નવી દિલ્હીઃ નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા માગતી નથી. જેટલીએ જણાવ્યું હતું કે મિડલ ક્લાસ પોતાનું ધ્યાન પોતે જ રાખે. અમારે પાંચ વર્ષમાં અર્થતંત્રને મજબૂત બનાવવાનું છે. તેથી મિડલ ક્લાસે બચત કરવી પડશે. અમને ઘણી વાર પૂછવામાં આવે છે કે સરકાર ગરીબના પક્ષમાં છે કે ઉદ્યોગપતિઓના પક્ષમાં? પણ સરકાર બંનેના પક્ષમાં છે. ઉદ્યોગો પાસેથી કમાઇશ ત્યારે તો ગરીબો માટેની સમાજ કલ્યાણ યોજનાઓ ચલાવી શકશું.
નાણા પ્રધાને જણાવ્યું હતું કે મેં મારા બજેટમાં બધાનું ધ્યાન રાખ્યું છે. જોકે મધ્યમ વર્ગની આશાઓને કોરાણે મૂકીને આવકવેરાના સ્લેબમાં કોઇ બદલાવ કર્યો નથી. તે ઉપરાંત સર્વિસ ટેક્સ પણ વધારો કરાયો છે, જેનો સૌથી વધુ બોજ મધ્યમ વર્ગ પર જ પડશે.
ભારતમાં શું મોઘું થશે..?
• રેસ્ટોરાંનું ભોજન • હોટેલમાં રોકાણ • એર ટ્રાવેલ • કેબલ અને ડીટીએચ સેવાઓ • બ્યુટી પાર્લર • કુરિયર સર્વિસીસ • ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંલગ્ન સેવાઓ • કપડાંનું ડ્રાય ક્લિનિંગ • સ્ટોક બ્રોકિંગ • એસેટ મેનેજમેન્ટ અને વીમો • સિગારેટ-તમાકુના ઉત્પાદનો • સંપૂર્ણ નિર્મિત આયાતી કમર્શિયલ વાહનો • સિમેન્ટ • એરેટેડ, ફ્લેવર્ડ ડ્રિંક્સ, પેકેજ્ડ વોટર • પ્લાસ્ટિક બેગ્સ અને શણ • બિઝનેસ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં વિમાન પ્રવાસ • એમ્યુઝમેન્ટ અને થીમ પાર્કની મુલાકાત • મ્યુઝિક કોન્સર્ટસ • શરાબ, ચિટ ફંડ, લોટરી
...અને શું સસ્તું થશે?
• રૂ. ૧૦૦૦થી વધુની કિંમતના ચામડાના પગરખાં • સ્થાનિક સ્તરે ઉત્પાદિત મોબાઇલ ફોન LED/LCD પેનલ્સ, એલઇડી લાઇટ્સ, એલઇડી લેમ્પ્સ • સોલાર વોટર હીટર • પેસમેકર્સ, એમ્બ્યુલન્સ અને એમ્બ્યુલન્સની સેવાઓ • કમ્પ્યૂટર ટેબલેટ્સ • અગરબત્તી • માઇક્રોવેવ ઓવન્સ • રેફ્રિજેટરસ કમ્પ્રેસર્સ • પીનટ બટર, પેકેજડ ફ્રૂટ અને શાકભાજી • મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય પાર્કની મુલાકાત