે ઘણું બધુ સારું થઇ શકે છે. ૧૩૦ કરોડ દેશવાસીઓના આત્મનિર્ભર ભારતના સંકલ્પના કારણે આ સંભવ થઇ શક્યું છે.
મોદીએ કહ્યું કે ‘આજે આપણી પાસે સાધન છે, આપણે પાસે દુનિયાનું સૌથી સારું ટેલેન્ટ છે, આપણે બેસ્ટ પ્રોટોકોલ બનાવીશું. સપ્લાઇ ચેનને વધુ આધુનિક બનાવીશું. આ આપણે જરૂર કરીશું. મેં મારી આંખો સામે કચ્છ ભૂકંપના તે દિવસો જોયા છે. બધું ધ્વસ્ત થઇ ગયું હતું, માનો કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુઇ ગયું હતું. કોઇ વિચારી પણ ન શકે કે હાલત ઠીક થઇ શકશે, પરંતુ જોતજોતાંમાં કચ્છ ઉભું થઇ ગયું. આપણે નક્કી કરી લઇએ તો લક્ષ્ય મુશ્કેલ નથી. આ લક્ષ્ય છે ભારતને આત્મનિર્ભર બનાવવાનું. ભારતની સંકલ્પ શક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે.