મસ્જિદ બન્યાનાં 330 વર્ષ બાદ 1858માં પહેલી ફરિયાદ, 2019માં ભૂમિ રામલલાની જ હોવાનું ‘સુપ્રીમ’ જજમેન્ટ

અથશ્રી મંદિર નિર્માણ કથા...

Wednesday 17th January 2024 04:11 EST
 
 

અયોધ્યામાં બનેલું રામમંદિર ઉદ્ઘાટનની સાથે જ દુનિયાભરમાં ફેલાયેલા હિંદુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે. આજે જે ભવ્ય રામમંદિર આકાર લઈ રહ્યું છે તેની પાછળ દાયકાઓ સુધી ચાલેલી કાયદાકીય લડાઈ છે. અયોધ્યામાં મંદિરનિર્માણની સફર ઘણા પડકારોથી ભરેલી રહી છે. બાબરી વિવાદ, અદાલતોમાં લાંબી લડાઈ અને પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવું. હવે 22 જાન્યુઆરીની રાહ જોવાય છે ત્યારે અતીતમાં એક ડોકિયું...
ઈ.સ. 1526માં મુગલ શાસક બાબર ભારત આવ્યો. તેનાં બે વર્ષ બાદ બાબરના સૂબેદાર મીર બાકીએ અયોધ્યામાં મસ્જિદ બનાવડાવી. મસ્જિદ એ જ જગ્યાએ બની જ્યાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. મસ્જિદનું નામ બાબરી મસ્જિદ આપ્યું. મુગલો અને નવાબોના શાસનમાં ઈ.સ. 1528થી 1853 આ મામલામાં હિંદુઓ આક્રમક ન થઈ શક્યા. 19મી સદીમાં મુગલો-નવાબોનું શાસન નબળું પડવા લાગ્યું. અંગ્રેજી હકૂમત પ્રભાવી થઈ. આ સમયમાં જ હિંદુઓએ મુદ્દો ઊભો કર્યો કે રામના જન્મસ્થાન મંદિરને તોડી મસ્જિદ બનાવાઈ છે. ત્યાર બાદથી રામલલાના જન્મસ્થળને પાછું મેળવવા લડાઈ શરૂ થઈ.
બાબરી મસ્જિદ બન્યાનાં 330 વર્ષ બાદ કેસ
મીર બાકીએ મસ્જિદ બનાવ્યાનાં 330 વર્ષ બાદ ઈ.સ. 1858માં આ લડાઈ કાયદા અધીન થઈ ત્યારે પહેલી વાર પરિસરમાં હવન, પૂજન કરવા માટે એફઆઇઆર થઈ. ‘અયોધ્યા રિવિઝિટેડ’ પુસ્તક અનુસાર પહેલી ડિસેમ્બર, 1859ના રોજ અયોધ્યાના એક પોલીસ અધિકારીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું કે પરિસરમાં ચબૂતરો બનેલો છે. આ પહેલો કાયદેસર દસ્તાવેજ છે જેમાં પરિસરમાં ભગવાન રામના પ્રતીક હોવાનું પ્રમાણ છે. ત્યાર બાદ તારની વાડ ઊભી કરીને વિવાદિત ભૂમિના આંતરિક અને બહારના પરિસરમાં મુસલમાનો અને હિંદુઓને અલગ અલગ પુજા અને નમાજની મંજૂરી અપાઇ.
શ્રીરામ માટે પાકું ઘર બનાવવાની વાત કોર્ટમાં પહોંચી
ઈ.સ. 1858માં બનેલી ઘટનાના 27 વર્ષ બાદ 1885માં રામજન્મભૂમિની લડાઈ અદાલતમાં પહોંચી. નિર્મોહી અખાડાના મહંત રઘુબર દાસે ફૈઝાબાદની કોર્ટમાં સ્વામિત્વ બાબતે દીવાની મુકદ્દમો દાખલ કરાવ્યો. દાસે બાબરી માળખાની બહાર આંગણામાં રામ ચબૂતરા પર બનેલા કામચલાઉ મંદિરને ‘પાકું બનાવવા અને છાપરું નાખવાની’ માગ કરી હતી. જજે ચુકાદો આપ્યો કે ત્યાં હિંદુને પૂજા-અર્ચનાનો અધિકાર છે પણ તેઓ જિલ્લા અધિકારીના નિર્ણય સામે મંદિર પાકુ બનાવવા - છાપરું નાખવા મંજૂરી ન આપી શકે.
આઝાદી બાદ ઝુંબેશ તીવ્ર બની
એક બાજુ દેશભરમાં આઝાદીની ઝુંબેશ ચાલી રહી હતી તો બીજી બાજુ રામજન્મભૂમિની લડાઈ પણ ચાલી રહી હતી. દેશ આઝાદ થયાના થોડા સમય બાદ 22 ડિસેમ્બર 1947માં માળખાની અંદર ગુંબજ નીચે મૂર્તિઓ બહાર ઊપસી આવી. આઝાદી પછી 16 જાન્યુઆરી, 1950ના રોજ પહેલો મુકદ્દમો હિંદુ મહાસભાના સભ્ય ગોપાલસિંહ વિશારદે સિવિલ જજ - ફૈઝાબાદની કોર્ટમાં દાખલ કર્યો અને મુખ્ય ગુંબજની નીચે રહેલો ભગવાનની પ્રતિમાઓની પૂજા-અર્ચનાની માગ કરી હતી. 11 મહિના બાદ પાંચ ડિસેમ્બર, 1950ના દિવસે આવી માગણી સાથે મહંત રામચંદ્ર પરમહંસે સિવિલ જજ કોર્ટમાં કેસ કર્યો. મુકદ્દમામાં બીજા પક્ષને સંબંધિત સ્થળે પૂજા-અર્ચનામાં અવરોધ ઊભો કરતાં રોકવા માગણી કરાઈ હતી. ત્રીજી માર્ચ, 1951એ કોર્ટે પૂજા-અર્ચનામાં અવરોધ ઊભો ન કરવા સૂચના આપી. 17 ડિસેમ્બર, 1959ના રોજ રામાનંદ સંપ્રદાય તરફથી નિર્મોહી અખાડાના 6 લોકોએ કેસ દાખલ કરીને આ સ્થળ પર દાવો કર્યો હતો. તેમને પૂજા-અર્ચનાની પણ મંજૂરી માગી. 18 ડિસેમ્બર, 1961ના રોજ યુપીના સુન્ની વકફ બોર્ડે માગણી કરી હતી કે આ જગ્યા મુસ્લિમોની છે. માળખુ હિંદુઓ પાસેથી લઈને મુસ્લિમોને સોંપો અને મૂર્તિઓ હટાવી લેવાય. 1986ની પહેલી ફેબ્રુઆરીએ ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. પાંડેયે સ્થાનિક વકીલ ઉમેશ પાંડેયની અરજીના અનુસંધાને વિવાદિત સ્થળનું તાળું ખોલવાનો ચુકાદો આપ્યો હતો.
રામ - કૃષ્ણ - શિવ સ્થળો પર મસ્જિદનિર્માણ સામે ઝૂંબેશ
1982માં વિશ્વ હિંદુ પરિષદે રામ - કૃષ્ણ - શિવના સ્થળોએ મસ્જિદનિર્માણને કાવતરું ગણાવી આ સ્થળોની મુક્તિ માટે ઝૂંબેશ ચલાવવા જાહેરાત કરી. બે વર્ષ પછી 1984ની 8 એપ્રિલે દિલ્હીમાં સંતો-મહંતો, હિંદુ નેતાઓએ અયોધ્યામાં શ્રીરામજન્મભૂમિની મુક્તિ માટે ને તાળું ખોલાવવા આંદોલનનો નિર્ણય કર્યો. 1989માં પ્રયાગમાં કુંભમેળામાં મંદિરનિર્માણ માટે ગામેગામ શિલાપૂજન કરાવવા નિર્ણય થયો. સાથે 9 નવેમ્બર, 1989ના રોજ શ્રીરામજન્મભૂમિ સ્થળે મંદિરના શિલાન્યાસની જાહેરાત કરાઇ. ઘણા વાદ-વિવાદ બાદ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ શિલાન્યાસને મંજુરી આપી.
અડવાણીની રથયાત્રાએ આંદોલનને ધાર આપી
આંદોલન તીવ્ર બનતું હતું એવામાં લાલકૃષ્ણ અડવાણી રથયાત્રા લઈને નીકળ્યા. રથયાત્રાનું સુકાન સંભાળ્યું હતું તે સમયના તેજતર્રાર યુવા નેતા ને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. યાત્રાએ રામજન્મ-ભૂમિ આંદોલનને ધાર આપી. અડવાણીની ધરપકડ થઈ. કેન્દ્રમાં સત્તાપરિવર્તન થયું, ભાજપના ટેકાથી બનેલી જનતા દળ સરકાર તૂટી. કોંગ્રેસના સમર્થનથી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા. આ સરકાર પણ વધુ ન ચાલી અને ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ સત્તા પર આવી.
1992ની છઠ્ઠી ડિસેમ્બરે વિવાદિત માળખું તોડી પડાયું
એક તરફ રામજન્મભૂમિ આંદોલન ચરમ પર હતું. બીજી બાજુ રાજકીય ફેરબદલ થયા કરતી. એવામાં 1992ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યા પહોંચેલા હજારો કારસેવકોએ બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડીને તે જગ્યાએ કામચલાઉ મંદિર બનાવીને પૂજા શરૂ કરી દીધી. તત્કાલીન નરસિંહ રાવ સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકાર સહિત અન્ય રાજ્યોની ભાજપ સરકારોને સસ્પેન્ડ કરી દીધી.
બાબરી તોડી પડાયા બાદ 1993ની પહેલી જાન્યુઆરીએ ન્યાયાધીશ તિલહરિએ દર્શન-પૂજનની મંજુરી આપી હતી સાતમી જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે માળખાના સ્થળે અને કલ્યાણસિંહ સરકારે ન્યાસને આપેલી ભૂમિ સહિત 67 એકર જમીન હસ્તગત કરી લીધી.
હાઇ કોર્ટમાં માલિકી હક્કની સુનાવણી
એપ્રિલ, 2002માં અલ્હાબાદ હાઇ કોર્ટે વિવાદિત સ્થળના માલિકી હક નક્કી કરવા સુનાવણી શરૂ કરી. પાંચ માર્ચ, 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સંબંધિત સ્થળનું ખોદકામ કરવા નિર્દેશ કરાયો. 22 ઓગસ્ટ, 2003ના પુરાતત્ત્વ સર્વેક્ષણે કોર્ટને રિપોર્ટ સોંપ્યો, જેમાં જમીનની નીચે વિશાળ હિંદુ ધાર્મિક માળખું હોવાની વાત કહી હતી. 2010ની 30 સપ્ટેમ્બરે હાઇ કોર્ટે આ સ્થળને ત્રણે પક્ષ - શ્રીરામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને સરખા ભાગે વહેંચવાનો આદેશ કર્યો. ન્યાયાધીશોએ વચ્ચેના ગુંબજ નીચે જ્યાં મૂર્તિઓ હતી તેને શ્રીરામનું જન્મસ્થાન માન્યું હતું.
અને 2019માં કોર્ટે મંદિરનિર્માણનો માર્ગ મોકળો કર્યો
6 ઓગસ્ટ, 2019ના રોજથી સુપ્રીમ કોર્ટે રામમંદિર જન્મભૂમિ સ્થળ કેસની દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરી. 40 દિવસના અંતે 16 ઓક્ટોબરે સુનાવણી પુરી થઈ ને ચુકાદો અનામત રાખ્યો. 2019ની 9 નવેમ્બર 134 વર્ષથી ચાલી આવતી લડાઈનો નિર્ણાયક દિવસ હતો. આ દિવસે સુપ્રીમ કોર્ટે સંબંધિત સ્થળને શ્રીરામજન્મભૂમિ માન્યું અને 2.77 એકર જમીન રામલલાની માલિકીની માની. અદાલતે નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડના દાવા રદ કર્યા. સાથે જ નિર્દેશ કર્યો કે મંદિરનિર્માણ માટે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે ને તેમાં નિર્મોહી અખાડાના એક પ્રતિનિધિને સામેલ રાખે. અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કર્યો કે તે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન અયોધ્યામાં કોઈ યોગ્ય સ્થળે ઉપલબ્ધ કરાવે.
2020માં ખાતમુહૂર્ત અને હવે પ્રાણપ્રતિષ્ઠા
પાંચમી ફેબ્રુઆરી, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં મંદિરનિર્માણ માટે શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. તેના છ મહિના બાદ પાંચમી ઓગસ્ટે મંદિરનો શિલાન્યાસ થયો અને હવે 22 જાન્યુઆરીએ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની ઘડીઓ ગણાઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter