ગુજરાત સમાચાર દ્વારા તેની 50મી વર્ષગાંઠ નિમિત્તે સોમવાર, 6 ફેબ્રુઆરીએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોરિયસ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ્સનું આયોજન કરાયું હતું. એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલના સબળ નેતૃત્વ હેઠળ કોમ્યુનિટીની સેવા કરવાના ન્યૂઝવિકલીના પાંચ દાયકા નિમિત્તે અને વિશ્વભરમાં સફળ ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્સના સમુદાય પ્રતિ આદર દર્શાવવા એવોર્ડ્સ સમારંભનું આયોજન થયું હતું.
વડા પ્રધાન રિશિ સુનાકે આ પ્રસંગે સીબી અને સમાચાર સાપ્તાહિકોને અભિનંદન સાથે શુભકામના પાઠવ્યા હતા. વડા પ્રધાને તેમના પત્રમાં જણાવ્યું હતું કે, ‘બંને દેશોના બહુમૂલ્ય સંબંધો સમૃદ્ધ રહે તેની ચોકસાઈ સાથે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર વર્ષોથી લોકપ્રિય રહ્યા છે. હું સી.બી. પટેલ અને તેમની ટીમને આજની પળે પણ મૂલ્યવાન તેમની નિષ્ઠા અને સખત મહેનત બદલ અભિનંદન પાઠવવાની તક ઝડપી લઉં છું.’
યુકેમાં એશિયનોનો અવાજ
ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ્સ સમારંભના ઉદ્ઘાટન વેળાએ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ‘સી.બી. પટેલ અને તેમના પ્રકાશનો વર્ષો દરમિયાન પ્રગતિ સાધી છે અને યુકેમાં એશિયનોનો અવાજ બની રહ્યા છે. સાથોસાથ અમારી પણ પ્રગતિ થઈ છે પરંતુ, સીબીના સદયવહાર અને વિનમ્રતામાં જરા પણ પરિવર્તન આવ્યું નથી.’
‘આપણે ગુજરાત સમાચારની સુવર્ણજયંતી અને 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, જે કોઈ પણ સંસ્થા અથવા બિઝનેસ માટે નાનીસૂની ઉપલબ્ધ નથી. 50 વર્ષ ભૂતકાળમાં જઈએ. 1973માં ભારતના અર્થતંત્ર પ્રત્યે કોણ આદરની દષ્ટિએ નિહાળતું હતું? પરંતુ, આજે જુઓ, ભારત ક્યા જઈને ઉભું છે. ભારત G20નું પ્રમુખપદ ધરાવે છે. આજે સમગ્ર વિશ્વ બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ભારતની તરફ નિહાળી રહ્યું છે. આજે આપણે આ સ્થાને આવી પહોંચ્યા છીએ. આ જ મહાયાત્રા છે. યુકેના 50 વર્ષ, ભારતના 50 વર્ષ અને યુકેમાં એશિયનોનો અવાજ બની રહેલા સી.બી. પટેલના 50 વર્ષ.’
એશિયન કોમ્યુનિટીઓની સેવામાં 50 વર્ષથી કાર્યરત
મહેમાનોનું સ્વાગત કરતા લોર્ડ લૂમ્બાએ સીબી પટેલના નેતૃત્વ અને સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ થકી સીબી પટેલ ગુજરાતીઓ અને અન્ય એશિયન કોમ્યુનિટીઓઔની સેવા કરી રહ્યા છે અને જ્ઞાનનો પ્રસાર કરે છે. હું ટુંકમાં કહું તો, તેઓ કોમ્યુનિટીને મદદ કરવા, કોમ્યુનિટીની સાથે ઉભા રહેવા અને સામાન્ય લોકોના અધિકારો માટે લડવાના મિશન પર છે. ગત 50 વર્ષમાં તેમની સ્વપ્નદર્શી દેખરેખ હેઠલ આપણા પરિવારો યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા એશિયનોની પડખે ઉભા રહ્યા હતા. ગુજરાત સમાચારે એશિયનોના અધિકારો અને તેમનો અવાજ સંભળાય તે માટે ચળવળ શરૂ કરી હતી. સી.બી. પટેલ સામાજિક, રાજકીય અથવા ઈમિગ્રેશન સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે.’
ભારત અને યુકે વચ્ચે સેતુનિર્માણ
સમારંભમાં ભારતીય કોમ્યુનિટીઓ માટે રાજકીય પરિપ્રેક્ષ્યમાં આવેલા રચનાત્મક પરિવર્તન વિશે બોલતા પદ્મશ્રી બોબ બ્લેકમેનMPએ કહ્યું હતું કે,‘ સી.બી. પટેલ યુકેમાં ભારતીય કોમ્યુનિટીઓ માટે આદર્શ છે. ભારતીય અવાજ માત્ર આપણા રાજકારણમાં જ સંભળાય એટલું જ નહિ, આપણી કોમ્યુનિટીઓમાં સંભળાતો રહે તેની ચોકસાઈ રાખવામાં તમે મોખરે રહ્યા છો.’ તેમણે ઉમેર્યું હતું કે,‘આપણે ભારત સાથે માત્ર વેપાર આધારિત, સિક્યુરિટી આધારિત સંબંધોમાં જ નહિ પરંતુ, દરેકેદરેક આધારે સંબંધો વિકસાવવા અને વધારવાની જરૂર છે, આપણે મિત્રો છીએ. સાથે મળીને આપણે બે મહાન રાષ્ટ્ર છીએ.અને આપણે તે સંબંધોને વધુ નક્કર મજબૂત બનાવવા જોઈએ અને એ ચોકસાઈ રાખીએ કે અન્ય લોકો ગમે તે કરવાની ઈચ્છા રાખે, આપણે કદી વિભાજિત થઈશું નહિ. હું ભારતને માત્ર વિશ્વમાં જ નહિ, કોમનવેલ્થ પાર્લામેન્ચરી એસોસિયેશનમાં પણ આપણા માટે ચાવીરૂપ ભાગીદાર સ્વરૂપે નિહાળું છું. હું ભારતીય કોમ્યુનિટીના મારા ઘણા મિત્રોને મહાન દૃષ્ટાંતરૂપ સમર્થકો તરીકે માનું છું. જ્યાં સુધી મારો સંબંધ છે ત્યાં સુધી આ મિત્રતા વિકસે અને સમૃદ્ધ બને તે માટે શક્ય તમામ કરી છૂટીશ. હું બહારથી ભલે શ્વેત હોઈશ પરંતુ, અંદરથી તો હું બ્રાઉન- ઘઉંવર્ણ જ છું.’
ભારતીય કોમ્યુનિટીઓના પહરેદાર
લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે,‘કોમ્યુનિટીનો હિસ્સો હોવાથી તમને તેના પર નજર રાખવાની, અધમ-વિકૃત પ્રવાહો- વિચારધારાની સંભાળ લેવાની, તેમની સામે લડવાની, સારી વિચારધારાઓ નિહાળવાનિી અને રચનાત્મક પ્રવાહોને ઓળખવા અને તેમની તરફદારી-હિમાયત કરવાની છૂટ મળે છે. આ જ તદો પહરેદારની ફરજ છે અને સી.બી.એ આ જ કાર્ય સિદ્ધ કર્યું છે.’
યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણીએ સી.બી. પટેલ સાથે દીર્ઘકાલીન સંબંધો વિશે સમારંભને જણાવતાં કહ્યું હતું કે,‘ ગુજરાત સમાચારે ગુજરાતીઓ, શીખો, અને અંગ્રેજો સહિત યુગાન્ડા ટ્રેજેડી સહન કરનારા તમામ માટે વાત કરી છે. તમે અભૂતપૂર્ય કાર્ય કર્યું છે. સી.બી. એવા માનવી છે જેઓ લોકોને સમજે છે, આપણે બધા ક્યાંથી આવ્યા છીએ તે બરાબર સમજે છે. તેમણે એશિયન મહિલાઓ અને વિવિધ મુખ્ય પ્રવાહોમાંથી આવતી મહિલાઓને સમર્થન આપ્યું છે અને તેમને આગળ આવવા પ્રેરણા આપી છે.’
આ સમારંભમાં બોલતા સી.બી.એ જણાવ્યું હતું કે,‘ભારત લોકશાહી દેશ છે જેની સામે અનેક સમસ્યાઓ હોવાં છતાં, તેણે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ હાંસલ કરી છે.
આ ઉપરાંત, ઘણી યુવાન ભારતીય પ્રતિભાઓ, બૌદ્ધિકો અને ઉદ્યોગસાહસિકો પણ છે. આજે આપણે થોડા નવા ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્સનું તેમની અભૂતપૂર્વ સિદ્ધિઓ બદલ સન્માન કરવાના છીએ.’
તેમણે ઉમેર્યું હતું કે,‘આવતી કાલના વિશ્વમાં આરોગ્ય, શિક્ષણ, એગ્રિકલ્ચર, ભૂમિ સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં નિરંતરતા જોવા મળશે.ચાણક્ય દ્વારા લિખિત ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’માં એક શ્લોક છે ‘ધર્મસ્ય મૂલમ અર્થઃ’ જેનો અર્થ એવો થાય છે કે સભ્યતા-સંસ્કૃતિનો પાયો જ સંપત્તિનું સર્જન છે. હું વિવિધ સેક્ટર્સમાં પ્રચંડ યોગદાન આપનારા તમામ એવોર્ડવિજેતાઓથી ઘણો પ્રભાવિત થયો છું અને આ સમારંભમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું તેમનો આભારી છું.’
એવોર્ડ્સ અને એવોર્ડવિજેતાઓ
સી.બી. પટેલ અને અન્ય મહાનુભાવોએ પાંચ વિશિષ્ટ સંસ્થાઓને એવોર્ડ્સ એનાયત કર્યા હતા. આ સંસ્થાઓએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર નિષ્ઠા દર્શાવી છે અને તેમના બિઝનેસીસને વિકસવામાં મદદ કરી છે એટલું જ નહિ, પર્યાવરણીય પડકારોનું નિરાકરણ લાવવામાં પણ મદદ કરી છે.
આ સાથે એવોર્ડ્સ આપનારા, એવોર્ડ્સ અને એવોર્ડ્વિજેતાઓની યાદી રજૂ કરી છેઃ
• લોર્ડ અને લેડી લૂમ્બાએ ભંડેરી લેબ ગ્રોન ડાયમન્ડ્સના સ્થાપક ઘનશ્યામ ભંડેરીને ‘21st સેન્ચરીઝ બ્રેકથ્રુ ઈનોવેશન ઈન ધ ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી’ એવોર્ડ એનાયત કર્યો હતો. આ ગ્રૂપ CVD TYPE Iia લેબ ગ્રોન ડાયમન્ડ્સનું ઉત્પાદન કરે છે.
• લોર્ડ રેમી રેન્જરે ‘ધ હેલ્થકેર રીવોલ્યુશનઃ એક્સ્ક્લુઝિવ ઈનોવેશન એન્ડ રિસર્ચ ઈન ડાયાબિટીસ મેલિટસ’ એવોર્ડ તબીબી ક્રાંતિ સર્જનારી સફળતા તરીકે ઝીરો કેમિકલ ફોર્મ્યુલા સાથે બોટનિકલ ડોઝેઝ ફોર્મની શોધ કરનારા ડો. ચેતન સાવલિયા અને જીપીલાઈફ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર મનિષ રાયને એનાયત કર્યો હતો.
• લોર્ડ અને લેડી ધોળકીઆએ ડીએપી અને યુરિયા ખાતરોનાં વિકલ્પરૂપે બાયો-ઓર્ગેનિક ફર્ટિલાઈઝર્સની શોધ કરનારા ગજાલિ ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને ચેરમેન રાહુલ શાહને ‘ધ એગ્રિકલ્ચરલ રિવોલ્યુશનઃ મિશન ટુ સેવ મધર અર્થ’ એવોર્ડ એનાયત કર્યો હતો.
• લોર્ડ પારેખના હસ્તે શ્રી વશિષ્ઠ વિદ્યાલયના સ્થાપક વિજયભાઈ આર. દાવરિયાને ‘ધ એજ્યુકેશન રિવોલ્યુશનઃ ડેવલપિંગ ગ્લોબલ સિટિઝન્સ’ એવોર્ડ એનાયત કરાયો હતો. આ સંસ્થાનું ધ્યેય વિશ્વસ્તરીય શૈક્ષણિક અનુભવ આપવાનું અને વૈશ્વિક નાગરિકત્વ માટે બાળકોને તૈયાર કરવાનું છે.
• ભારતના યુકેસ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષ, યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી અને મોરેશિયસના મિશન હેડ દિશા રાગનુથે ભારતમાં યુવાનોને સશક્ત બનાવી કોમ્યુનિટીની સેવા કરનારા શાન પ્રોપર્ટીઝ (યુકે) લિમિટેડના શાન હાન્સરોડને ‘સ્ટ્રેન્ધનિંગ ધ કોમ્યુનિટી’ એવોર્ડ એનાયત કર્યો હતો.
અમીશ ત્રિપાઠી, પરમ શાહ, સુભાનુજી, કાન્તિ નાગડા અને મનુભાઈ રામજીએ મેમેન્ટોઝ, સર્ટિફિકેટ્, અને મેડલ્સ અર્પણ કરીને ઉપસ્થિત ભારતીય ડેલિગેશનનું સન્માન કર્યું હતું. સમારંભના સમાપને સહુએ ડિનરનો આસ્વાદ માણ્યો હતો.
આ સમારંભમા લંડન કેપિટલ ક્રિકેટ ક્લબના યજમાનપદે યોજાનારી ધ ગ્લોબલ પીસ T20 ક્રિકેટ લીગ યુકે માટે વિજેતા ટ્રોફીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
ગ્રૂપ એડિટર શ્રી મહેશ લિલોરિયા દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો...
લોર્ડ લૂમ્બા આ સમારોહના હોસ્ટ હતા. વિશેષ આમંત્રિત મહાનુભાવોમાં લેડી લૂમ્બા, લોર્ડ અને લેડી ધોળકીઆ, લોર્ડ કરન બિલિમોરિયા, લોર્ડ રેમી રેન્જર, લોર્ડ ભીખુ પારેખ, બેરોનેસ ઉષા પ્રાશર, શ્રી વિજય શર્મા, વિરેન્દ્ર શર્મા MP, બોબ બ્લેકમેન MP, ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષ, યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણી, નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અમીશ ત્રિપાઠી, મોરેશિયસ હાઈ કમિશનના મિશન હેડ દિશા રાગનુથનો સમાવેશ થતો હતો. અન્ય મહેમાનોમાં કાઉન્સિલર કૃપેશ હિરાણી, કાઉન્સિલર રામજી ચૌહાણ, SBIના રીજિયોનલ હેડ યુકે અને સીઈઓ સુધીર શર્મા, FICCI-UKના ડાયરેક્ટર ડો. પરમ શાહ, ધ ભવન-યુકેના ચેરમેન સુભાનુ સક્સેના, BAPS ના ટ્રસ્ટી ડો. મયંક શાહ, ડો. ભરત શાહ - CBE, મનુભાઈ રામજી, શશીકાંત વેકરિયા, નવનાત વણિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ દિલીપભાઈ મીઠાણી, સંગત સેન્ટરના સીઈઓ કાન્તિભાઈ નાગડા, વિનોદભાઇ ઠકરાર, ઝાકી કૂપર, રિશિ પટેલ, મેરુલ પટેલ, કમલ પાણખાણીઆ, હેરિટેજ બેંગાલ ગ્લોબલના ડાયરેક્ટર અનિર્બન મુખોપાધ્યાય, વર્લ્ડ તામિલ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક - ચેરમેન જેકોબ રવિ બાલાન વગેરે...