વોશિંગ્ટન, કોલોરાડોઃ આંધ્ર પ્રદેશના વતની એવા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફ ભારતીયોમાં આ ઘટનાથી આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે તો બીજી તરફ ભારતીય સામેના હેટ ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાના બે જ દિવસ પછી સાઉથ કેરોલિનાના લેન્કેસ્ટરમાં વડોદરાના વતની એવા ગુજરાતી યુવાન હર્નિશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના પડઘા હજુ શમ્યા નહોતા ત્યાં એક શીખ યુવાન પર ગોળીબારની ઘટના બની છે.
આ સિવાય અન્ય ઘટનાઓમાં પણ ભારતીયો હેટ ક્રાઇમનો ભોગ બન્યાના અહેવાલ છે. એક ઘટનામાં ભારતીયના ઘર પર ઈંડા ફેંકાયા છે અને તેના ઘરની બહાર લખાયું છે કે, ‘તમારે ભારતીયોએ અહીંયા ના રહેવું જોઈએ.’ આ ઉપરાંત ભારતીયનાં ઘરની બહાર પોટ્ટી ચોંટાડવામાં આવી હતી.
કેન્સાસમાં શ્રીનિવાસની હત્યા
કેન્સાસમાં વંશીય ભેદભાવની ઘટનામાં ૩૨ વર્ષીય ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની હત્યાનો બનાવ વિચલિત કરી દેનારો હોવાનું ૨૮મી ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. ઓથાલે શહેરનાં એક બારમાં વંશીય ટિપ્પણી કરીને ‘ગેટ આઉટ ઓફ માય કન્ટ્રી’ કહીને નશામાં શ્રીનિવાસની હત્યા કરાઈ હતી. વ્હાઇટ હાઉસે આ સાથે અન્ય વંશીય ઘટનાઓને પણ વખોડી નાંખી હતી. કેન્સાસ ઘટનાના શંકાસ્પદ આરોપી અને નેવીના ૫૧ વર્ષીય નિવૃત્ત સૈનિક આદમ પુહિન્ટને તાજેતરમાં કોર્ટમાં રજૂ કરાયો હતો એ પછી વ્હાઇટ હાઉસના પ્રવકતાએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેન્સાસમાંથી આવેલા હુમલાના અહેવાલ વિચલિત કરી દેનારા છે.
આ ઘટનામાં શ્રીનિવાસના મિત્ર આલોક મદસાની અને વચ્ચે પડનારા એક અમેરિકન ઇયાન ગ્રિલોટને પણ ઇજા થઈ હતી.
વ્હાઇટ હાઉસે વધુ જણાવ્યું હતું કે, અમેરિકામાં દરેકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે અને કોઈએ ભયભીત થઈને રહેવાની જરૂર નથી. આ રાષ્ટ્રીય સિદ્ધાંત છે અને અમેરિકા તેનું પાલન કરે છે. દરમિયાન કેન્સાસ હુમલાના શંકાસ્પદ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેની ઉપર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ હતો. આ આરોપ હેઠળ તેને ૫૦ વર્ષની સજા થઇ શકે છે.
હત્યાના વિરોધમાં દેખાવો અને શાંતિકૂચ
કેન્સાસમાં ૨૭મી ફેબ્રુઆરીએ શ્રીનિવાસની હત્યાને વખોડતાં શાંતિ કૂચ અને પ્રાર્થનાસભાનું પણ આયોજન થયું હતું. તે સમયે લોકોએ શ્રીનિવાસની હત્યાની નિંદા કરી હતી. ‘વી વોન્ટ પીસ’ લખેલા બેનર્સ સાથે લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. દેખાવકારોએ ‘યુનિટી ઇઝ પાર્ટ ઓફ કમ્યુનિટિ’ અને ‘ટુગેધર વી સ્ડેન્ડ, ડિવાઇડેડ વી ફોલ’ જેવા સૂત્રો પણ પોકાર્યા હતા. કેન્સાસના લેફ્ટનન્ટ ગવર્નર જેફ કોલર, સાંસદ કેવિન યોર્ડર, પોલીસ વડા સ્ટીવન મેન્કે સહિતના અધિકારી પણ શાંતિકૂચમાં જોડાયા હતા.
જાન જોખમમાં મૂક્યા પછી પણ ખુશ છું: ઇયાન
કેન્સાસ ગોળીબાર વખતે બચાવ માટે વચ્ચે પડેલા અમેરિકી નાગરિક ઇયાન ગ્રિલટે કહ્યું હતું કે, જોખમ લીધું હતું પણ આજે ખુશ છું. જીવના જોખમે અનેક જીવન બચ્યા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.
મારા પતિની હત્યાનો જવાબ આપો: સુનયના
કેન્સાસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રીનિવાસનાં પત્ની સુનયનાએ ટ્રમ્પ સરકારને કહ્યું હતું કે, મારા પતિની હત્યાનો ટ્રમ્પ સરકાર જવાબ આપે. મારે ટ્રમ્પ સરકાર પાસેથી જવાબ જોઈએ છે કે તેઓ યુએસએમાં હેટ ક્રાઈમ રોકવા કયા પગલાં લેવા જઈ રહી છે? મૃતક શ્રીનિવાસની કંપની ગાર્મિને આ પ્રેસ મીટ યોજી હતી. સુનયનાએ કહ્યું હતું કે, હું અમેરિકાની સરકારને પૂછવા માગું છું કે શું અમારે હવે અહીંયા રહેવું જોઈએ? હું મારા પતિ માટે નહીં પણ તમામ વર્ગનાં લોકો કે જેમણે વંશીય હિંસામાં તેમનાં સ્વજન ગુમાવ્યા છે તેવા એશિયન, આફ્રિકન અને અમેરિકન લોકોને પુછવા માગું છું કે, નફરત અને વંશીય ભેદભાવના લીધે થયેલી આ હત્યા અને હિંસાને રોકવા માટે શું કરવા જઈ રહી છે?
લેન્કેસ્ટરમાં હર્નિશ પટેલ ઠાર
વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામના વતની અને ૧૪ વર્ષથી અમેરિકાના લેન્કેસ્ટરમાં રહેતા હર્નિશ પટેલની હત્યા કરાઇ હતી. ૪૩ વર્ષના હર્નિશની તેમનાં ઘરની નજીક જ ત્રણ ગોળીઓ મારીને હત્યા કરાઈ છે. સાઉથ કેરોલિનામાં બનેલી આ ઘટનાનાં ભારતીયોમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.
હર્નિશ પટેલ લેન્કેસ્ટર કાઉન્ટીમાં કન્વીનિયન્સ સ્ટોર ધરાવે છે. તેઓ બીજી માર્ચની રાત્રે ૧૧.૨૪ કલાકે તેમનો સ્ટોર બંધ કરીને નજીકમાં આવેલાં ઘરે જતા હતા ત્યારે ૧૦ મિનિટ પછી અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર આડેધડ ફાયરિંગ કરાયું હતું. તેમનાં ઘરથી થોડેક જ દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
એક મહિલાએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. મહિલાએ પોલીસને કહ્યું હતું કે તેણે કોઈની ચીસો સાંભળી હતી અને તે પછી ગોળીઓ ચલાવવાનો અવાજ સાંભળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હર્નિશનો મૃતદેહ મળ્યો હતો.
હર્નિશ પટેલ સ્ટોર બંધ કરીને તેમની મિની વાનમાં ઘરે આવી રહ્યા હતા ત્યારે તેમનાં ઘર નજીક જ હત્યારા અને તેમની વચ્ચે ઝપાઝપી થઈ હોવાનું મનાય છે. હર્નિશ પટેલના મિત્રો અને સગાંઓ તેમને અંજલિ આપવા માટે તેમનાં ઘરે ટોળે વળ્યાં હતાં. પટેલના એક કાયમી ગ્રાહક નિકોલ જોન્સે કહ્યું હતું કે પટેલને દરેકની સાથે સારા સંબંધો હતા. કોણે આવું કર્યું હશે તે માની શકાય તેમ નથી. જોન્સે કહ્યું કે પટેલ ક્યારેય તેમના બિઝનેસમાં નફો ઓછો થાય તો તેની ચિંતા કરતા નહીં પૈસા ન હોય તો પણ લોકોને ફૂડ આપતા હતા.
અંજલિ આપવા ભારતીયો-અમેરિકનો ઉમટ્યા
હર્નિશની હત્યાથી લેન્કેસ્ટર કાઉન્ટીનાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક નાનું બાળક છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમની દુકાન અને ઘરની બહાર લોકો બલૂન્સ અને ફૂલોના ગુલદસ્તા મૂકી રહ્યાં છે. ભારતીય ઉપરાંત અમેરિકન નાગરિકો પણ શોક દર્શાવી રહ્યાં છે. તેમની દુકાન બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખેલું છે કે પરિવાર પર સર્જાયેલી આપત્તિને કારણે દુકાન થોડા દિવસ માટે બંધ રહેશે. તકલીફ બદલ માફ કરશો.
હર્નિશ પટેલ અવાખલના વતની
વડોદરાના શિનોર તાલુકાના અવાખલ ગામના વતની જયંતીભાઇ નાથાભાઇ પટેલ પરિવાર સાથે છેલ્લા ૧૪ વર્ષથી અમેરિકાના લેન્કસ્ટરમાં રહે છે. તેઓની સાથે તેમની પત્ની તારાબેન, પુત્ર હર્નિશ ઉર્ફે નાનુ, પુત્રવધૂ સોનલ તેમજ પૌત્રી રિદ્ધિશ સાથે રહે છે. પુત્ર હર્નિશ ઉર્ફે નાનુભાઇ પોતાનો સ્ટોર ધરાવે છે. જાન્યુઆરી માસમાં જ તેઓ અવાખલ આવ્યા હતા. હર્નિશભાઇએ તે સમયે મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર માટે રૂ. ૫૦ હજારનું દાન આપ્યું હતું. તે ઉપરાંત શાળમાં પાણીની ટાંકી પણ આપી હતી, ઉપરાંત ગામની શાળામાં બાળકોને નોટબુકનું દાન કર્યું હતું. ગોળીબારની આ ઘટના પછી અવાખલ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
‘ગો બેક’ કહીને શીખ યુવાન પર ગોળીબાર
ભારતીય સામે હેટક્રાઇમની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. ત્રીજી માર્ચે ચહેરા પર માસ્ક પહેરેલા એક અજાણ્યા શખ્સે ૩૯ વર્ષના શીખ યુવક દીપ રાય પર ફાયરિંગ કર્યું હતું. ગોળી ચલાવતી વખતે હુમલાખોરે દીપ રાયને કહ્યું હતું કે, ‘ગો બેક ટુ યોર ઓન કન્ટ્રી.’ આવા બૂમબરાડા પાડીને તેણે શીખ યુવક પર ગોળીઓ ચલાવી હતી. શીખ યુવક દીપ રાય વોશિંગ્ટનના કેન્ટ ખાતે તેનાં ઘરની બહાર કારનું રિપેરિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. શીખ યુવક દીપ રાયે પોલીસને કહ્યું કે એક અજાણ્યો શખ્સ માસ્ક પહેરીને તેની પાસે આવ્યો અને તેની સાથે બોલાચાલી કરી હતી. તેણે ગો બેક ટુ યોર ઓન કન્ટ્રી કહીને હાથ પર ગોળી મારી હતી.
ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત દીપ રાય હવે ભયમુક્ત છે અને સ્વસ્થપણે લોકો સાથે વાતચીત કરે છે. તેણે કહ્યું કે આરોપી ૬ ફૂટ લાંબો અને શ્વેત નાગરિક હતો. તેણે ચહેરાના ઉપરના હિસ્સામાં માસ્ક પહેર્યો હતો.
શીખ યુવકને ગોળી મારવાની ઘટનામાં કેન્ટ પોલીસના ચીફ કેન થોમસે કહ્યું કે શીખ યુવક પરનો હુમલો જીવલેણ નહોતો. અમે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. પોલીસ આ ઘટનાને હેટક્રાઇમ માની રહી છે.
વંશીય હિંસામાં ૧૧૫ ટકાનો વધારો
ન્યૂ યોર્ક પોલીસ વિભાગનાં જણાવ્યા મુજબ ટ્રમ્પનાં વિજય પછી વંશીય હિંસામાં ૧૧૫ ટકાનો વધારો થયો છે. તેમનાં વિજયના ૧૦ દિવસમાં જ હેટ ક્રાઈમનાં ૮૬૭ કેસ નોંધાયા છે. ગયા વર્ષે ૪૦૦ હેટ ક્રાઈમ તો આ વર્ષે પહેલા બે મહિનામાં જ ૧૭૫ કેસો નોંધાયા છે.
ભારત ટ્રાવેલ વોર્નિંગ જારી કરે
અમેરિકામાં વીતેલા ૧૩ દિવસમાં ભારતીયો પર હુમલાની ત્રણ ઘટના બનતાં ત્યાં વસી રહેલા ભારતીય સમુદાયમાં ગભરાટની લાગણી પ્રવર્તી રહી છે. ત્રણમાંથી બે ઘટનામાં તો હુમલાખોરોએ કહ્યું હતું કે, ‘મારા દેશમાંથી બહાર જાઓ. આ ઘટનાઓને પગલે ત્યાં વસી રહેલા ભારતીયોમાં તો ભયનો માહોલ છે જ પરંતુ ભારતથી અમેરિકા ફરવા કે ભણવા જતાં પણ લોકો ડરી રહ્યા છે.
તેમને લાગવા માંડયું છે કે તેમની સાથે ભેદભાવ જ નહીં થાય પણ મારવામાં પણ આવશે. અમેરિકામાં વસી રહેલા સ્વજનોની પણ ભારતમાં ચિંતા થવા લાગી છે. સોશિયલ મીડિયા પર માગ ઊઠી છે કે સુષમા સ્વરાજ અમેરિકા માટે ટ્રાવેલ વોર્નિંગ બહાર પાડે.
વીડિયોથી વધુ ગભરાટ
ઓહિયોના વીડિયોએ ગભરાટમાં ઉમેરો કર્યો છે. એક વેબસાઇટ પર ઓહિયોના બગીચામાં ભારતિયોનો વીડિયો મૂકીને ટિપ્પણીઓ થઇ છે. સેવઅમેરિકાઆઈટીજોબ.કોમ પર વીડિયો પર ટિપ્પણીઓ આપતાં કહેવાયું છે કે અમેરિકન્સનું વિસ્થાપન થતાં ભારતના ધનવાન પરિવારો મજા કરી રહ્યા છે. વીડિયોમાં એ બાબત તરફ ધ્યાન દોરાયું છે કે આ વિસ્તારમાં મુખ્યત્વે ભારતીયો વસી રહ્યા છે અને તેમણે અમેરિકન્સની નોકરીની તકો છીનવી લીધી છે.