નવી દિલ્હીઃ ભારત સરકારે એક ઐતિહાસિક પગલું ભરવાની શરૂઆત કરી છે. આર્મી - નેવી - એરફોર્સ એમ ત્રણેય સેનાને વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામથી મુક્તિ અપાવવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાનો દાવો એક અગ્રણી દૈનિકમાં પ્રકાશિત અહેવાલમાં કરાયો છે. આ અહેવાલ અનુસાર, સૂચિત નીતિના ભાગરૂપે દેશને જે સુરક્ષા સાધનોની જરૂર હશે, તેની ઉત્પાદક કંપનીઓએ ભારતમાં જ તેનું નિર્માણ કરવું પડશે. અલબત્ત, આવી કંપનીઓને તે શસ્ત્રસરંજામની નિકાસ કરવાની જરૂર છૂટ મળશે. સંરક્ષણ ખરીદીની નીતિમાં ફેરફાર કરતા ‘બાય ગ્લોબલ’ની શ્રેણી સમાપ્ત કરાશે, જે અંતર્ગત વિદેશમાં વિકસિત શસ્ત્રસરંજામની આયાત થાય છે.
સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણય એવા સમયે કર્યો છે, જ્યારે ભારતમાં સુરક્ષા ઉપકરણોનું 68 ટકા સ્વદેશીકરણ થઈ ચૂક્યું છે. નૌસેના પોતાની 95 ટકા જરૂરિયાતો દેશમાં જ પૂરી કરી રહી છે. વાયુસેના પણ ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, પરિવહન વિમાનો અને ડ્રોનનું દેશમાં જ ઉત્પાદન કરવા ઈચ્છે છે. તેનાથી આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ ફાયદો થશે કારણ કે, તેમણે મોટા સંરક્ષણ સોદા માટે 30 ટકાની ઓફસેટ શરતોમાં બંધાવુ નહીં પડે.
વિદેશી સોદાની સમીક્ષા
ભારતીય સંરક્ષણ વિભાગ વિદેશમાં થયેલા સીધા સોદાની પણ સમીક્ષા કરી રહ્યો છે. દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આમાંથી રૂ. 65 હજાર કરોડની ખરીદીના સંભવિત પ્રસ્તાવ રોકી દેવાયા છે. રૂ. 30 હજાર કરોડના કેટલાક અન્ય સોદાને હાલ હોલ્ડ કરાયા છે.
યુક્રેન-રશિયા યુદ્ધ પછી સરકારે વિવિધ સ્તરે ઝડપથી નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. વિદેશમાં બનેલા શસ્ત્રસરંજામ પર નિર્ભરતાના કારણે દેશની વ્યૂહાત્મક નીતિ પણ એક મર્યાદામાં બંધાઈ જાય છે. એટલું જ નહીં, દુનિયાના શક્તિશાળી દેશો તેમની કંપનીઓએ બનાવેલા શસ્ત્રોનો જ ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારત-રશિયાએ સંયુક્ત રીતે બનાવેલી બ્રહ્મોસ મિસાઈલને રશિયાએ પણ તેની સેનામાં સામેલ નથી કરી કારણ કે, ત્યાં પણ બીજા દેશોમાં બનેલા શસ્ત્રોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
ભૂમિદળની વાત કરીએ તો, 2020થી માર્ચ 2022 સુધી થયેલા કુલ 29 માંથી 19 સુરક્ષા સોદા ભારતીય કંપનીઓ સાથે થયા છે. હવે ત્યાંથી આગળ વધતા 2022-23માં સેના આશરે રૂ. 26 હજાર કરોડની ખરીદીમાંથી રૂ. 19.6 કરોડની ખરીદી ભારતીય કંપનીઓ પાસેથી જ કરશે.
નૌસેનાની વાત કરીએ તો તે 95 ટકાથી વધુ સ્વદેશી થઈ ચૂક્યું છે. નૌસેનાએ પણ 37 પ્રસ્તાવિત મોટા યુદ્ધજહાજો અને સબમરિન ભારતમાં બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત 43 જહાજ અને 111 યુટિલિટી હેલિકોપ્ટરોનું નિર્માણ પણ ભારતમાં જ કરાવાઈ રહ્યું છે.
વાયુસેનાએ પણ સ્વદેશીનું સૂત્ર અપનાવ્યું હોય તેમ, ફાઈટર પ્લેનના મામલામાં એલસીએચ માર્ક-1, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ-એમ્કા, સ્વદેશી યુટિલિટી હેલિકોપ્ટર, બ્રહ્મોસ, એર-ટુ-એર મિસાઈલ આકાશ, રોહિણી, એસઆરઈ, પીએઆર જેવી સ્વદેશી રડાર સિસ્ટમને જ અપનાવવાનો નિર્ણય લીધો છે.
શસ્ત્રસરંજામના ઉત્પાદનમાં સ્વદેશીને પ્રાધાન્ય
• સંપૂર્ણ સંરક્ષણ બજેટ દેશમાં જ ખર્ચાશે
• દેશમાં સુરક્ષા સુવિધા વિકસાવવા ઈચ્છુક વિદેશી કંપનીઓ અને તેમની ભાગીદાર ભારતીય કંપનીઓને સમાન તક મળી રહે તેવી વ્યવસ્થા કરાશે
• ભારતીય કંપનીઓની ભાગીદારીમાં બનેલા શસ્ત્રસરંજામની નિકાસ માટેની શરતો હળવી કરાશે
• જોકે એવા દેશોનું નેગેટિવ લિસ્ટ પણ રખાશે, જેમને નિકાસ ના કરી શકાય. ઉત્પાદનોના ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે સ્વતંત્ર એકમ ઊભું કરાશે