ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પદે તેજસ્વી ડો. ઊર્જિત પટેલ

Wednesday 24th August 2016 06:15 EDT
 
 

નવી દિલ્હીઃ અનેક અટકળો અને લાંબી ચર્ચાવિચારણાના અંતે ભારત સરકારે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર પદે ડો. ઊર્જિત પટેલની નિમણૂક કરી છે. તેઓ રિઝર્વ બેન્કના હાલના ગવર્નર રઘુરામ રાજનના અનુગામી બનશે. હાલ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર તરીકે કામકાજ સંભાળી રહેલા ડો. પટેલ ચોથી સપ્ટેમ્બરે નવી જવાબદારી સંભાળશે.
નિષ્ણાત અર્થશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા ડો. પટેલ રિઝર્વ બેન્કનું ગવર્નર પદ સંભાળનાર બીજા ગુજરાતી બનશે. આ અગાઉ ડો. આઇ. જી. પટેલ ભારતના આ સર્વોચ્ચ આર્થિક સંસ્થાનનું ગવર્નર પદ સંભાળી ચૂક્યા છે. યોગાનુયોગ બન્ને આર્થિક નિષ્ણાતો ચરોતર પંથકના વતની છે અને બન્ને પાટીદાર સમાજના છે. ડો. આઇ. જી. પટેલ કરમસદના વતની હતા તો કેન્યામાં જન્મેલા ડો. ઊર્જિત પટેલનું માદરે વતન ખેડા જિલ્લાનું મહુધા છે.
૨૦૧૩માં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)માં જોડાયેલા ડો. પટેલ ફુગાવો અને મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ણાત છે. હાલના ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ ૪ સપ્ટેમ્બરના રોજ પૂરો થઇ રહ્યો છે. ઊર્જિત પટેલ ૩ વર્ષ માટે આરબીઆઈના ગવર્નર તરીકે ફરજ બજાવશે. હાલ તેઓ ધિરાણ અને નાણાનીતિની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ રિઝર્વ બેન્કના ૨૪મા ગવર્નર બનશે.

ગવર્નર પદની રેસમાં ધુરંધરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન અરુણ જેટલી વચ્ચે ગુરુવારે એક કલાકની ઘનિષ્ઠ ચર્ચાવિચારણા પછી ગુજરાતના વતની અને નૈરોબીમાં ઉછરેલા ઊર્જિત પટેલની પસંદગી કરવામાં આવી હતી. પટેલને રાજનના નિકટના સાથી માનવામાં આવે છે.
ભારત સરકારના ચીફ ઈકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમ્, એસબીઆઈનાં ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્ય, આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસ તેમજ ‘સેબી’ના ચેરમેન યુ. કે. સિંહા, આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહન તેમજ ક્રિસિલના સુબીર ગોકર્ણનાં નામ પણ આ હોદ્દા માટે ચર્ચામાં હતાં. આખરે ઊર્જિત પટેલની પસંદગી કરાઈ હતી. એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજનને જ બીજી મુદત માટે આરબીઆઈના ગવર્નર પદે ચાલુ રાખવા માગતા હતા પણ રાજને બીજી ટર્મ માટે ચાલુ રહેવા અનિચ્છા દર્શાવી હતી.

‘બાજનજર ધરાવતા અર્થશાસ્ત્રી’

ડો. ઊર્જિત પટેલે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે અને ઓક્સફર્ડમાંથી એમ.ફિલ.નો અભ્યાસ કર્યો છે. ઊર્જિત પટેલને ભારતમાં ફુગાવો તેમજ મોંઘવારી ડામવા માટે તેમજ તેના લક્ષ્યાંક નક્કી કરવા માટે અને વ્યાજદર નક્કી કરવા સહિતની નીતિવિષયક બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે. જાપાનીઝ કંપની નોમુરાના મતે તેઓ બાજનજર વાળા અર્થશાસ્રી છે. ડો. પટેલ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરી ચૂક્યા છે.

કયા કાર્યો કરવાનાં રહેશે?

રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે ડો. ઊર્જિત પટેલે સૌથી પહેલું કામ મોંઘવારી અને ફુગાવાને કાબૂમાં રાખવાનું કરવાનું છે. ૨૦૧૭ સુધીમાં ફુગાવો ૪ ટકાના દરે લાવવાનું સરકારનું લક્ષ્ય છે. ૨૦૧૩માં જ્યારે રાજને કાર્યભાર સંભાળ્યો ત્યારે ફુગાવો ૯.૫૨ ટકા હતો, જે એપ્રિલમાં ઘટીને ૫.૨૪ ટકાએ આવી ગયો છે.
તેમણે બેન્કોની એનપીએમાં ઘટાડો કરવાનો છે. જે લોકો ઈરાદાપૂર્વક ડિફોલ્ટર બની રહ્યા છે અને કરોડોની લોન ચૂકવતા નથી તેવાં લોકો સામે સખતાઈથી કામ કરીને લોનની રિકવરી તેમણે આસાન બનાવવાની છે.
તેમણે દેશમાં સ્પેશ્યલાઇઝડ બેન્કો શરૂ કરવાની છે. મતલબ કે ઓન ડિમાન્ડ બેન્ક સર્વિસ પૂરી પાડવાની છે. મુખ્ય બેન્કોની સંખ્યા ઘટાડીને ૮થી ૧૦ કરવાની છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા થોડા દિવસ પહેલાં જ તેની સહયોગી બેન્કોના વિલીનીકરણની જાહેરાત કરાઇ છે.

૧૯૩૨માં આફ્રિકા પ્રયાણ

ડો. ઊર્જિત પટેલ આંતરરાષ્ટ્રીય સ્તરે અર્થશાસ્ત્રી તરીકે ભારે નામના ધરાવે છે તે સાચું, પરંતુ તેમના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે.
મહુધાના વતની અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા નિવૃત્ત મેજર ધીરુભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે, ૧૯૩૨માં ઊર્જિતભાઇના દાદા પરષોત્તમભાઇ ખેડા જિલ્લાના મહુધાથી કેન્યા જઇને સ્થાયી થયા હતા. ખાધેપીધે સુખી પરિવારના પરષોત્તમભાઇને સમય વીત્યે પુત્ર રવિન્દ્રનો જન્મ થયો. જેમણે ઉચ્ચ અભ્યાસ બાદ કેન્યામાં રેક્સો પ્રોડક્ટ નામે કંપની સ્થાપી હતી, જે ઓઇલ પેઇન્ટમાં વપરાતા થીનરનું ઉત્પાદન કરતી હતી. આ રવિન્દ્રભાઇ એટલે ઊર્જિતભાઇના પિતા.
કૌટુંબિક સંબંધોમાં રવિન્દ્રભાઇના પિતરાઇ ભાઇ થતા ધીરુભાઇ કહે છે કે ઊર્જિતભાઇનો જન્મ કેન્યામાં થયો છે, પણ ભારત સાથેનો નાતો જળવાઇ રહ્યો હતો.
ડો. ઊર્જિત પટેલ માતા સાથે મુંબઈમાં વસવાટ કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ પોતાને ડો. ઊર્જિત આર. પટેલ તરીકે ઓળખવાનું પસંદ કરે છે.

ઉજ્જવળ કારકિર્દી

૨૮ ઓક્ટોબર, ૧૯૬૩ના રોજ કેન્યાના નૈરોબીમાં જન્મેલા ડો. ઊર્જિત પટેલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બી.એ. અને વર્ષ ૧૯૮૬માં ઓક્સફર્ડમાંથી અર્થશાસ્ત્રમાં એમ. ફિલ.ની ડિગ્રી મેળવી છે. બાદમાં તેમણે ૧૯૯૦માં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું હતું.
આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર પદે તેમની નિમણૂક થઈ એ પહેલાં તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)માં કેન્યન નાગરિક તરીકે જોડાયા હતા. ૧૯૯૧-૯૪માં વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા ત્યારે ડો. ઊર્જિત પટેલે આઈએમએફમાં ભારત, અમેરિકા, બહામાસ અને મ્યાંમારનું ડેસ્ક સંભાળ્યું હતું. આઈએમએફ વતી જ તેઓ આરબીઆઈમાં ડેપ્યુટેશન પર આવ્યા હતા, જ્યાં તેમણે ડેબ્ટ માર્કેટના વિકાસ તેમજ બેંકિંગ અને પેન્શન ફંડ ક્ષેત્રમાં સુધારા કરવા સલાહકારની ભૂમિકા ભજવી હતી.
૧૯૯૮થી ૨૦૦૧ એનડીએ સરકાર વેળા ડો. ઊર્જિત પટેલ નાણાં મંત્રાલયના કન્સલ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપ્યા પછી ૧૧ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ તેમને ત્રણ વર્ષ માટે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની (આઈડીએફસી) સાથે જુદા જુદા હોદ્દા પર એક યા બીજા સમયે કામ કરી ચૂક્યા છે.
ઊર્જિતભાઇએ વિવિધ વિષયો પર પુષ્કળ લખ્યું પણ છે. ઈન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ટરનેશનલ ટ્રેડ, પબ્લિક ફાઇનાન્સ, મેક્રો-ઇકોનોમિક્સ અને મોસમના બદલાતા મિજ્જ એટલે કે કલાઇમેટ ચેન્જની દેશ-દુનિયાનાં અર્થકારણ પર થતી અસર વગેરે એમના પસંદગી વિષય છે.
આજે અર્થકારણની વાત આવે તો કહી શકાય કે આ પટેલ પાંચમાં પુછાય છે. જોકે ઊર્જિતભાઈ પોતે એમની આ ઝાઝેરી સિદ્ધિઓ વિશે ઝાઝું બોલવામાં માનતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter