નવી દિલ્હીઃ ભારતે તેની સિદ્ધિ-સફળતાઓની યાદીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ભારતે વિકસાવેલી સ્વદેશી જીપીએસ ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ’ (આઈઆરએનએસએસ)ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. આઈઆરએનએસએસ એ ભારતની જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) છે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ છે.
જે રીતે અમેરિકાએ વિકસાવેલી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ દિશા-સ્થળ શોધવા માટે થાય છે, એવી જ રીતે આઈઆરએનએસએસ નેવિગેશન માટે ઉપયોગી છે. ભારતના અવકાશ સંશોધન સંસ્થાન ‘ઈસરો’એ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ તરતું મૂકીને આ સુવિધા વિકસાવી છે.
ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (આઈએમઓ)એ ભારતની આ સિસ્ટમને સ્વિકૃતિ આપતા આઈઆરએનએસએસનો ઉપયોગ હવે હિન્દ મહાસાગરમાં ભારતની ભૂમિથી ૧૫૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં નેવિગેશન માટે થશે.
જીપીએસ એ વૈશ્વિક સિસ્ટમ છે, જેમાં ૩૧ સેટેલાઇટનો ઉપયોગ થાય છે. ભારતે અત્યારના તબક્કે ભારત અને ભારતના સમુદ્રી વિસ્તાર પુરતી (રિજનલ) નેવિગેશન સિસ્ટમ વિકસાવી છે, જેમાં સાત સેટેલાઇટનો ઉપયોગ થાય છે.
જહાજો માટે બહુ ઉપયોગી
સમુદ્રમાંથી પસાર થતા વ્યાપારી જહાજોએ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત હોય છે, પરંતુ અત્યાર સુધી તેમની પાસે જીપીએસ ઉપરાંત ચીન તથા યુરોપની સિસ્ટમ જેવા મર્યાદિત વિકલ્પો હતા. હવે ભારતની આ સ્વદેશી સિસ્ટમને આંતરરાષ્ટ્રીય મંજૂરી મળતા હિન્દ મહાસાગરમાંથી પસાર થતા જહાજો તેનો ઉપયોગ કરી શકશે.
કોઈ પણ સમયે હિન્દ મહાસાગરમાં મોટા કદના ૨૫૦૦ જેટલા વેપારી જહાજો હોય જ છે. તેમને આ સિસ્ટમ બહુ ઉપયોગી થશે. આઈએમઓની તાજેતરમાં મળેલી બેઠકમાં મેરિટાઈમ સેફ્ટી કમિટિએ ભારતે વિકસાવેલી આ સુવિધાને મંજૂરી આપી હતી.
સમુદ્રી સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની સિદ્ધિ
અત્યાર સુધી ભારતે સમુદ્રમાં દિશાશોધન માટે જીપીએસ જેવી પરદેશી સિસ્ટમનો જ આધાર રાખવો પડતો હતો. સ્વદેશી સિસ્ટમ તૈયાર થયા પછી હવે એ મહોતાજી રહી નથી. ખાસ કરીને નૌકાદળના જહાજોનું સ્થાન ગુપ્ત રાખવાનું હોય ત્યારે ભારતની નેવિગેશન સિસ્ટમ ઘણી કામ લાગે છે. ભારતની ભૂમિથી ૧૫૦૦ કિલોમીટર સુધીનો દરિયો આવરી લેવાય એ માટે અલગ અલગ સ્થળે સાત સેટેલાઇટ કાર્યરત રખાયા છે.