ભારતીય અર્થતંત્રમાં ચેતનાનો સંચાર કરતી સનાતન અર્થવ્યવસ્થા

નવરાત્રિથી દિવાળી સુધીમાં રૂ. 3.75 લાખ કરોડનો વેપારઃ વિવિધ પર્વો-તહેવારોથી વર્ષે રૂ. 25 લાખ કરોડનું ટર્નઓવર

Tuesday 28th November 2023 14:45 EST
 
 

નવી દિલ્હીઃ આ વર્ષે દિવાળી તહેવારોમાં દેશભરના બજારોમાં થયેલી ભારે ખરીદીએ ભારતીય અર્થવ્યવસ્થાને મોટો લાભ કરાવ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી - ‘કૈટ’)નું કહેવું છે કે તહેવારોની મોસમમાં થતા આ બિઝનેસે સાબિત કરી દીધું છે કે ભારતમાં થતી પર્વ ઉજવણી દેશના વેપારજગત અને આર્થિકચક્રને ફેરવે છે. ‘કૈટ’ આ આયામને ‘સનાતન અર્થવ્યવસ્થા’ તરીકે ઓળખાવે છે. ભારતીય વેપારીઓના આ મોખરાના સંગઠનનું કહેવું છે કે નવરાત્રિથી દિવાળીના દિવસોમાં જ દેશમાં 3.75 લાખ કરોડનો વેપાર થયો છે. અને વર્ષભરના હિન્દુ પર્વો-તહેવારોની વાત કરીએ તો આ આંકડો 25 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે.
100 દેશોની જીડીપી કરતાં પણ વધુ
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (‘કૈટ’)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે દેશમાં પર્વો-તહેવારોની ઉજવણીનું અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્ત્વ છે. એક અંદાજ મુજબ દેશમાં પ્રતિ વર્ષ સનાતન અર્થવ્યવસ્થા થકી રૂપિયા 25 લાખ કરોડથી વધુનો બિઝનેસ થાય છે. આ આંકડો દેશના કુલ રિટેલ બિઝનેસના 20 ટકા બરાબર છે. એ વાત નક્કી છે કે દેશમાં તહેવાર ઉજવણી અને તીર્થયાત્રા થકી મોટી રકમ બજારચક્રમાં પહોંચે છે. બજારમાં પહોંચતી આ રકમ વિશ્વના 100 જેટલા દેશોના જીડીપી કરતાં પણ વધુ છે.
દેશમાં 10 લાખથી વધુ મંદિર
ખંડેલવાલે જણાવ્યું હતું કે 3.75 લાખ કરોડનો વેપાર તો માત્ર નવરાત્રિથી દિવાળી દરમિયાન થાય છે. આ જ રીતે હોળી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ અને રક્ષાબંધન જેવા તહેવારો પણ બજારને વેગ આપતા હોય છે.
આ બધા ઉપરાંત એક અંદાજ મુજબ દેશભરમાં લગભગ 10 લાખથી વધુ મંદિર છે. આ મંદિરોમાં પણ રોજ મોટો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત રોજ તીર્થસ્થાને પહોંચતા તીર્થયાત્રીઓ દ્વારા પણ મોટી રકમ ખર્ચાતી હોય છે. આમ, દરરોજ મંદિરો પાછળ થતા ખર્ચ અને તીર્થયાત્રા દ્વારા થતા ખર્ચનો સરવાળો કરવામાં આવે તો તે આંકડો દેશની સનાતન અર્થવ્યવસ્થાને મહત્ત્વપૂર્ણ બનાવી દે છે. વિવિધ તહેવારોની ઉજવણી અને તીર્થયાત્રીઓ દ્વારા થતો ખર્ચનો આંકડો વિશ્વના અનેક દેશોની જીડીપી કરતાં પણ વધુ છે.
વેપાર અને સ્વરોજગારની મોટી તક
‘કૈટ’ના અધ્યક્ષ બી.સી. ભરતિયા અને મહામંત્રી ખંડેલવાલના જણાવ્યા મુજબ તહેવારો દરમિયાન થતા બિઝનેસને ધ્યાને રાખીને ભારતના વેપારીઓ વિવિધ તહેવારો પર પોતાની દુકાનોમાં વિશેષ પ્રબંધ કરે છે. ખાસ કરીને તહેવારોની મોસમમાં મસમોટો વેપાર થતો હોય છે. તહેવારોમાં દેશભરમાં રોજગાર અને સ્વરોજગારની મોટી તક ઉપલબ્ધ થાય છે. તે માધ્યમથી સમાજના નીચલા સ્તરની આર્થિક સદ્ધરતા વધે છે. એક અંદાજ મુજબ સનાતન અર્થવ્યવસ્થા થકી દેશમાં દર વર્ષે 25 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થાય છે.
સનાતન અર્થવ્યવસ્થાની વ્યાખ્યા કરતાં બંને વેપારી આગેવાનોએ કહ્યું હતું કે આ વર્ષે નવરાત્રિથી માંડીને દિવાળી સુધી 3.75 લાખ કરોડ રૂપિયાનો રિટેલ વેપાર થયો છે. દેશભરમાં દુર્ગાપુજા અને તેની આસપાસ આવેલા તહેવારોમાં રૂપિયા 50 હજાર કરોડનો વેપાર થયો છે. ગણેશ ચતુર્થીના 10 દિવસના તહેવાર દરમિયાન 20 થી 25 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો.
વોકલ ફોર લોકલના નારો ફળ્યો
‘કૈટ’ના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વોકલ ફોર લોકલનો જાદુ લોકો પર ચાલી રહ્યો છે. જેના કારણે ચીનને એક લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં દિવાળીના તહેવારો દરમિયાન ચીનમાં બનેલી ચીજવસ્તુઓનો બજારહિસ્સો લગભગ 70 ટકા હતો, જે આ વખતે શક્ય બન્યું નથી.
ક્યા ક્ષેત્રનો કેટલો હિસ્સો?
એક અંદાજ મુજબ 3.5 લાખ કરોડ રૂપિયાના વેપારમાં લગભગ 13 ટકા હિસ્સો ખાદ્ય અને અનાજનો, 9 ટકા જ્વેલરીનો, 12 ટકા વસ્ત્રો અને ગારમેન્ટ, 4 ટકા ડ્રાય ફ્રૂટ, મીઠાઇ અને નમકીન, 3 ટકા ઘરની સજાવટ, 6 ટકા કોસ્મેટિક્સ, 8 ટકા ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ, 3 ટકા પૂજાસામગ્રી અને વસ્તુઓ, 3 ટકા વાસણો અને કિચન એપ્લાયન્સીસ, 2 ટકા કન્ફેકશનરી અને બેકરી, 8 ટકા ગિફ્ટ આઇટમ, 4 ટકા ફર્નિશિંગ એન્ડ ફર્નિચર જ્યારે 20 ટકા ઓટોમોબાઇલ, હાર્ડવેર, ઇલેકટ્રિકલ રમકડા સહિત અન્ય અનેક વસ્તુઓ અને સેવાઓનો હિસ્સો રહ્યો હતો. આ અગાઉ ધનતેરસ પર સોનાચાંદીનો લગભગ 30,000 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. આશરે 27,000 કરોડ રૂપિયાની સોનાની જવેલરી વેચાઇ હતી. જ્યારે 2022માં ધનતેરસ પર સોનાચાંદીનો વેપાર 25000 કરોડ રૂપિયા રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter