નવી દિલ્હી: દુનિયાના ૧૬ મીડિયા હાઉસે સંયુક્ત રીતે ‘પેગાસસ પ્રોજેક્ટ’ હેઠળ સોમવારે વધુ એક મોટો પર્દાફાશ કર્યો તે સાથે જ ભારતીય રાજકારણમાં હલચલ મચી ગઇ છે.
‘વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ગાર્ડિયન’ સહિત અનેક મીડિયા પોર્ટલે જાહેર કરેલી યાદીમાં કહ્યું છે કે, આ ઈઝરાયલી સોફ્ટવેર થકી ભારતમાં જે લોકોની જાસૂસી કરાઈ છે, તેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, રાહુલ ગાંધીના પાંચ નજીકના મિત્ર, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર, પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ભત્રીજા અભિષેક અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ મૂકનારી મહિલાનું નામ પણ સામેલ છે.
એટલું જ નહીં, સોમવારે ચોમાસુ સત્રના પહેલા દિવસે હંગામા વખતે જાસૂસી કાંડમાં સરકાર વતી સ્પષ્ટતા કરનારા ઇન્ફર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને તેમની પત્નીનું પણ તેમાં સામેલ છે. આમ છતાં, અશ્વિની વૈષ્ણવે સોમવારે સંસદમાં આ મુદ્દે કેન્દ્ર સરકારનો બચાવ કર્યો હતો. તેમની સાથે કેન્દ્રમાં રાજ્યપ્રધાન પ્રહલાદ પટેલ અને તેમની સાથે સંકળાયેલા ૧૮ લોકોના મોબાઈલ નંબર પણ આ યાદીમાં છે.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના ઓએસડી રહી ચૂકેલા સંજય કાચરુ, રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના અંગત સચિવ પ્રદીપ અવસ્થી અને વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા પ્રવીણ તોગડિયાના નંબર પણ પેગાસસ બનાવનારી ઈઝરાયલી કંપની એનએસઓ ડેટાબેઝમાં છે. જોકે, જાસૂસીનો ભોગ બનનારામાં ફક્ત પ્રશાંત કિશોરે જ ફોરેન્સિક એનાલિસિસ માટે પોતાનો ફોન પેગાસસ પ્રોજેક્ટની ભાગીદાર એમ્નેસ્ટી ઈન્ટરનેશનલને આપ્યો છે.
સોફ્ટવેર મિલિટરી ગ્રેડ
આ મુદ્દે ઈઝરાયલી કંપની એનએસઓનું કહેવું છે કે, આ જાસૂસી સોફ્ટવેર મિલિટરી ગ્રેડ એક્સપોર્ટ (સેના નિકાસ)ની શ્રેણીમાં આવે છે, જેથી તે ફક્ત કોઇ દેશની સરકારને જ વેચાય છે. તેના આધારે પેગાસસ પ્રોજેક્ટનો પર્દાફાશ કરનારા વિવિધ મીડિયા હાઉસનું અનુમાન છે કે, આ જાસૂસી સરકારી એજન્સીઓએ જ કરી છે. જોકે, આ એન્જન્સીઓના નામ હજુ જાહેર કરાયા નથી.
આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાસૂસીના આરોપો નકારતા કહ્યું કે, દેશમાં ગેરકાયદે રીતે કોઇના ફોનની દેખરેખ ના રાખી શકાય. બીજી તરફ, સોમવારે સાંજે કોંગ્રેસે કહ્યું કે, આ સરકાર સતત પોતાના નાગરિકોની જાસૂસી કરાવે છે. સાથે સાથે જ તેણે આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની માગણી કરીને ગૃહ પ્રધાન અમિત શાહનું રાજીનામું માંગ્યું છે. જોકે અમિત શાહે કહ્યું કે, તમે ક્રોનોલોજી સમજો. આ ખુલાસો ચોમાસુ સત્રની બિલકુલ પહેલા કેમ કરાયો. આ લોકો દેશને બદનામ કરી રહ્યા છે. આ અહેવાલે સોમવારથી જ શરૂ થયેલા લોકસભાના ચોમાસુ સત્રની તેમજ રાજ્યસભાની કાર્યવાહી ખોરવી નાંખી છે.
૩૦૦થી વધુની જાસૂસી
પેગાસસ જાસૂસી કાંડના પર્દાફાશમાં દાવો કરાયો છે કે પેગાસસના ઉપયોગથી દેશના કુલ ૩૦૦થી વધારે લોકોના ફોન હેક કરાયા હતા. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાઈ અને તે પછી વિપક્ષના ત્રણ મહત્ત્વના નેતાઓ મોદી કેબિનેટના કેટલાક પ્રધાનો, સુપ્રીમ કોર્ટના જજ અને બિઝનેસમેન તથા પત્રકારો અને વિજ્ઞાનીઓના ફોન હેક થયા હતા. ૨૦૧૭થી ૨૦૧૯માં જેટલી મહત્ત્વની ચૂંટણીઓ આવી તેમાં ચૂંટણી સાથે સંકળાયેલા મહત્ત્વના લોકોની જાસૂસી કરાઇ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલા ૧૧ લોકોના ફોન હેક કરાયા હતા. અહેવાલો પ્રમાણે હાલમાં કોરોના જંગમાં દેશને સૌથી વધુ મદદ કરનાર વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગ, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ભારતના વડા હરી મેનનની પણ જાસૂસી થઇ હતી.
પેગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી છે
લંડન: વિશ્વભરના ૧૬ ટોચના મીડિયા ઓર્ગેનાઈઝેશનના ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પેગાસસ સ્પાયવેર મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા છે. પેગાસસે ૪૫ દેશોના ૫૦ હજાર લોકોની જાસૂસી કરી હતી. પેગાસસ ફોન ટેપિંગ મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચ્યો છે. ૧૬ મીડિયા ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઈન્વેસ્ટિગેશન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચાર ખંડના ૪૫ દેશોમાં જાસૂસી કરવામાં આવી હતી. પેગાસસની મદદથી દુનિયાના પહેલી હરોળના ૫૦ હજાર લોકોના ફોન ટેપ થયા હતા.
૪૫ દેશોના ટોચના રાજકારણીઓ, રાજદૂતો, પત્રકારો, સામાજિક કાર્યકરો, લશ્કરી અધિકારીઓ સહિતના ૫૦ હજાર લોકોના ફોન ટેપ થયાનો દાવો કરાયો છે. અહેવાલમાં તો ત્યાં સુધી કહેવાયું હતું કે આ લોકોની જાસૂસી માટે ૧૦ દેશોની સરકારે કામ સોંપ્યું હતું. એ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, યુએઈ, હંગેરી, મોરોક્કો, મેક્સિકો, કઝાકિસ્તાન, રવાન્ડા, અઝરબેજાન જેવા દેશોની સરકારો ઉપર પણ આંગળી ચિંધાઈ હતી. ભારત સહિતના ૧૦ દેશોએ પેગાસસની મદદથી જાસૂસી કરાવી હોવાનો ચોંકાવનારો દાવો અહેવાલોમાં થયો હતો. ૨૦૧૬થી જાસૂસી કરવામાં આવી રહી હોવાનું પણ રિપોર્ટમાં કહેવાયું હતું. મોરોક્કો, યુએઈએ ૧૦ હજાર નંબર, મેક્સિકોએ ૧૫ હજાર નંબર, યુરોપિયન દેશોએ ૧૦૦૦ નંબરની જાસૂસી કરાવી હતી. પેગાસસ સ્પાયવેરની મદદથી કંપનીના ગ્રાહક દેશોએ વર્ષે સરેરાશ ૧૧૨ નંબરોના ફોન ટેપ કરાવ્યા હતા. આ સ્પાયવેર ઈઝરાયેલી સર્વેલન્સ કંપની એનએસઓ ગ્રુપનો છે, જેની મદદથી ફોન ટેપિંગ અને ડેટા લીક કરવામાં આવે છે. પેગાસસ એક પ્રકારનો માલવેર છે, જે એન્ડ્રોઈડ અને આઈફોનમાંથી મેસેજ, મોબાઈલ નંબર, ઈમેલ, ફોટો, વીડિયો, ફોન રેકોર્ડિંગ વગેરે તફડાવી લે છે.