ભારતીય મૂળનાં ૧૫ પ્રતિનિધિ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા

કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીના સાત-સાત અને લિબ ડેમ્સના એક પ્રતિનિધિઃ પ્રીતિ પટેલ, રિશિ સુનાક, આલોક શર્મા, શૈલેશ વારા, સુએલા બ્રેવરમાન તેમજ લેબર પાર્ટીના વિરેન્દ્ર શર્મા, તનમનજીત સિંહ ધેસી, સીમા મલ્હોત્રા, લિસા નાન્દી, વેલેરી વાઝ અને પ્રીત કૌર ગિલ ફરીથી ચૂંટાયાં

Wednesday 18th December 2019 01:53 EST
 
 

લંડનઃ સામાન્યપણે યુકેમાં ભારતીય મૂળનાં બ્રિટિશ નાગરિકો રાજકારણથી દૂર રહેવામાં માને છે પરંતુ, રાજકીય મતબેન્ક તરીકે તેમનો પ્રભાવ વધી રહ્યો છે. વર્તમાન ચૂંટણીમાં ગત પાર્લામેન્ટમાં રહેલા ભારતીય મૂળના તમામ સાંસદો ફરી ચૂંટાઈ આવ્યા છે જેમાં, કન્ઝર્વેટિવ્ઝ પ્રીતિ પટેલ, રિશિ સુનાક, આલોક શર્મા, શૈલેશ વારા, સુએલા બ્રેવરમાન તેમજ લેબર પાર્ટીના વિરેન્દ્ર શર્મા, તનમનજીત સિંહ ધેસી, સીમા મલ્હોત્રા, લિસા નાન્દી, વેલેરી વાઝ અને પ્રીત કૌર ગિલનો સમાવેશ થયો છે. આ ઉપરાંત, કન્ઝર્વેટિવ પાર્ટી તરફે ગગન મોહિન્દ્રા અને ક્લેર કૌટિન્હો તેમજ લેબર પાર્ટી તરફે નવેન્દુ મિશ્રા અને લિબરલ ડેમોક્રેટ મુનિરા વિલ્સન પ્રથમ વખત પાર્લામેન્ટમાં ચૂંટાયા છે. આમ બે મુખ્ય રાજકીય પક્ષોના સાત-સાત અને લિબ ડેમ્સના એક પ્રતિનિધિ પાર્લામેન્ટમાં મૂળ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરશે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નેતાગીરી હેઠળ ટોરી પાર્ટીએ હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી સાથે ઐતિહાસિક અને ભવ્ય વિજય મેળવવા સાથે ભારતીય મૂળના પંદર ઉમેદવારો પણ સામાન્ય ચૂંટણીમાં વિજયી બન્યા છે. લગભગ ડઝન સાંસદ તેમની બેઠક પર ફરીથી ચૂંટાઇ આવ્યા હતા અને નવા ઉમેદવાર પણ વિજયી બન્યા છે. કન્ઝર્વેટિવ અને વિપક્ષ લેબરમાંથી સાત- સાત ઉમેદવાર ચૂંટાયા છે તેમજ લિબરલ ડેમોક્રેટસના એક ઉમેદવાર વિજેતા બન્યા છે. અતિ જમણેરી બ્રેક્ઝિટ પાર્ટીના ભારતીય મૂળના કોઈ ઉમેદવાર વિજયી નીવડ્યા નથી.

પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ એસેક્સના વિથાન મતક્ષેત્રમાંથી ફરી ચૂંટાઈ આવ્યાં છે. તેમણે લેબર પાર્ટીના માર્ટિન એડોબોર સામે ૨૪,૦૮૨ મતની નોંધપાત્ર સરસાઈથી વિજય મેળવ્યો છે. તેમણે ૩૨,૮૭૬ મત મેળવ્યાં હતાં. તેઓ પુનઃ બોરિસ સરકારમાં મહત્ત્વનું પદ મેળવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે,‘ભારે ઠંડીના ગાળામાં આ ચૂંટણી યોજાઈ હતી અને જીતવા બારે મહેનત કરવી પડી હતી કારણકે અમારે કન્ઝર્વેટિવ બહુમતીની આવશ્યકતા હતી. અમે પ્રાધાન્યતાના ધોરણે કામ કરવા પ્રતિબદ્ધ છીએ અને બ્રેક્ઝિટ સૌપ્રથમ પ્રાયોરિટી છે. સમજૂતી તૈયાર જ છે અમે તેને આગળ વધારવા માગીએ છીએ.’ તેમણે ૨૦૧૭ની સરખામણીએ ૫,૪૩૬ મત વધુ મેળવ્યાં છે.

ગત બોરિસ સરકારમાં મિનિસ્ટર રહેલા શૈલેશ વારાએ નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર મતક્ષેત્રમાં ૪૦,૩૦૭ મત હાંસલ કરી લેબર પાર્ટીના કેથી કોર્ડિનેર-આચેનબાક સામે ૨૫,૯૮૩ મતની નોંધપાત્ર સરસાઈ સાથે વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ૨૦૧૭ની સરખામણીએ ૭,૯૭૫ મત વધુ મેળવ્યાં છે.

ટ્રેઝરીના પૂર્વ ચીફ સેક્રેટરી તેમજ ઇન્ફોસીસના સહસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ રિશિ સુનાકે યોર્કશાયરની રિચમોન્ડ બેઠક પર લેબર પાર્ટીના થોમ કિર્કવૂડ સામે ૨૭,૨૧૦ મતની નોંધપાત્ર સરસાઈથી વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે કુલ ૩૬,૬૯૩ મત મેળવ્યા છે. તેમણે ૨૦૧૭ની સરખામણીએ ૪,૧૦૨ મત વધુ મેળવ્યાં છે.

પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર આલોક શર્માએ ૨૪,૩૯૩ મત મેળવી રીડિંગ વેસ્ટ બેઠક જાળવી રાખી છે. કન્ઝર્વેટિવ ઉમેદવાર શર્માએ લેબર પાર્ટીના રાચેલ એડનને ૪,૧૧૭ મતથી હરાવ્યા છે. ગત ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ તેમણે વધુ ૧૨૪૧ મતની સરસાઈ મેળવી છે.

ગોવા મૂળની કન્ઝર્વેટિવ સુએલા બ્રેવરમેને ૩૬,૪૫૯ મત મેળવી ફેરહામ બેઠક હાંસલ કરી છે. તેમણે ૨૬,૦૮૬ મતની સરસાઈ હાંસલ કરી હતી. બ્રેક્ઝિટતરફી સાંસદે સતત સમર્થન અને સખત મહેનત બદલ પોતાના મતવિસ્તારની ટીમનો આભાર માન્યો હતો. તેમણે પરિણામ પછી તરત ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘વરસાદ, ઠંડી અને અંધારામાં ગજબનું ટીમવર્ક! જેઓ બોરિસ જ્હોન્સન સાથે બ્રેક્ઝિટ પૂર્ણ કરવા માગે છે તે તમામનો આભાર.’

ગોવા મૂળની કન્ઝર્વેટિવ ક્લેર કૌટિન્હોએ તેમની પાર્ટીના મુખ્ય સૂત્રનો પડઘો પાડતાં કહ્યું હતું કે,‘ બ્રેક્ઝિટ પૂર્ણ કરવાનો તેમજ આપણી શાળાઓ, હોસ્પિટલો અને આપણી શેરીઓને સુરક્ષિત રાખવા માટે પોલીસ પાછળ રોકાણ કરવાનો સમય આવી ગયો છે.’ તેમણે સરે ઇસ્ટમાંથી ૨૪,૦૪૦ મતની નોંધપાત્ર સરસાઈથી વિજય મેળવી ટોરી બેઠક જાળવી હતી. તેમણે ૩૫,૬૨૪ મત મેળવ્યાં હતાં. ગગન મોહિન્દ્રાએ હર્ટફોર્ડશાયર સાઉથ વેસ્ટ બેઠક પર ૧૪, ૪૦૮ મતની નોંધપાત્ર સરસાઈથી વિજય સાથે પ્રથમ વખત કોમન્સમાં પ્રવેશ મેળવ્યો છે. તેમણે ૩૦,૩૨૭ મત મેળવ્યા હતા.

સમગ્ર દેશમાં લેબર પાર્ટીનો ભારે રકાસ થયો હોવાં છતાં ભારતીય મૂળના સાત લેબર ઉમેદવાર નોંધપાત્ર સરસાઈ સાથે ચૂંટાઈ આવ્યા છે.

પીઢ લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ પુનઃ ઈલિંગ સાઉથોલ બેઠક પર સહેલાઈથી વિજય મેળવ્યો છે. તેમણે ૨૫,૬૭૮ મત મેળવી ટોરી ઉમેદવાર ટોમ બેનેટને ૧૬.૦૮૪ મતની સરસાઈથી પરાજિત કર્યા હતા. જોકે, ૨૦૧૭ની સરખામણીએ તેમની સરસાઈમાં ૬,૦૦૬ મતનો ઘટાડો થયો છે.

બ્રિટનના પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ તનમનજીત સિંહ ધેસી સાઉથ-ઈસ્ટ ઈંગ્લેન્ડની સ્લાઉ બેઠક પરથી ૧૩,૬૪૦ મતની નોંધપાત્ર સરસાઈ સાથે ફરી વિજયી બન્યા છે. તેમણે ટોરી પાર્ટીના ભારતીય મૂળના પ્રતિસ્પર્ધી કંવલ તૂર ગિલ સામે ૨૯,૪૨૧ મત મેળવ્યા હતા. જોકે, તેમની અગાઉની સરસાઈમાં ૩,૩૫૮ મતનો ઘટાડો થયો છે.

લેબર પાર્ટીમાંથી પ્રથમ બ્રિટિશ શીખ મહિલા સાંસદ બનીને ઈતિહાસ સર્જનારાં પ્રીત કૌર ગિલ બર્મિંગહામ એજબાસ્ટન બેઠક પરથી ૨૧,૨૧૭ મત સાથે ફરી ચૂંટાઈ આવ્યાં છે. તેમણે કન્ઝર્વેટિવ એલેક્સ યિપને ૫,૬૧૪ મતથી પરાજ્ય આપ્યો હતો. જોકે, ૨૦૧૭ની સરખામણીએ તેમની સરસાઈમાં ૧,૩૦૩ મતનો ઘટાડો થયો છે.

સીમા મલ્હોત્રાએ ફેલ્ધામ એન્ડ હેસ્ટન બેઠક પર પુનઃ વિજય હાંસલ કર્યો છે. તેમણે ટોરી ઉમેદવાર જેન કીપને ૭,૮૫૯ મતથી પરાજિત કર્યાં હતા. જોકે, ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ મલ્હોત્રાની સરસાઈમાં ૭,૭૪૪ મતનો ધરખમ ઘટાડો થયો છે.

પૂર્વ પીઢ લેબર સાંસદ કિથ વાઝના બહેન અને પૂર્વ શેડો કોમન્સ લીડર વેલેરી વાઝ વોલ્સાલ ૨૦,૮૭૨ મત મેળવી સાઉથ બેઠક પરથી ફરી ચૂંટાઈ આવ્યાં છે. તેમણે ભારતીય મૂળના ટોરી ઉમેદવાર ગુરજિત બૈન્સને ૩,૪૫૬ મતની સરસાઈથી પરાજિત કર્યાં હતાં. જોકે, ૨૦૧૭ની સરખામણીએ વાઝની સરસાઈ અડધાથી પણ ઓછી થઈ હતી.

લેબર લિસા નાન્દીએ ગ્રેટર માન્ચેસ્ટરની વિગન બેઠક વિજય સાથે જાળવી રાખી છે. તેમણે ૨૧,૦૪૨ મત મેળવ્યાં હતા અને કન્ઝર્વેટિવ હરીફ એશ્લે વિલિયમ સામે ૬૭૨૮ મતની સરસાઈ હાંસલ કરી હતી. જોકે, અગાઉની સરખામણીએ સરસાઈ નોંધપાત્ર રીતે ઘટી છે.

લેબર નવેન્દુ મિશ્રાએ સ્ટોકપોર્ટ બેઠક હાંસલ કરવા ૨૧,૬૯૫ મત મેળવ્યા હતા. આ સાથે તેઓ પ્રથમ વખત પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરશે. તેમણે કન્ઝર્વેટિવ ઈસી ઈમરાનીને ૧૦,૦૩૯ મતથી પરાજિત કર્યા છે. જોકે, પૂર્વ સાંસદ એન કોફીએ ૧૪,૪૭૭ મતની સરસાઈ મેળવેલી હતી.

દક્ષિણ-પશ્ચિમ લંડનની ટ્વિકેનહામ બેઠકમાંથી ચૂંટાયેલાં લિબરલ ડેમોક્રેટ મુનિરા વિલસને કહ્યું હતું કે,‘ 'દેશની અંદર જેમ વધુ વિવિધતાનું પ્રતિબિંબ પડશે એમ વધુને વધુ લોકોના અવાજ સત્તાધીશોને સંભળાય અને તમામનું પ્રતિનિધિત્વ કરી શકાશે’. વિલ્સને ૩૬,૧૬૬ મત મેળવ્યા હતાં અને ટોરી ઉમેદવાર ઈઝોબેલ ગ્રાન્ટને ૧૪,૧૨૧ મતની સરસાઈ સાથે હરાવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter