લંડનઃ ઈન્ડિયન આર્મીમાં અતિ ઉજ્જવળ કારકિર્દી ધરાવતા મેજર જનરલ પ્રેમાંગ્શુ ચૌધરી (પ્રેમ)એ મે ડે, પહેલી મેના દિવસે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પુત્ર રાહુલ અને તેના પરિવાર સાથે ૧૦૦મા જન્મદિનની ઉજવણી કરી હતી. પ્રેમ ચૌધરી ભારતીય આર્મીમાં સેવાપદકોની ભરમાર ધરાવતા વિશિષ્ટ ઓફિસર છે. તેમણે ૩૫ વર્ષની યશસ્વી લશ્કરી કારકિર્દીમાં ૧૭ મેડલ્સ, ૩ મેન્શન ઈન ડિસ્પેચિઝ તેમજ તત્કાલિન રાષ્ટ્રપતિ વી.વી. ગિરિ દ્વારા એનાયત કરાયેલા પરમ વિશિષ્ટ સેવા મેડલનું સન્માન હાંસલ કર્યું છે.
પ્રેમ ચૌધરીનો જન્મ પૂર્વ બંગાળના અને હાલ બાંગલાદેશના બારિસાલમાં ૧૯૨૦માં જમીનદાર પરિવારમાં થયો હતો. જનરલના દાદા બંગાળના ઢાકામાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રિઝન્સ હતા અને મ૧૯મી સદીમાં આવુ પદ ધરાવનારા તેઓ પ્રથમ ભારતીય હતા. પ્રેમ ચૌધરીના પિતા બારિસાલના ડિસ્ટ્રિક્ટ કમિશનરના ખજાનચી હતા. પ્રેમ ચૌધરીએ ૧૯૪૦માં કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઈંગ્લિશમાં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડીગ્રી સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ગ્રેજ્યુએશન પછી તેમનો ઈરાદો ઈન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાવાનો હતો પરંતુ, ૧૯૩૯માં પ્રથમ વિશ્વ યુદ્ધ આરંભાતા તેમાં રિક્રુટમેન્ટ બંધ કરી દેવાતા તેઓ બેંગલોર કેડેટ કોલેજની પ્રથમ બેચમાં જોડાયા હતા.
ઈન્ડિયન આર્મીમાં તેમની કારકિર્દીનો આરંભ ૧૯૪૧થી થયો હતો અને યુવાન લેફ્ટનન્ટ તરીકે દ્વિતીય વિશ્વ યુદ્ધમાં નોર્થ આફ્રિકા, મિડલ ઈસ્ટ અને ઈટાલીમાં કામગીરી બજાવી હતી. તેમણે માત્ર ૨૪ વર્ષની યુવાન વયે મેજરની રેન્કનું પ્રમોશન હાંસલ કર્યું હતું. આ યુદ્ધમાંથી પરત ફર્યા પછી તેમણે ૧૯૪૭-૪૮માં ભારતીય લશ્કરી અભિયાનોમાં ભાગ લીધો હતો. તેમણે પાકિસ્તાન સામે ૧૯૪૮,૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં પણ નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ અગાઉ, તેમની નિયુક્તિ ૧૯૫૨ના કોરિયન યુદ્ધમાં બ્રિટિશ કોમનવેલ્થ ડિવિઝનમાં સ્ટાફ ઓફિસર તરીકે થઈ હતી અને ૧૯૬૨માં ઈથિયોપિયાના એમ્પરર હેલ સેવલાસીના મિલિટરી એડવાઈઝર તરીકે ભારત સરકાર તરફથી ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. લશ્કરી સેવાકાળ દરમિયાન ૧૯૭૧માં બાંગલાદેશની આઝાદીનું યુદ્ધ ચરમસીમાએ હતું ત્યારે તેઓ વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી અને બાંગલાદેશના શેખ મુજીબુર રહેમાન સાથે પ્રત્યક્ષ કામગીરીમાં સંકળાયેલા રહ્યા હતા. બ્રિગેડિયર ચૌધરી યુગોસ્લોવિયાના પ્રમુખ માર્શલ ટીટો ૧૯૬૬માં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા ત્યારે અને ૧૯૭૦માં લડાખમાં થ્રી ઈન્ફન્ટ્રી ડિવિઝનના વડા તરીકે દલાઈ લામાની સાથે જ લાયેઝન અધિકારી તરીકે રહ્યા હતા.
પ્રેમ ચૌધરીના લગ્ન ૧૯૫૩માં શીલા દેવીચંદ સાથ થયા હતા જેઓ ૫૭ વર્ષનો સાથ નિભાવી ૨૦૧૩માં દેવધામ પહોંચ્યા હતા. તેમના ત્રણ પુત્રો રાહુલ, દ્રોણ અને કુનાલ છે. મેજર જનરલ ચૌધરીએ એપ્રિલ ૧૯૭૪માં ભારતીય આર્મીમાંથી નિવૃત્ત થયા પછી કોર્પોરેટ અને પબ્લિક સેક્ટરમાં ઉચ્ચ હોદ્દાઓ પર પણ ભૂમિકા નિભાવી છે.
પ્રેમ પોતાના જીવનકાળમાં ભારત, યુકે, કોરિયા, ઈથિયોપિયા, યુએઈ, ઈજિપ્ત અને ઓસ્ટ્રેલિયામાં રહ્યા છે અને વર્તમાનમાં સિડનીમાં શાંતિપૂર્ણ જીવન વીતાવે છે. ગૌરવશાળી ભારતીય લશ્કરી અધિકારી પ્રેમ ચૌધરીએ આજ સુધી પોતાના ભારતીય નાગરિકત્વને જાળવી રાખ્યું છે. તેમણે જનરલ (પાછળથી ફિલ્ડમાર્શલ) કે.એમ. કરીઅપ્પા, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ કે.એસ. થીમૈય્યા, ૧૯૭૧ના ભારત-પાક. યુદ્ધમાં જ્વલંત સફળતાના શિલ્પી જનરલ (પાછળથી ફિલ્ડમાર્શલ) સામ બહાદૂર માણેકશા સહિત ભારતીય આર્મીના ધૂરંધરો સાથે ખભેખભા મિલાવી ફરજ બજાવી છે.
જનરલ ચૌધરીની એ વિશેષતા રહી છે કે તેઓ ૧૯૪૧થી આર્મી કારકિર્દીનો આરંભ થયો ત્યારથી અને ખાસ કરીને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં કામગીરીના તમામ વર્ષ-તારીખો, નામ અને સ્થળો કહી બતાવવાની વિલક્ષણ યાદદાસ્ત ધરાવે છે.