ઇંદોરઃ મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા મુસ્લિમ બંદગીનું સ્થળ છે કે હિન્દુ ધર્મસ્થાન તે વિવાદ પરથી ધીમે ધીમે - તથ્યોના આધારે - પરદો ઊંચકાઇ રહ્યો છે. આર્કિયોલોજિકિલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)એ ન્યાયતંત્રના આદેશથી ભોજશાળામાં હાથ ધરેલા વૈજ્ઞાનિક અભ્યાસનો 2,000 પાનાનો દળદાર રિપોર્ટ મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઈંદોર બેન્ચને સોંપવામાં આવ્યો છે. ત્રણ મહિના ચાલેલા આ અભ્યાસ દરમિયાન હિંદુ તેમજ મુસ્લિમોએ આ સ્થળ પોતાનું ધાર્મિક સ્થળ હોવાનો દાવો કર્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં હવે આ કેસમાં 22 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે.
પુરાતત્વવિદોને આ ઐતિહાસિક સ્થળેથી 94 તૂટેલી પ્રતિમાઓ મળી આવી છે જે ભૂતકાળમાં અહીં મંદિર હોવાનો પુરાવો હોવાના સ્પષ્ટ સંકેત આપે છે. જોકે હવે મુખ્ય સવાલ એ છે કે 23 વર્ષ પહેલાં જે વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે તેને આ રિપોર્ટને આધારે હાઈકોર્ટ બદલશે કે કેમ? હિંદુ પક્ષના વકીલે દાવો કર્યો છે કે સરવે દરમિયાન જે કંઈ પુરાવા મળ્યા છે તે પુરવાર કરે છે કે અહીં ભૂતકાળમાં મંદિર હતું.
ધાર જિલ્લામાં 11મી સદીમાં આ ભોજશાળા બનાવવામાં આવી પછી તેની પર હિંદુ અને મુસ્લિમોએ પોતપોતાનું ધાર્મિક સ્થળ હોવાનો દાવો કરતા વિવાદ જાગ્યો છે. હિંદુ સમુદાય આ ભોજશાળાને વાગ્યેવી (દેવી સરસ્વતી)નું મંદિર માને છે જયારે મુસ્લિમો તેને કમાલ મૌલાની મસ્જિદ કહે છે.
હિંદુ ફ્રન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ સ્થળ પર હિંદુઓના કબજાની માગણી કરતી અરજી કરાઈ હતી. આ પછી હાઇકોર્ટે 11 માર્ચે છ અઠવાડિયામાં ભોજશાળા પરિસરનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા એએસઆઇને આદેશ આપ્યો હતો. છેલ્લે 4 જુલાઈએ એએસઆઇને 15 જુલાઈ સુધીમાં તેનો રિપોર્ટ હાઇ કોર્ટને સોંપવા ફરમાન કર્યું હતું. ભોજશાળામાં અગાઉ ખોદકામ કરાયું ત્યારે ત્યાંથી મૂર્તિઓનાં અવશેષો તેમજ સ્તંભો અને ધાર્મિક ચિહ્નો મળ્યા હતા.
અમારો દાવો મજબૂતઃ હિંદુ પક્ષ
હિંદુ ફ્રન્ટ ઓફ જસ્ટિસનાં વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે, એએસઆઇના રિપોર્ટને કારણે અમારો કેસ વધુ મજબૂત થયો છે. આ મામલે એએસઆઇનો રિપોર્ટ મહત્ત્વનો છે. અમે મધ્યપ્રદેશની ઇંદોર બેન્ચ સમક્ષ દાવો કર્યો હતો કે આ પરિસર એક હિંદુ મંદિર છે, પણ તેનો ઉપયોગ મસ્જિદની જેમ થઈ રહ્યો છે. 2003માં એએસઆઇએ અહીં નમાજ પઢવાનો જે આદેશ આપ્યો છે તે તદ્દન ખોટો છે. દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. હાઇકોર્ટે એએસઆઇને સાયન્ટિફિક સ્ટડી કરવા કહ્યું હતું. એએસઆઇનાં રિપોર્ટ પછી અમારો દાવો મજબૂત બન્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્ટે આપેલો છે આથી અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
94થી વધુ ખંડિત મૂર્તિઓ મળી
આ સ્થળેથી 94 તૂટેલી મૂર્તિઓ મળી છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ, ભોલેનાથ, હનુમાનજી, શિવ, બ્રહ્મા, વાગ્દેવી, ભગવાન ગણેશ, માતા પાર્વતી, ભૈરવનાથની મૂર્તિઓનો સમાવેશ થાય છે. કેટલાક થાંભલા પર વેદ અને શાસ્ત્રોનાં ચિહ્નો મળ્યા છે. શ્લોકો લખેલા મળ્યા છે. જૂની કલાકૃતિઓ મળી છે. મોટી સંખ્યામાં હિંદુ સાહિત્ય મળી આવ્યું છે જે જોઈને સૌ કોઈ એવું કહે કે આ ભવ્ય પાઠશાળા તેમજ મંદિર હતું. ફક્ત હિંદુઓ માટે જ તેમજ અભ્યાસ માટે તેનો ઉપયોગ કરાતો હતો. મુસ્લિમ આક્રમણખોરોએ જે બળજબરી કરી હતી તેનો પર્દાફાશ થઈ રહ્યો છે.
વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને કહ્યું હતું કે અહીં પહેલા હિંદુ મંદિર હતું તે દાવાને કોઈ ફગાવી શકે તેમ નથી. એએસઆઇના રિપોર્ટ પછી તેમાં મહત્ત્વની સફળતા મળી છે. અહીં પહેલા વેદ શાસ્ત્રો, સંસ્કૃત, ધાર્મિક શિક્ષણનો અભ્યાસ થતો હતો. અહીં ફક્ત હિંદુઓ જ પૂજા કરી શકે છે.
એએસઆઇના આદેશથી વિવાદ
એએસઆઇ દ્વારા 22 માર્ચે પરિસરનો સરવે શરૂ કરાયો હતો. જે ત્રણ મહિના ચાલ્યો હતો. આખો વિવાદ 7 એપ્રિલ 2003નાં રોજના એએસઆઇના આદેશના સંદર્ભમાં જાગ્યો હતો. એએસઆઇએ આદેશ આપ્યા મુજબ હિંદુઓ ફક્ત મંગળવારે જ ભોજશાળામાં પૂજાઅર્ચના કરી શકતા હતા જ્યારે મુસ્લિમોને શુક્રવારે નમાજ માટે છૂટ અપાઈ હતી. આ મુદ્દે એક પક્ષ અગાઉથી સુપ્રીમ કોર્ટમાં ગયો છે તેથી ભોજશાળાનાં પરિસરને નુકસાન ન થાય તે રીતે સુપ્રીમ કોર્ટે પરિસરના સરવેનો આદેશ આપ્યો હતો.