શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ભંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા બુધવારે મોડી રાતથી ફાયરિંગ શરૂ કરાયું હતું. ભારતીય જવાનો દ્વારા આ ફાયરિંગનો સજ્જડ જવાબ અપાયો હતો. જેમાં ભારતીય પેરાટ્રુપર્સ દ્વારા પૂંચ સરહદે હાથ ધરાયેલી વિશેષ કામગીરીમાં પાકિસ્તાનના પાંચ જવાનોને ઠાર મરાયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ભારતીય ફાયરિંગમાં પાકિસ્તાનના છ જવાનો ઘાયલ થયા છે.
પૂંચ ઉપરાંત પાકિસ્તાને નૌશેરા અને કૃષ્ણાઘાટીમાં પણ આધુનિક અને સ્વયંસંચાલિત હથિયારો વડે મોટાપાયે ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ભીષણ ગોળીબારમાં જનરલ રિઝર્વ એન્જિનિયરિંગ ફોર્સના એક મજૂરનું મોત થયું હતું જ્યારે બે સ્થાનિકોને ઈજા થઈ હતી. તે પહેલાં બારામૂલાના સોપોરમાં ભારતીય જવાનો દ્વારા બે આતંકીને ઠાર કરાયા હતા. બુધવારે પોલીસ પાર્ટી ઉપર ગ્રેનેડ ફેંકનારા આ આતંકવાદીને સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાંથી શોધી કાઢીને ઠાર કરવામાં આવ્યા હતા.
આર્મી ચીફ રાવત પણ શ્રીનગર પહોંચ્યા
ભારતીય સેના વડા જનરલ બિપીન રાવત ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. રાવત અહીં સિક્યોરિટી એરેન્જમેન્ટ જોવા અને સ્થિતિનો તાગ મેળવવા આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન તેઓ એલઓસી ઉપર થતી કામગીરીનું પણ તેઓ મોનિટરિંગ કરશે.
પરોઢિયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
પોલીસ પાર્ટી ઉપર ગ્રેનેડ ફેંકનારા આતંકીઓની શોધ હાથ ધરવામાં આવી હતી. આ પછી સોપોરના નાટીપોરા વિસ્તારમાં પરોઢિયે ૩:૩૦ કલાકે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલ્યો હતો. સુરક્ષા જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઠાર કરાયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-૪૭, પાંચ મેગેઝિન, ૧૦૭ બુલેટ, બે પાઉચ, બે હજાર રોકડ અને કેટલાક રબરસ્ટેમ્પ મળી આવ્યા હતા.
૧૨ મોસ્ટ વોન્ટેડ આતંકી
ભારતીય સૈન્ય દ્વારા લશ્કર અને હિઝબુલના ૧૨ વોન્ટેડ આતંકવાદીઓની યાદી તસવીરો સાથે જાહેર કરવામાં આવી છે. યાદીમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર્સ રિયાઝ નૈકૂ, મોહમ્મદ યાસીન ઈટ્ટૂ, અલ્તાફ ડાર અને લશ્કરના કમાન્ડર જૈનુદ મટ્ટૂનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. સબઝાર બટને ઠાર કરાયા બાદ સેના દ્વારા આ યાદી જાહેર કરી હતી. સબઝારનાં મોત બાદ રિયાઝ નૈકૂને હિઝબુલનો નવો કમાન્ડર બનાવવામાં આવ્યો હતો.
સરહદે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે જણાવ્યું કે, સરહદે થ્રી ટિયર સિક્યોરિટી સિસ્ટમ ગોઠવવામાં આવશે. આ સિસ્ટમમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ટેલિજન્સ એજન્સી અને પોલીસનો સમાવેશ કરવામાં આવશે. ભારતે ર્સિજકલ સ્ટ્રાઇક કર્યા બાદ ઘુસણખોરીમાં ઘટાડો થયો છે.
એલઓસી ઉપર ભારતનો દબદબો વધ્યો
સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ તાજેતરમાં જ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારતીય સેના અને બીએસએફ દ્વારા મજબૂતીથી કામગીરી પાર પાડવામાં આવી રહી છે. તેને કારણે જ એલઓસી ઉપર ભારતનો દબદબો વધ્યો છે. સુરક્ષાજવાનો અને સૈન્ય દ્વારા આતંકીઓને પણ દબાણ હેઠળ લાવી દેવાયા છે. ભારતે પાકિસ્તાન સાથે શાંતિ અંગે ઘણી વાતો કરી અને પ્રયાસ કર્યા પણ પાકિસ્તાન આતંકવાદની જ ભાષા સમજે છે. તે આતંકવાદ ફેલાવીને ભારતને પરેશાન કર્યા કરે છે.
પાકિસ્તાને ભારતના નાયબ રાજદૂતને તેડાવ્યા
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે ભારતના નાયબ રાજદૂત જે. પી. સિંહને બોલાવીને ભારત દ્વારા ઉશ્કેરણીનાં કોઈ કારણ વિના નિયંત્રણરેખા પર થઈ રહેલા શસ્ત્રવિરામ ભંગને વખોડી કાઢયો હતો. બે નાગરિકોનાં મૃત્યુ અને પાંચ અન્યને ઈજા પહોંચી હોવાની ઘટના સામે વિરોધ નોંધાવ્યો હતો.