મથુરાઃ કૃષ્ણનગરી મથુરા હિંસાની આગમાં લપેટાયું છે. જવાહર બાગમાં ચાર વર્ષથી ધરણાં-પ્રદર્શન પર બેઠેલા આંદોલનકારીઓએ કરેલા ગેરકાયદે દબાણને હટાવવા ગયેલી પોલીસ ટીમ પર તોફાની ટોળાએ હિંસક હુમલો કરતાં બે પોલીસ અધિકારી સહિત ૨૪નાં મૃત્યુ થયાં છે જ્યારે અનેક પોલીસકર્મીને ઇજા થઇ છે. તોફાનીઓએ કરેલા ગોળીબાર અને પથ્થરમારાનો ભોગ બનેલા અધિકારીઓમાં સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસપી) મુકુલ ત્રિવેદી અને પોલીસ સ્ટેશન ઓફિસર (એસઓ) સંતોષ કુમાર યાદવનો સમાવેશ થાય છે. જોકે હવે પોલીસ કાર્યવાહી પૂરી થઇ ગઇ છે. આંદોલનકારીઓ પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો-દારૂગોળો જપ્ત કરાયા છે.
આઝાદ ભારત વિધિક વૈચારિક સત્યાગ્રહી નામના સંગઠનના કાર્યકરો બાબા જય ગુરુદેવના વારસા પર કબજો જમાવવાના ઇરાદે ૧૧ જાન્યુઆરી, ૨૦૧૪થી અટપટી માગણીઓ સાથે જવાહર બાગમાં અડીંગો જમાવીને બેઠા છે. આ આંદોલનકારીઓને ખદેડવાના પ્રયાસ દરમિયાન આ હિંસા ફાટી નીકળી હતી.
આ હિંસક ઘટના સંદર્ભે અત્યાર સુધીમાં સવાસો કરતાં વધુ લોકોની ધરપકડ કરાઈ છે. આગ્રા ઝોનના ડીઆઇજીએ સ્વીકાર્યું હતું કે કે કથિત સત્યાગ્રહીઓએ જવાહર બાગમાં જમીનમાં સુરંગ બીછાવી રાખી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને ફોન કરીને મથુરામાં થયેલી હિંસા અંગે જાણકારી મેળવી હતી તેમજ મદદનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. અખિલેશ યાદવે આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.
ઉત્તર પ્રદેશના પોલીસ વડા જાવેદ અહેમદે જણાવ્યું હતું કે હાલ જવાહર બાગ સંપૂર્ણ ખાલી કરાવી લેવાયો છે. શહીદોના પરિવારોને પૂરેપૂરી મદદ કરાશે. તેમણે કહ્યું હતું કે તોફાનીઓના નેતા એવા રામવૃક્ષ યાદવ સહિત અન્ય જવાબદાર લોકો પર નેશનલ સિક્યોરિટી એક્ટ - રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ પગલાં લેવાશે.
તોફાનીઓએ વૃક્ષ પર ચઢી ફાયરિંગ કર્યુંૉ
તેમણે કહ્યું હતું કે ગુરુવારની ઘટનામાં વૃક્ષ પર બેઠેલા તોફાનીઓએ ફાયરિંગ કર્યું હતું. તોફાનીઓના ઝૂંપડામાં ગેસ સિલિન્ડર અને વિસ્ફોટકો હતાં. તેઓએ જાતે જ તેમના ઝૂંપડાઓમાં આગ લગાવી હતી. આગ ઝડપભેર ફેલાતાં તોફાનીઓ તેમાં જ સપડાઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ૧૧ તોફાનીઓ લાઠીચાર્જથી અને ૧૧ આગમાં ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા છે. તોફાનીઓએ પોલીસકર્મીઓને નિર્દય રીતે માર માર્યો હતો. તેમણે પોલીસ પર દેશી બોમ્બ ફેક્યા હતાં. ૨૩ જેટલા પોલીસકર્મીઓને ગંભીર હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
શસ્ત્રો-દારૂગોળાનો જથ્થો મળ્યો
રાજ્યના એડીજી (લો એન્ડ ઓર્ડર) દલજીત ચૌધરીએ જણાવ્યું કે પોલીસને જવાહર બાગમાંથી મોટી સંખ્યામાં કારતૂસ, રાઈફલ, પિસ્તોલ વગેરે મળ્યા છે. એટલું જ નહીં, ઘટનાસ્થળેથી ગ્રેનેડ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. તેમણે જણાવ્યું કે કથિત સત્યાગ્રહીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હતાં. પોલીસે કોઇ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ન કરી હોવા છતાં તેમણે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું. ઉપદ્રવીઓ સામે તપાસનો રિપોર્ટ આવતા જ સખત કાર્યવાહી કરાશે. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ પર હુમલો કરનારા લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેમની જલદી ધરપકડ કરાશે.
જવાહર બાગમાં ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા આ કહેવાતા સત્યાગ્રહીઓની તૈયારીઓ નક્સલીઓ જેવી હતી. તેમની પાસે જંગી માત્રામાં હથિયારો અને દારૂગોળો હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન તેમની પાસેથી પોલીસને કુલ ૪૭ પિસ્તોલ અને પાંચ રાઈફલો મળી આવી હતી.
શું છે સમગ્ર મામલો?
મથુરા જિલ્લાના જવાહર બાગ વિસ્તારમાં સરકારી જમીન પર આઝાદ ભારત વિધિક વૈચારિક સત્યાગ્રહી નામની એક સંસ્થાએ ચારેક વર્ષથી કબજો જમાવી રાખ્યો હતો. ગુરુવારે મોડી સાંજે વહીવટી તંત્ર અને પોલીસની ટીમ આ ગેરકાયદે દબાણને હટાવવા પહોંચી હતી. જોકે અચાનક જ પોલીસની ટીમ પર ફાયરિંગ કરાયું હતું, જેમાં સ્ટેશન ઓફિસર સંતોષ કુમારનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં સિટી મેજિસ્ટ્રેટ રામ અરજ યાદવ સહિત ડઝન જેટલા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.
હાઈ કોર્ટના આદેશ પર વહીવટી તંત્ર છેલ્લા બે મહિનાથી આ જમીનને ખાલી કરાવવાની તૈયારીઓમાં લાગેલું હતું. જવાહર બાગ ઉદ્યાન વિભાગની સંપત્તિ છે. ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી પોલીસ ટીમ પર અચાનક પથ્થરોથી હુમલો થયો. ત્યારબાદ કેટલાક લોકોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
નામ સત્યાગ્રહી, કામ નક્સલવાદી જેવું
પોતાની અટપટી માંગો પૂરી કરવા માટે જિદ પર આવી ગયેલા કથિત સત્યાગ્રહીઓ કોઈ નક્સલવાદીથી ઓછા નહોતાં. જવાહર બાગમાં ડેરાતંબૂ તાણ્યા બાદ છાશવારે હિંસક બનાવો બનતા હતાં. અનેકવાર પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતાં. આ દેખાવકારો વિરુદ્ધ બળવો, મારપીટ, ધમકી આપવાના અનેક કેસો નોંધાયેલા છે. ગત ચાર એપ્રિલના રોજ આ લોકોએ રજીસ્ટ્રાર, વકીલો, તહેસીલ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કલેક્ટર સંકુલમાં જ મારામારી કરી હતી. આ મામલે રામવૃક્ષ યાદવ, ચંદન બોઝ સહિત ૨૫૦ લોકો વિરુદ્ધ સદર બજાર પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા હતાં.
માસ્ટર માઈન્ડ રામવૃક્ષ યાદવ
સમગ્ર હિંસાકાંડનો માસ્ટર માઈન્ડ રામવૃક્ષ યાદવ ગણાય છે. બાબા જય ગુરુદેવના વારસા પર કબજો જમાવવા બાબતે પંકજ યાદવ અને રામવૃક્ષ યાદવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કથિત સત્યાગ્રહીઓનું નેતૃત્વ રામવૃક્ષ યાદવ કરે છે. રામવૃક્ષ ગાજીપુરના મુરગઢના રામપુર બાગપુરનો રહીશ છે. પોતાનું વર્ચસ જમાવવાની હોડમાં રામવૃક્ષનું સંગઠન અટપટી માગણીઓ સાથે ધરણાના નામે જવાહર બાગની જમીન પર કબજો જમાવીને બેસી ગયું હતું. સંગઠનની માગણી છે કે ભારતમાંથી રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની ચૂંટણી પ્રક્રિયા રદ કરવામાં આવે, એક રૂપિયામાં ૬૦ લીટર પેટ્રોલ અને ૪૦ લીટર ડિઝલ વેચવામાં આવે. આ અને આવી માગણીઓને લઈને સંગઠન ૧૧ જાન્યુઆરી, ૨૦૧૪થી ધરણા પર છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે આ ઘટના અને શહીદ પોલીસ અધિકારીઓ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે મોતને ભેટેલા પોલીસકર્મીઓના પરિજનોને રૂ. ૨૦ લાખના વળતરની જાહેરાત કરી છે.