નવી દિલ્હીઃ ભારત સરકારના મુખ્ય દ્વિવાર્ષિક કાર્યક્રમ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન ઓડિશા સરકારના સહયોગમાં 8-10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરના આંગણે યોજાશે. વિદેશ મંત્રાલયે સમગ્ર આયોજન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ સમારોહમાં હાજરી આપવા માટે 50 દેશોના ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું થીમ ‘વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન’ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર - 9 જાન્યુઆરીએ સંમેલનનું ઉદ્ઘાટન કરશે જ્યારે ચીફ ગેસ્ટ અને રિપબ્લિક ઓફ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રેસિડેન્ટ ક્રિસ્ટિન કાર્લા કાન્ગાલુ વર્ચ્યુઅલ સંબોધન કરશે.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ડાયસ્પોરા માટે સ્પેશિયન ટુરિસ્ટ ટ્રેન ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ની પ્રથમ યાત્રાને લીલી ઝંડી ફરકાવશે. આ સ્પેશિયલ ટ્રેનનો આરંભ દિલ્હીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી થશે અને ત્રણ સપ્તાહના ગાળામાં ભારતના પર્યટન અને ધાર્મિક મહત્ત્વના અનેક સ્થળોનો પ્રવાસ કરાવશે. વિદેશ મંત્રાલયની પ્રવાસી તીર્થ દર્શન યોજના અંતર્ગત પ્રવાસી ભારતીય એક્સપ્રેસનું સંચાલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી 18મા PBD કન્વેન્શન ખાતે ચાર પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવાના છે. વિશ્વરૂપ રામ પ્રદર્શનમાં પરંપરાગત અને સમકાલીન કળા સ્વરૂપોના સંયોજન થકી રામાયણના કાલાતીત મહાકાવ્યની રજૂઆત કરવામાં આવશે. ટેકનોલોજી અને વિકસિત ભારત પ્રદર્શનમાં વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનોનો ઋણસ્વીકાર કરવામાં આવશે.
વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાના પ્રસાર અને ઈવોલ્યુશન સંદર્ભે ‘માંડવી ટુ મસ્કત’ વિષય પર સ્પેશિયલ ફોકસ સાથે ગુજરાતના માંડવીથી ઓમાનના મસ્કત સુધી સ્થળાંતર કરી ગયેલા લોકોના અલભ્ય દસ્તાવેજોને પ્રદર્શિત કરાશે.
ચોથા પ્રદર્શન ‘હેરિટેજ એન્ડ કલ્ચર ઓફ ઓડિશા’માં વિવિધ કળા અને હસ્ત કૌશલ્ય થકી ઓડિશાના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક પરંપરાઓને દર્શાવી તેના ભવ્ય વારસા પર પ્રકાશ પાથરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ શુક્રવાર - 10 જાન્યુઆરીએ 18મા PBD કન્વેન્શનના સમાપન સત્રનું પ્રમુખસ્થાન સંભાળશે. તેઓ ભારત અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં આપેલાં યોગદાનોને સન્માનવા અને તેમની સિદ્ધિઓની કદર કરવા માટે ભારતીય ડાયસ્પોરાના પસંદગીના સભ્યોને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ્સ એનાયત કરશે.
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર 8 જાન્યુઆરીએ યુવા બાબતો અને ખેલ મંત્રાલય સાથે ભાગીદારીમાં યુવા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી થશે. ‘ન્યૂઝવીક’ના સીઈઓ ડો. દેવ પ્રાગડ યુવા પ્રવાસી ભારતીય દિવસના અતિથિવિશેષનું પદ શોભાવશે.
પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શનમાં વિષય આધારિત પાંચ સત્ર રહેશે જેમાં ‘બીયોન્ડ બોર્ડર્સઃ ડાયસ્પોરા યુથ લીડરશિપ ઈન ગ્લોબલાઈઝ્ડ વર્લ્ડ’, ‘બિલ્ડિંગ બ્રીજીસ, બ્રેકિંગ બેરીઅર્સઃ સ્ટોરીઝ ઓફ માઈગ્રન્ટ સ્કીલ્સ’, ‘ગ્રીન કનેક્શન્સઃ ડાયસ્પોરાઝ કન્ટ્રિબ્યુશન્સ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’, ‘ડાયસ્પોરા દિવસઃ સેલિબ્રેટિંગ વિમેન્સ લીડરશિપ એન્ડ ઈન્ફ્લુઅન્સ - નારીશક્તિ’ અને ‘ડાયસ્પોરા ડાયલોગ્સઃ સ્ટોરીઝ ઓફ કલ્ચર, કનેક્શન એન્ડ બિલોન્ગિંગનેસ’નો સમાવેશ થશે. આ બધા જ સત્રોમાં પ્રતિષ્ઠિત ડાયસ્પોરા નિષ્ણાતોને સાંકળતી પેનલચર્ચાઓ યોજાશે.
આ વર્ષનું 18મું પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન મહત્ત્વપૂર્ણ છે કારણ કે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ ધરાવતા ઓડિશા રાજ્યમાં પ્રથમ વખત તેનું આયોજન થયું છે. 17મું PBD કન્વેન્શન 2023માં મધ્ય પ્રદેશ સરકારના સહયોગમાં ઈન્દોર ખાતે યોજાયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 18મા PBD કન્વેન્શનનું PBD વેબસાઈટ અને વિદેશ મંત્રાલયની યુટ્યૂબ ચેનલ પર લાઇવ જીવંત વેબકાસ્ટિંગ કરાશે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ભારત સરકારનો મુખ્ય ઈવેન્ટ છે જે ભારતીય ડાયસ્પોરા સાથે સંપર્ક અને વિનિમયનું તેમજ એકબીજા સાથે આદાનપ્રદાનનું મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પુરું પાડે છે.
પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
પ્રો. અજય રાણે - ઓસ્ટ્રેલિયા - કોમ્યુનિટી સર્વીસ
ડો. મારિયાલેના જોન ફર્નાન્ડિઝ - ઓસ્ટ્રીયા - શિક્ષણ
ડો. ફિલોમેના મોહિની હેરીસ - બાર્બાડોસ - તબીબી વિજ્ઞાન
સ્વામી સંયુક્તાનંદ - ફિજી - કોમ્યુનિટી સર્વીસ
સરસ્વતી વિદ્યા નિકેતન - ગયાના - કોમ્યુનિટી સર્વીસ
ડો. લેખ રાજ જુનેજા - જાપાન - વિજ્ઞાન અને ટેક્નોલોજી
ડો. પ્રેમ કુમાર - કિર્ગીઝ રિપબ્લિક - તબીબી સેવા
સૌકથાવી ચૌધરી - લાઓસ - બિઝનેસ
ક્રિષ્ના સવજાણી - મલાવી - બિઝનેસ
‘તાન શ્રી’ ડો. સુબ્રમણ્યમ્ સતાસીવમ્ - મલેશિયા - રાજકારણ
ડો. સરિતા બૂદ્ધૂ - મોરિશિયસ - કોમ્યુનિટી સર્વીસ
અભય કુમાર - મોલદોવા - બિઝનેસ
ડો. રામ નિવાસ - મ્યાંમાર - શિક્ષણ
જગન્નાથ શેખર આસ્થાના - રોમાનિયા - બિઝનેસ
હિન્દુસ્તાની સમાજ - રશિયા - કોમ્યુનિટી સર્વીસ
સુધા રાણી ગુપ્તા - રશિયા - શિક્ષણ
ડો. સઇદ અન્વર ખુરશીદ - સાઉદી અરેબિયા - તબીબી સેવા
અતુલ અરવિંદ તેમુરનીકર - સિંગાપોર - શિક્ષણ
રોબર્ટ મસીહ નાહર - સ્પેન - કોમ્યુનિટી સર્વીસ
ડો. કૌશિક લક્ષ્મીદાસ રામૈયા - ટાન્ઝાનિયા - મેડિસીન
ક્રિસ્ટીન કાર્લા કાન્ગાલૂ - ટ્રિનિદાદ એન્ડ ટોબેગો - જાહેર બાબતો
રામકૃષ્ણન્ શિવાસ્વામી ઐયર - યુએઇ - બિઝનેસ
બોન્થાલા સુબૈયાહ શેટ્ટી રમેશ બાબુ - યુગાન્ડા - કોમ્યુનિટી સર્વીસ
બેરોનેસ ઉષા કુમારી પરાશર - યુકે - રાજકારણ
ડો. શરદ લખનપાલ - યુએસએ - મેડિસીન
ડો. શર્મિલા ફોર્ડ - યુએસએ - કોમ્યુનિટી સર્વીસ
રવિ કુમાર એસ. - યુએસએ - બિઝનેસ (આઇટી - કન્સલ્ટીંગ)