પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફને નવા વડા પ્રધાન તરીકે પસંદ કરાયા છે. આ એવા વડા પ્રધાન છે જેઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જઇ આવ્યા છે અને દેશવટો પણ ભોગવી ચૂક્યા છે. નવાઝ શરીફ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા હતા અને જેલમાંથી છૂટ્યા પછી લંડનમાં છે. વિદેશમાં તેમની સારવાર ચાલે છે. આ જ નવાઝની સરકારને હરાવીને ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા હતા. શાહબાઝ પંજાબ પ્રાંતના મુખ્ય મંત્રી લાંબો સમય રહ્યા છે અને તે પછી દેશની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા બન્યા ત્યાં સુધીની તેમની સફર ઘણી રસપ્રદ છે.
વેપારી પરિવારમાં જન્મ
શાહબાઝનો જન્મ પાક.ના પ્રતિષ્ઠિત વેપારી પરિવારમાં થયો હતો. તેઓ કાશ્મીરી મૂળના પંજાબી છે અને જમ્મુ-કાશ્મીરના મિયાં કબિલાના છે. શરીફ પરિવાર એક સમયે કાશ્મીરના અનંતનાગમાં રહેતો હતો અને વેપાર કરવા અમૃતસર નજીક ઉમરા ગામે વસ્યો. અહીંથી પરિવાર લાહોર પહોંચ્યો. શાહબાઝનાં માતા પણ મૂળે કાશ્મીરના પુલવામાનાં છે. શાહબાઝ શરીફે કોલેજ પછી ‘ઇત્તેફાક ગ્રૂપ’ નામે કારોબાર સંભાળ્યો. તેમના પિતા મોહમ્મદ શરીફે આ ઉદ્યોગગૃહ સ્થાપ્યું હતું, જે તેમણે વિસ્તાર્યું. 'ઇત્તેફાક ગ્રૂપ' આજે દેશનું સૌથી મોટું ઉદ્યોગગૃહ છે. પોલાદ, ખાંડ, ટેક્સટાઇલ વગેરે ક્ષેત્રે કાર્યરત છે.
શાહબાઝની રાજકીય સફર 1988માં શરૂ થઈ. પંજાબ વિધાનસભામાં પહોંચ્યા. પછી રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવશ્યા અને 1990માં પાક. સંસદમાં ચૂંટાયા. તે વખતે નવાઝ શરીફ વડા પ્રધાન હતા. નવાઝ જેટલો સમય વડા પ્રધાન રહ્યા એટલો સમય તેઓ સાંસદ તરીકે રહ્યા. 1993માં નવાઝ શરીફને વડા પ્રધાન પદ છોડવું પડ્યું. તે વર્ષે શાહબાઝ શરીફ પંજાબ વિધાનસભામાં પહોંચ્યા અને 1996 સુધી વિપક્ષના નેતા તરીકે ત્યાં રહ્યા. 1997માં તેઓ ત્રીજી વાર પંજાબના મુખ્ય મંત્રી બન્યા.
સત્તા ગઇ ને ધરપકડ થઈ
બે જ વર્ષમાં શાહબાઝે ખુરશી ગુમાવી. 12 ઓક્ટોબર 1999ના રોજ જનરલ મુશર્રફે ચૂંટાયેલી સરકારને હટાવીને સત્તા કબજે કરી લીધી. શાહબાઝની ધરપકડ થઇ. એપ્રિલ 2000માં મોટા ભાઈ નવાઝ શરીફને આજીવન કેદની સજા સંભળાવાઇ. આતંકવાદને ઉત્તેજન આપવાનો આરોપ મૂકાયો. આઠ મહિના પછી પાક.ની લશ્કરી સરકારે નવાઝને માફી આપી અને સમજૂતી અનુસાર પરિવારના 40 લોકો સાથે તેમને સાઉદી અરેબિયા મોકલી દેવાયા. જેમાં નાના ભાઈ શાહબાઝ શરીફ પણ હતા.
પાકિસ્તાનમાં પુનરાગમન
23 ઓગસ્ટ 2007ના રોજ સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો અને જણાવ્યું કે શાહબાઝ અને નવાઝ શરીફ પાકિસ્તાન પરત ફરી શકે છે. 2008માં શાહબાઝ ચોથી વાર મુખ્ય મંત્રી બન્યા. 2013માં શાહબાઝ ફરી પંજાબના મુખ્ય મંત્રી બન્યા. નવાઝ શરીફ ફરી વડા પ્રધાન બન્યા.
સારા વહીવટકર્તા
રાજદ્વારી વિશ્લેષકો માને છે કે શાહબાઝ શરીફ સારા વહીવટકાર છે. શાહબાઝે માત્ર લાહોર નહીં, પણ સમગ્ર પંજાબ પ્રાંતમાં પરિવર્તન લાવનારું કામ કર્યું. પંજાબના ડેવલપમેન્ટ માટે તેમને જશ આપવામાં આવે છે. મેટ્રો બસ અને ઓરેન્જ ટ્રેન શરૂ કરવાનું શ્રેય તેમને મળે છે. તેમમની આશિયાના હાઉસિંગ સ્કીમનાં ખૂબ વખાણ થયાં હતાં.
લાંબો સમય જેલવાસ
2018માં પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી યોજાઈ ત્યારે પીએમએલ-એન તરફથી શાહબાઝને વડા પ્રધાન પદના દાવેદાર તરીકે આગળ કરાયા હતા. જોકે એ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ) જીતી અને ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા. શાહબાઝ વિપક્ષના નેતા બન્યા હતા. 2020માં શાહબાઝે કરેલી આગોતરા જામીન અરજી કઢાઇ પછી મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરાઇ હતી. તેમને લાહોરની કોટ લખપત જેલમાં સાત મહિના રહેવું પડ્યું હતું. એ વખતે ઇમરાન ખાનના સલાહકાર તરીકે કામ કરતાં શહઝાદ અકબરે તેમના પુત્રો હમઝા અને સલમાન સામે પણ નકલી ખાતાં ખોલીને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો હતો.
સેના સાથે સારા સંબંધ
24 મે 2021ના રોજ નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા તરીકે શાહબાઝે વિપક્ષના બધા જ નેતાઓ માટે ડીનરનું આયોજન કર્યું હતું. તેમણે વિપક્ષને ઇમરાનની સરકારને હટાવવા એકસંપ થવા હાકલ કરી હતી. આ રીતે વિપક્ષી દળો વચ્ચે એકતા સાધીને ઇમરાન ખાન સરકારને સતત જુદા જુદા મોરચે ઘેરવામાં આવી. મોટા ભાઈ નવાઝ શરીફથી વિપરીત શાહબાઝ પ્રથમથી જ સેના સાથે સારા સંબંધો ધરાવે છે. તેમને લાંબા સમયનો રાજકારણનો પણ અનુભવ છે.
ત્રણ શાદી, બે પુત્ર, એક પુત્રી
2003માં શાહબાઝે તહમીના દુર્રાની સાથે ત્રીજી શાદી કરી હતી. આ શાદીથી તેમને કોઈ સંતાન નથી. પહેલા પત્નીથી તેમને બે પુત્રો છે અને બીજા પત્નીથી એક દીકરી છે. તેઓ વધારે સમય પ્રથમ પત્ની સાથે રહે છે. શાહબાઝ શરીફના પુત્ર હમઝાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એલએલબી થયા છે. હમઝા શરીફ પણ બે વાર સાંસદ રહ્યા છે. હાલમાં પંજાબ પ્રાંતની વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા છે.