પ્રયાગરાજ ખાતે 144 વર્ષે યોજાતા મહાકુંભનું આ વખતે વિશેષ મહત્ત્વ અને આકર્ષણ છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ દરમિયાન સંગમમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રયાગરાજમાં 12 વર્ષ બાદ પૂર્ણકુંભ યોજાયો છે. દર 12 વર્ષે પ્રયાગરાજમાં કુંભ યોજાય તેના કુલ 12 રાઉન્ડ પૂરા થયા ત્યારે 144 વર્ષે મહાકુંભ મેળો યોજાય છે, જેનું સમાપન 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વે થશે. જગતના સૌથી મોટા આ ધાર્મિક મેળામાં શ્રદ્ધાળુંઓ માટે સૌથી મોટુ આકર્ષણ હોય છે ગંગા નદીમાં પવિત્ર સ્નાન, તદુપરાંત મેળામાં આવતા સાધુઓનું તેમને મન વિશેષ મહાત્મ્ય ધરાવે છે. આ સાધુઓ ક્યાંથી આવે છે? તેમની રહેણીકહેણી કેવી છે? અને કુંભ મેળો પૂરો થાય પછી ક્યાં ચાલ્યા જાય છે તે કોઈ જાણતું નથી.
હિન્દુ શાસ્ત્રોમાં કુંભ મેળાને ‘અમરત્વનો મેળો’ કહેવામાં આવ્યો છે. કુંભ મેળામાં, લાખો ભક્તો આ પવિત્ર સ્થળે સ્નાન કરવા આવે છે જેથી તેઓ પોતાના આત્માને શુદ્ધ કરી શકે. મહાકુંભમાં, વિશ્વભરના સંતો, ઋષિઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવે છે. કુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્ત્વ છે.
સતયુગમાં શંકરાચાર્ય દ્વારા મહાકુંભનો પ્રારંભ કરાયો હતો
મહાકુંભનો ઇતિહાસ ખૂબ જૂનો છે. કેટલાક ગ્રંથો અનુસાર, પ્રથમ કુંભ મેળો સતયુગમાં યોજાયો હતો. જેની શરૂઆત શંકરાચાર્ય દ્વારા કરાઇ હતી. કેટલાક લોકો માને છે કે કુંભ મેળો સમુદ્ર મંથન પછી શરૂ થયો હતો. આ અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી. વિદ્વાનોના મતે કુંભની પરંપરા હજારો વર્ષ જૂની છે. પ્રાચીન શિલાલેખોમાં પણ મહાકુંભનો ઐતિહાસિક ઉલ્લેખ જોવા મળે છે. ઈસવી સન પૂર્વે 600મી સદીમાં બૌદ્ધ લખાણોમાં નદીના મેળાઓની હાજરીના પુરાવા છે.
કળશમાંથી અમૃતના ટીપા પડ્યા
કુંભ અને મહાકુંભના આયોજન અંગે ધર્મશાસ્ત્રોમાં બીજી પણ કથાઓ જાણીતી છે. તેમાં ખાસ કરીને દેવતાઓ અને દાનવો વચ્ચેની દુશ્મની અને સંઘર્ષની કથા ખૂબ જ પ્રચલિત છે. એક વખત સમુદ્ર મંથન સમયે, જ્યારે દેવતાઓ અને દાનવો અમૃતના કુંભ માટે લડી રહ્યા હતા, ત્યારે ભગવાન ઈન્દ્રનો પુત્ર જયંત અમૃતનો કુંભ લઈને ભાગી ગયો. રાક્ષસો પણ ઘડો લેવા માટે તેમની પાછળ દોડયા. આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું. જ્યારે જયંત અમૃત કળશ લઈને ભાગી ગયો, ત્યારે અમૃત કળશના કેટલાક ટીપાં આ ચાર સ્થળોએ પડ્યા જ્યાં આજે મહાકુંભ યોજાય છે. ત્યારથી, પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્રારમાં કુંભ મેળાનું આયોજન થાય છે.
મુખ્ય પરિબળ સાધુ સમાજ અને અખાડા
કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે, જે દર 12 વર્ષે કોઈ ચોક્કસ સ્થળે યોજાય છે. તે ખાસ કરીને ચાર મુખ્ય સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. એવું મનાય છે કે આ મેળામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે. કુંભ મેળો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે શા માટે દર 12 વર્ષે આવે છે તેની સાથે અનેક માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે. કુંભમેળાનું મુખ્ય પાસું સાધુ સમાજ અને અખાડાઓ છે. કુંભમેળામાં ભારતભરનાં હિંદુ ધર્મના લગભગ બધા જ સંપ્રદાયનાં સાધુઓ પધારે છે. અને લગભગ સવા મહિનો તેઓ આ મહાકુંભ પર્વમાં વસે છે. મહાકુંભ મેળો એક જ સ્થાન છે જ્યાં જવાથી ભારતભરનાં સમગ્ર હિંદુ સાધુ સમાજના કોઈ એક જ સ્થાને દર્શન - સત્સંગ પામવાનું સૌભાગ્ય મળે છે.