ભારતીય મતદારોની બદલાતી પક્ષીય વફાદારીની પેનલચર્ચા

રુપાંજના દત્તા Tuesday 09th June 2015 05:15 EDT
 
 

લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સના કમિટી રુમ નંબર ૪એમાં ભારતીય સમુદાયના અગ્રણીઓએ ચૂંટણીના રાજકારણમાં ભારતીય મતદારોના મહત્ત્વ અને બ્રિટનના ભાવિના ઘડતરમાં તેમના પ્રદાન અંગે વિશદ ચર્ચા કરી હતી. લોર્ડ પ્રોફેસર ભીખુ પારેખ અને બ્રિટનના બે સૌથી મોટા એશિયન ન્યૂઝ સાપ્તાહિકો ગુજરાત સમાચાર-એશિયન વોઈસ દ્વારા ૨૭ મેએ ચર્ચાસભાનું આયોજન કરાયું હતું. બ્રિટનની તાજેતરની ચૂંટણીના પગલે થિંક ટેન્ક્સ બ્રિટિશ ફ્યુચર અને ઈપ્સોસ મોરી દ્વારા અભ્યાસ તારણો અને ક્વીન્સ સ્પીચમાં ભારત અને ચીન સાથે દ્વિપક્ષી સંબંધો પર ભાર મૂકવાના સંદર્ભે ચર્ચાસભાનો સમય નોંધપાત્ર હતો.

ચર્ચામાં મુખ્યત્વે ત્રણ વિષયો સંકળાયેલા હતાઃ

- ભારતીયોમાં મતદારની પેટર્ન્સમાં ભારે બદલાવ

- વતનના દેશના આધારે, ભારતીય મતદારોનો અભિગમ અને,

- ભારતીય મતદારોનો વિશ્વાસ જીતવામાં લેબર પાર્ટી શા માટે નિષ્ફળ રહી

ચર્ચાસભામાં પેનલિસ્ટોમાં લોર્ડ પ્રોફેસર ભીખુ પારેખ, ગુજરાત સમાચાર-એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલ, સાંસદ કિથ વાઝ, પીઢ ભારતીય પત્રકાર આશિષ રે, લોર્ડ કરણ બિલિમોરિયા, રનીમીડ ટ્રસ્ટના ડિરેક્ટર ઓમર ખાન, ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર ડો. એસ વાય કુરેશી અને બ્રિટનસ્થિત ડેપ્યુટી ઈન્ડિયન હાઈ કમિશનર ડો. વિરેન્દર પોલનો સમાવેશ થયો હતો. પેનલમાં બ્લેકસ્ટોન ગ્રૂપના સીનિયર એમડી જિતેશ ગઢિયા, કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન અને લોર્ડ રાજ લૂમ્બા પણ સામેલ થયા હતા.

ચર્ચાસભાની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે લોર્ડ ભીખુ પારેખે લેબર પાર્ટી દ્વારા કિથ વાઝને પક્ષના વાઈસ ચેરમેનપદે નિયુક્ત કરાયાની જાહેરાત કરી હતી. જેને પાર્લામેન્ટેરિયન્સમાં ભારતીયોના વધતા મૂલ્ય અને ચૂંટણી મેનિફેસ્ટોમાં ભારતીય હિતોને નજરઅંદાજ કર્યા પછી લેબર પાર્ટીના સુધારણાત્મક પગલા તરીકે જોવાય છે. બ્રિટિશ ઉમરાવો અને સાંસદોએ ભારત-બ્રિટિશ સંબંધોમાં ભારતીય ડાયસ્પોરાના મહત્ત્વની ચર્ચા કરી ત્યારે ડો. ઓમર ખાને આંકડાકીય ઉદાહરણો સાથે ઈસ્ટ આફ્રિકન હિન્દુઓ અને ભારતીય હિન્દુઓ વચ્ચે મતદાર પેટર્ન્સનો તફાવત દર્શાવ્યો હતો. ડો. કુરેશીએ તેમની વિનોદી શૈલીમાં યુકે અને ભારતની ચૂંટણીપ્રક્રિયાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો હતો.

IJA ના પૂર્વ પ્રેસિડેન્ટ, પીઢ પત્રકાર અને RayMediaના સીઈઓ આશિષ રેએ ભારતીય મતદારોના વલણો અંગે આંકડાકીય માહિતી સાથે ચર્ચાનો આરંભ કર્યો હતો. ત્રણે રાજકીય પક્ષોના મેનિફેસ્ટો અંગે તેમણે કહ્યું હતું કે ભારત સાથે સંબંધોને તદ્દન નજરઅંદાજ કરતા લેબર પાર્ટીના મેનિફેસ્ટોથી તેમને ભારે નિરાશા ઉપજી હતી. કન્ઝર્વેટિવ પાર્ટી ભારત સાથેના સંબંધોની વાત કરી ભારતીયોનું ધ્યાન ખેંચી શકી હતી. લેબર પાર્ટી સત્તા પર હતી ત્યારે લેબર-ભારત સંબંધોને અસર કરનારી મૂર્ખામીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. ફોરેન સેક્રેટરી ડેવિડ મિલિબેન્ડ ૨૦૦૯માં ભારત ગયા ત્યારે રાજદ્વારી વિવાદ સર્જ્યો હતો. તેમણે ગાર્ડિયનના લેખમાં દાવો કર્યો હતો કે કાશ્મીરના દરજ્જાનું નિરાકરણ લાવવાથી સાઉથ એશિયામાં ત્રાસવાદીઓને સમર્થન ઘટશે. જે વિવાદિત વિસ્તાર માટે ૧૯૪૭ પછી ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધો ખેલાયાં છે, કાશ્મીરમાં અશાંતિને ભારત આંતરિક વિવાદ માને છે ત્યારે મિલિબેન્ડની ટીપ્પણીઓથી ભારત સરકાર રોષે ભરાઈ હતી.

આવી વિસંગતતા અને ભારત સાથે મિત્રતામાં ધોવાણ છતાં, લેબર પાર્ટીને હજુ એશિયનોને ટેકો મળી રહ્યો છે. રેએ કહ્યું હતું કે,‘લેબર સાંસદોએ આપણી કોમ્યુનિટીની સારી સંભાળ રાખી છે. ૫૨ (બાવન) મતક્ષેત્રોનો મારો અભ્યાસ દર્શાવે છે કે માત્ર ૨૨માં એશિયનોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આ ૨૨ મતક્ષેત્રોમાં લેબર પાર્ટીએ ૨૦માં વિજય મેળવ્યો છે. બે બેઠકમાં એશિયન ઉમેદવારો નહિ પણ કન્ઝર્વેટિવ્ઝ બોબ બ્લેકમેન અને એડવર્ડ ગાર્નિયર જીત્યા છે, જે દર્શાવે છે કે ભારતીયો ઉમેદવારોના મૂળ નહિ પરંતુ તેમની સેવા જોઈને મત આપે છે.’

સાંસદ કિથ વાઝે કહ્યું હતું કે,‘૧૯૮૭માં BME પશ્ચાદભૂમા માત્ર ચાર સાંસદ હતા, જે આજે વધીને ૪૧ થયા છે. આ મહાન પ્રગતિની નિશાની છે.’ તેમણે કોમ્યુનિટીની સેવા માટે બોબ બ્લેકમેન તેમજ આફૂસ કેરી પરનો પ્રતિબંધ ઉઠાવવા સહિત ભારતીયોની મદદ માટે વડા પ્રધાન કેમરનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે,‘ડેવિડ કેમરને ચાર વખત ભારતની મુલાકાત લીધી છે, જે આટલા ગાળામાં કોઈના કરતા વધુ છે. સંબંધો માટે આ સારી વાત છે અને લેબર પાર્ટીને વધુ સારું કરવાની પ્રેરણા મળી છે. ભારત સાથેના સંબંધો પાર્ટી પોલિટિક્સથી ઘણા ઊંચા છે. તેને બહેતર બનાવવા સરકારની મદદની રાહ ન જોશો. ભારત બ્રિટિશ પ્રજાજીવનના મોખરાનો મુદ્દો બની રહે તે માટેની જવાબદારી ડાયસ્પોરાની છે.’

કોબ્રા બીયરના સ્થાપક અને ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે,‘રાજકીય સ્તરે અહીંના અને ભારતના સાંસદો વચ્ચે પૂરતું આદાનપ્રદાન થતું નથી. આ દેશમાં ભારતીયો સૌથી સફળ સમુદાય છે. તેમની મહત્ત્વાકાંક્ષાઓ સામે હવે અવરોધોનું અસ્તિત્વ નથી. અગાઉ, ભારતીયો લેબર પાર્ટીને મત આપતા હતા, પરંતુ હવે બદલાવ આવ્યો છે. ૪૯ ટકા હિન્દુઓ અને શીખોએ કન્ઝર્વેટિવ્સને મત આપ્યા છે. મિ. કેમરને યુકેમાં એશિયન પ્રાઈમ મિનિસ્ટર વિશે કહ્યું છે, પરંતુ હું માનું છું કે આનાથી પહેલા કોઈ ભારતીય બ્રિટિશ વડા પ્રધાન બનશે.’

લોર્ડ બિલિમોરિયાએ ભારત-બ્રિટિશ સંબંધો પર નકારાત્મક અસર ઉપજાવતી સરકારની ઈમિગ્રેશન નીતિઓ વિશે કહ્યું કે,‘કન્ઝર્વેટિવ સરકારે ઈમિગ્રેશન વિશે ઘણો નકારાત્મક સંદેશો મોકલ્યો છે. ગેરકાયદે ઈમિગ્રેશન અટકાવો પરંતુ યુકેને બિઝનેસની જરુર હોવાથી સારા ઈમિગ્રેશનને અવરોધશો નહિ. ભારત યુકેને યુરોપના પ્રવેશદ્વાર ગણે છે. યુરોપમાં રહીને જ આપણા માટે સારી તક છે, જે ભારત-યુકે સંબંધોને મદદ કરવા સાથે ભારત અને યુકે બન્ને માટે પણ લાભકારી છે.’

ભારત સરકાર વતી બોલતા ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ડો.વિરેન્દર પોલે જણાવ્યું હતું કે, ‘તમામ રાજકીય પક્ષોમાં તાજેતરની ચૂંટણીમાં ભારતીય વંશજના મતદાનનો ભારે પડઘો પડ્યો છે. ઈન્ડિયન ડાયસ્પોરા યુકે-ભારત સંબંધોમાં મજબૂત સ્તંભ છે. ૨.૫ ટકા બ્રિટિશ ભારતીયો યુકેના જીડીપીમાં ૬ ટકા ફાળો આપે છે. આથી, બ્રિટિશ ભારતીયો સપ્રમાણ અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે.’

ચર્ચાનું સંચાલન કરતા લોર્ડ પારેખે આ ચૂંટણીએ દર્શાવેલાં કેટલાંક મહત્ત્વના પ્રવાહો અને ભારતીય સમુદાયમાં આવી રહેલા નોંધપાત્ર પરિવર્તન પરની વિશદ ચર્ચાનું સમાપન કરતા કેટલાક મુદ્દા સ્પષ્ટ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ દક્ષિણ એશિયનો અને વંશીય લઘુમતીઓની માફક, ભારતીયો પણ હવે એકસ્વભાવી જૂથ રહ્યા નથી. વર્ગભેદ ઉપરાંત, ધાર્મિક મતભેદો પણ છે. હિન્દુઓએ કન્ઝર્વેટિવ્ઝ (૪૭ ટકા) અને લેબર પાર્ટી (૪૧ ટકા)ની તરફેણમાં મત આપ્યા, જ્યારે પાકિસ્તાન અને ભારતના પણ મુસ્લિમોએ લેબર પાર્ટીને (૬૪ ટકા) અને કન્ઝર્વેટિવ્ઝને (૨૫ ટકા) મત આપ્યા છે. શીખોએ પણ હિન્દુઓની તરાહે જ મત આપ્યા છે. ઈસ્ટ આફ્રિકાથી આવેલા શીખ અને હિન્દુઓએ તેમના ભારતીય સમકક્ષો કરતા કન્ઝર્વેટિવ્ઝને મોટા પાયે મત આપ્યા હતા.

ભારતીયો પરંપરાગત લેબર પાર્ટીના સમર્થક રહ્યાં છે કારણ કે લેબર સરકારે ભારતને આઝાદી આપી હતી અને રંગભેદવિરોધી કાયદા માટે પણ તે જવાબદાર રહી હતી. અમૂક પ્રમાણમાં ભારતીયોએ ભૂતકાળમાં કન્ઝર્વેટિવ્ઝને મત આપ્યા છતાં તેઓ પાછળથી પસ્તાયા હતા. આ ચૂંટણીમાં તેમણે ટોરી પાર્ટી તરફ સહાનુભૂતિ જાહેર કરી તેનું ગૌરવ પણ લીધું છે.

તમામ રાજકીય પક્ષોએ- UKIP (૬ ટકા), ગ્રીન પાર્ટી (૪ ટકા), લેબર (૯ ટકા), લિબ ડેમ્સ (૧૦ ટકા) અને સૌથી વધુ કન્ઝર્વેટિવ્ઝ દ્વારા (૧૩ ટકા) વંશીય લઘુમતી ઉમેદવારને સ્થાન આપ્યું હતું સરવાળે ૫૦થી વધુ ભારતીય ઉમેદવારો હતા. ભારતીયો લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર રહેતા આવ્યા છે અને તેને કારકીર્દિ ગણતા નથી. આ ચૂંટણીથી તેમનો અભિગમ બદલાવો જોઈએ. અગાઉની સરખામણીએ વંશીય લઘુમતી ઉમેદવારોનું પ્રમાણ વધુ રહ્યું હતું અને હાઉન્સ ઓફ કોમન્સમાં પણ તેમની સંખ્યા વધી છે. ભારતીય યુવાનો સહિત વંશીય લઘુમતીઓ કાયદા અને મેડિસિનની માફક જ પોલિટિક્સને કારકીર્દિના વિકલ્પ તરીકે નિહાળશે તેમ માનવાને પૂરતું કારણ છે.

૧૫૦,૦૦૦ વંશીય લઘુમતી મતદારોએ ગ્રીન પાર્ટીને મત આપ્યો છે, જે તેમની રાજકીય વ્યવહારદક્ષતા અને મુખ્ય પ્રવાહના ત્રણ રાજકીય પક્ષોના પરંપરાગત રાજકીય ફલકથી આગળ વધવાની ઈચ્છા સૂચવે છે. ભારતીયો સહિત આશરે ૭૦,૦૦૦ વંશીય લઘુમતી મતદારે UKIPને મત આપ્યો છે. ભારતીયો UKIPને મત આપવા તૈયાર થાય તે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ અને સુરક્ષાની ભાવના સૂચવે છે. બ્રેડફોર્ડમાં જ્યોર્જ ગેલોવેનો પરાજય થયો, જે દર્શાવે છે કે બ્રિટિશ પાકિસ્તાનીઓને સ્થાનિક મુદ્દાઓમાં વધુ રસ છે અને તેમના સાંસદો સીરિયા, ઈરાક અથવા કાશ્મીરના બદલે બ્રેડફોર્ડ માટે કામ કરે તેવી અપેક્ષા રાખે છે. બ્રિટિશ હિન્દુ અને શીખોની માફક બ્રિટિશ મુસ્લિમો પણ મુદ્દાઓને બ્રિટિશ માળખામાં નિહાળતા અને દૂરવર્તી રાજકીય અને ધાર્મિક રાષ્ટ્રવાદના દબાણોનો સામનો કરતા થયા છે.

આખરી વાત એ છે કે ચૂંટણીના પરિણામોમાં ભારતીયોએ નજીવો તફાવત સર્જ્યો છે અને કોઈ ભારતીયે ડેવિડ કેમરનને મત આપ્યો ન હોત તો પણ કદાચ તેઓ જીત્યા જ હોત. લેબર પાર્ટીએ સ્કોટલેન્ડ અને મધ્ય ઈંગ્લેન્ડ ગુમાવ્યા પછી તો કન્ઝર્વેટિવ્ઝનો વિજય નિશ્ચિત હતો. જોક, મીડિયાના કેટલાંક સેક્શનમાં આ મુદ્દો અલગ રીતે રજૂ કરાવા સાથે વંશીય લઘુમતી મતોને વધુ મહત્ત્વ આપ્યું છે. આના પરિણામે, વંશીય લઘુમતી સમુદાયો અને વિશેષતઃ સૌથી મોટા જૂથ ભારતીયો સહિતનો આત્મવિશ્વાસ અને પોતાની ગર્ભિત ક્ષમતા અને શક્તિની લાગણી વધ્યાં છે. હવે તેઓ રાજકીય રીતે વધુ સક્રિય અને આગ્રહી બની શકે છે. આશરે ૪૫ ટકા ભારતીયોની વય ૩૦ વર્ષથી ઓછી છે ત્યારે ભવિષ્યની ચૂંટણીઓમાં પણ ભારતીય વગ જોવા મળશે તેમાં શંકા નથી.’

આ પછી ઓડિયન્સ દ્વારા ટીપ્પણીઓ અને પ્રશ્નોત્તર તેમજ આવી ચર્ચાસભાને નિયમિત સ્વરૂપ આપવાની માગણી સાથે બેઠકનું સમાપન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter