નવી દિલ્હીઃ ભારતની ૧૭ જેટલી સરકારી અને ખાનગી બેન્કોનું રૂ. ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને દેશ છોડી ગયેલા ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ વિજય માલ્યાને ભીંસમાં લેવા તંત્ર દોડતું થયું છે. અબજો રૂપિયાનું દેવું ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં માલ્યાને બેન્કોએ વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા બાદ હવે ભારત સરકારે તેનો પાસપોર્ટ રદ કર્યો છે. બીજી તરફ, માલ્યાનું રાજયસભાનું સભ્યપદ રદ કરવા પણ કાર્યવાહી શરૂ થઇ છે.
રાજ્યસભાની એથિક્સ કમિટીએ વિજય માલ્યાનું સભ્યપદ રદ કરવા ભલામણ કરી છે. કમિટીએ આ સંદર્ભે વિજય માલ્યાને નોટિસ મોકલીને એક અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે જણાવ્યું છે. માલ્યાના સંસદસભ્ય પદ અંગે ત્રીજી મેના રોજ નિર્ણય લેવામાં આવશે. માલ્યાને બેંકોએ વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા છે અને સાંસદ બનવાની યોગ્યતામાં ડિફોલ્ટર ન હોવું તે પણ એક શરત છે. આમ આ મુદ્દો સંસદની એથિક્સ કમિટીને સોંપાયો છે.
ભારત સરકાર માટે કપરાં ચઢાણ છે
બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને એક પણ રૂપિયો પરત કર્યા વગર બ્રિટન જતા રહેલા વિજય માલ્યાનો પાસપોર્ટ વિદેશ મંત્રાલયે મોડા મોડા રદ કર્યો છે. ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા આ પગલામાં સરકારે માલ્યા વિરુદ્ધ મુંબઈ કોર્ટ દ્વારા જારી થયેલા બિનજામીનપાત્ર વોરન્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આમ હવે માલ્યાની ધરપકડ કરવા માટેની કવાયત સરકાર હાથ ધરશે. જોકે હજુ ભારત સરકાર માટે આકરા ચડાણ છે કેમ કે એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે માલ્યાનું નામ બ્રિટનના મતદારોની યાદીમાં છે.
માલ્યાની વિરુદ્ધ મની લોન્ડરીંગ સહીત દેશમાં ૨૨ જેટલા કેસ દાખલ છે. ઇડી દ્વારા માલ્યાને ત્રણ વખત હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યા છતા તેઓ હાજર નહોતા થયા. બાદમાં ઇડીએ માલ્યાનો પાસપોર્ટ રદ કરવાની ભલામણ કરી હતી જેને સરકારે માન્ય રાખી છે. જેને પગલે હવે માલ્યા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા ઇન્ટરપોલને વિનંતી કરવામાં આવી શકે છે.
ભારત સરકાર બ્રિટનની મદદ માગી શકે
હાલ વિજય માલ્યા બ્રિટનમાં હોવાથી ભારત સરકાર બ્રિટન સરકારની મદદ લેશે તેવું માનવામાં આવે છે. માલ્યાના પ્રત્યાર્પણ માટે બે મુખ્ય આધાર છેઃ એક, મુંબઇની કોર્ટ દ્વારા જારી થયેલું બિનજામીનપાત્ર વોરન્ટ અને બે, તેનો પાસપોર્ટ રદ કરાયો છે. બીજી તરફ માલ્યાએ પણ પોતાના બચાવો માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.
અહેવાલો અનુસાર, વિજય માલ્યા હાલ બ્રિટનમાં છે અને તેણે બ્રિટિશ સિટિઝનશીપ મેળવી લીધી છે. લંડનની નજીકના એક વિસ્તારમાં વૈભવી મેન્શન ધરાવતા માલ્યાનું નામ બ્રિટનના મતદારોની યાદીમાં પણ છે. વળી આ મકાન માલ્યાના નામે જ હોવાનો ખુલાસો પણ એક આંતરરાષ્ટ્રીય અખબારમાં થયો છે.
આમ હાલ પાસપોર્ટ રદ કરી દેવા માત્રથી ૯૦૦૦ કરોડ રૂપિયા માલ્યા પાસેથી વસુલ નહીં થઇ શકે, હજુ ઘણા કપરા ચડાણ ભારત સરકારે ચડવા પડશે. જો સરકારે સમયસર પગલાં લીધા હોત અને માલ્યાને દેશ છોડીને ભારત બહાર જતાં જ અટકાવ્યા હોત કદાચ આ પરિસ્થિતિ જ પેદા ન થઇ હોત.
માલ્યાને કોઇ વિશેષાધિકાર નથીઃ ભારતીય બેન્કો
અબજો રૂપિયાના લોન ડિફોલ્ટર વિજય માલ્યાના મામલે બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતા સોમવારે જણાવ્યું હતું કે, માલ્યાએ પોતાની સંપત્તિની યોગ્ય અને પૂરેપૂરી વિગતો આપી નથી. લોનની રિકવરી માટે માલ્યા અને તેમના પરિવારજનોની સંપત્તિની સ્પષ્ટતા થવી જરૂરી છે. આ સાથે જ માલ્યા વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહે તે પણ એટલું જ જરૂરી છે. જો માલ્યા પોતાની સંપત્તિનો ખુલાસો જ નહીં કરે તો તેમના પર એવો ભરોસો કેવી રીતે કરી શકાય કે તેઓ લોન પરત ચૂકવશે. માલ્યાને એવો કોઈ વિશેષાધિકાર નથી કે જેના આધારે તેઓ વિદેશી સંપત્તિનો ખુલાસો કરવાનું ટાળે.
મારી સંપત્તિ જાણવાનો બેન્કોને અધિકાર નથીઃ માલ્ય
બેંકોનું અબજો રૂપિયાનું દેણું લઇને વિદેશ ભાગી જનારા વિજય માલ્યાએ લોનડિફોલ્ટર્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે બેન્કોને તેમની સંપત્તિની જાણકારી મેળવવાનો અધિકાર નથી. ૨૧ એપ્રિલે રજૂ કરેલી એફિડેવિટમાં લિકર કિંગે જણાવ્યું છે કે, વિદેશમાં રહેલી તેમની સંપત્તિની જાણકારી મેળવવાનો બેંકોને કોઈ અધિકાર નથી કેમ કે બેંકોએ સમય પર મદદ કરી નથી. માલ્યાએ સુપ્રીમ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, NRI ભારતીયને વિદેશી સંપત્તિના ખુલાસા માટે ફરજ પાડી શકાય નહીં.
તેણે કહ્યું હતું કે, પત્ની અને બાળકો અમેરિકન નાગરિકત્વ ધરાવે છે. લોન આપતી વખતે વિદેશી સંપત્તિઓને ગેરન્ટી તરીકે માની શકાય નહીં. માલ્યાના કહેવા મુજબ, કિંગફિશર એરલાઇન્સને લોન પેટે જે મોટી રકમ આપવામાં આવી હતી તે તેમની પૂંજી કે વિદેશી સંપત્તિના આધારે આપવામાં આવી નહોતી.
માલ્યાએ ૨૬ જૂન સુધીમાં સીલબંધ કવરમાં સંપત્તિની વિગતો રજૂ કરવા કોર્ટ પાસે મંજૂરી માગી છે. માલ્યાએ કોર્ટને કહ્યું છે કે, કિંગફિશર એરલાઇન્સની વ્યાવસાયિક નિષ્ફળતાને કારણો તેમનાં અંકુશની બહાર હતા.
વિજય માલ્યા પાસે છટકવાના વિકલ્પો
ભારત સરકારે ૨૦૧૧માં લલિત મોદીનો પણ પાસપોર્ટ રદ કર્યો હતો. જોકે તેમ છતાં હજુ સુધી સરકાર તેની ધરપકડ કરી શકી નથી. પાસપોર્ટ રદ થવા છતાં વિજય માલ્યા પાસે અનેક છટકબારીઓ ખુલ્લી છે. સુત્રોએ જણાવ્યું હતું કે માલ્યા સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ભારત પરત આવીને બેંકો સાથે વાટાઘાટો કરીને સમાધાન કરી શકે છે. આ ઉપરાંત તે લલીત મોદીની જેમ બ્રિટનની નાગરિક્તા લઇ શકે છે. તે એવા દેશોમાં પણ જઇ શકે છે કે જ્યાં સહેલાઇથી તેને નાગરિક્તા મળી જાય અને ભારત કંઇ કરી પણ શકે નહીં. જેમ કે માલ્ટા. આ દેશ સાથે ભારતને કોઇ કરાર નથી. આથી કોઇ વ્યક્તિ આ દેશમાં વસવાટ કરે તો ભારત કંઇ ન કરી શકે. બ્રિટનમાં કાયદો છે કે કોઇ વ્યક્તિ બ્રિટનમાં બિઝનેસમેન તરીકે રહી શકે છે. આ માટે તેણે દેશમાં બે લાખ પાઉન્ડ્સનું રોકાણ કરવું પડે છે.
ભારત પાસે માલ્યાને ભીડવવાના વિકલ્પો
‘લિકર કિંગ’ વિજય માલ્યા હાલમાં ભારતના પાસપોર્ટના આધારે બ્રિટન ગયા છે. હવે જ્યારે તેમનો પાસપોર્ટ જ ભારત સરકારે રદ કરી નાખ્યો છે ત્યારે તે બ્રિટન છોડી શકે તેમ નથી એવો દાવો કાનૂની નિષ્ણાતો કરી રહ્યા છે. પાસપોર્ટ રદ કર્યા બાદ હવે ભારત સરકાર બ્રિટન સરકારનો સંપર્ક કરશે. જોકે આ પહેલા સીબીઆઇએ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાવવી પડશે. જો ઇન્ટરપોલ દ્વારા એક વખત રેડ કોર્નર નોટિસ જારી થઇ ગઇ તો પછી વિજય માલ્યાની ધરપકડ કરવાનું આસાન થઇ શકે છે. જોકે આ સમગ્ર મામલે બ્રિટન સરકારનો સાથ બહુ જ જરૂરી છે. આ ઉપરાંત સરકાર પાંચ દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, મોરિશિયસ, હોંગ કોંગને લેટર રોગેટરી મોકલશે, જેના દ્વારા આ કોઇ દેશોમાં માલ્યાની કોઇ સંપત્તિ છે કે કેમ તેની જાણકારી મેળવવામાં આવશે.