પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના યજમાનપદે મહાકુંભના શ્રીગણેશ થઈ ગયા છે. 12 વર્ષે થતા આ દિવ્ય આયોજન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે તો રાજ્ય સરકારે પણ તેમની સગવડ સાચવવા શાનદાર આયોજન કર્યું છે. આ વખતે કુંભમેળામાં અંદાજે 35 થી 40 કરોડ લોકો આવવાની ધારણા છે. આ તમામ લોકો માટે સરકારે ગંગા નદીના કિનારે 13 કિમી લાંબા રિવરફ્રન્ટથી લઇને અનેકવિધ તૈયારી કરી છે.
વિશાળ જનમેદનીની જરૂરતોને પહોંચી વળવા નાની-મોટી હજારો દુકાનો અને પંડાલ તૈયાર કરાયા છે જેથી લોકોને કોઇ ચીજવસ્તુ કે ખાદ્ય પદાર્થોની અછત ન વર્તાય. સ્થાનિક તંત્ર દ્વારા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને લોકોની જરૂરત સંતોષા અનેક દુકાનો ઉભી કરીને ટેન્ડર દ્વારા દોઢ મહિનાના ભાડા પટ્ટે અપાઇ છે.
કેફેનું 45 દિવસનું ભાડું રૂ. 2.5 કરોડ!
કુંભમેળાના સ્થળે સૌથી મોટી દુકાન - માત્ર 45 દિવસ માટે - આશરે 2.5 કરોડ રૂપિયાના ભાડે અપાઈ છે. આ એક કેફે છે અને તેમાં ચા-પાણીથી માંડીને તમામ પ્રકારના નાસ્તા અને ભોજનનની સામગ્રી ઉપલબ્ધ છે. આવા બીજી ઘણી દુકાનો છે જે લાખોના ભાવમાં ભાડે અપાઇ છે. અંદાજે 4 હજાર હેક્ટરમાં પ્રયાગની કુંભનગરી તૈયાર કરવામાં આવી છે.
સામાન્ય રીતે કોઈ પણ ધાર્મિક સ્થાને જઈએ તો ત્યાં પણ ચા-નાસ્તાની દુકાનો મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે. તેમાંય મહાકુંભ જેવું ભવ્ય આયોજન હોય ત્યાં તો આવી દુકાનોનો રાફડો ફાટવાનો છે. છતાં પ્રયાગરાજ ખાતે સંગમતીર્થ અને ત્યાંથી છેલ્લાં ઘાટ સુધી કુંભ નગરીમાં ખાણી-પીણાની દુકાનો અધધ ભાવે ભાડે અપાઈ રહી છે.
કચોરી અને લાડુની દુકાનના ભાડાપેટે
રૂ. 92 લાખથી 75 લાખ ચૂકવાયા
મહાકુંભમાં આ વખતે આમ જોવા જઈએ તો દુકાન મામલે કચોરી અને લાડુની દુકાન સૌથી ઊંચા ભાવે ભાડે અપાઈ તેવું કહેવાય. 2.5 કરોડમાં તો કેફે આપવામાં આવ્યું છે જેમાં ઘણા સ્ટોલ ભેગા થઈને એક કેફે તૈયાર થયું છે. જ્યારે કચોરીની 30 ફૂટ બાય 30 ફૂટની દુકાન 92 લાખ રૂપિયાના ભાડે અપાઇ છે.
પ્રયાગરાજ બજારમાં કચોરીની દુકાન ચલાવનાર વ્યક્તિએ જ આ દુકાન રાખી છે. તેવી જ રીતે હનુમાન મંદિર પાસે કચોરી અને લાડુ વેચતી દુકાનના માલિકે કુંભનગરી ખાતે 75 લાખ રૂપિયા ભરીને લાડુના પ્રસાદની દુકાન લીધી છે. અહીંયા અંદાજે 200 રૂપિયે કિલોના ભાવે લાડુ વેચાય છે. આ સિવાય અન્ય મીઠાઈ અને નમકીન પણ વેચાય છે. તેઓ 2007થી આ વિસ્તારમાં ભાડે દુકાન લઈને વ્યવસાય કરે છે પણ આ વખતે મહાકુંભના કારણે દુકાનોના ભાડા અધધ હોવાનું હોવાનું તેઓ જણાવે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં બે કુંભની સરખામણીએ આ વખતે મહાકુંભ ભવ્ય અને મોટો છે. સરકાર દ્વારા મોટાપાયે તૈયારીઓ કરાઈ છે અને તેમાંય દેશવિદેશના મોટા નેતાઓ અને કરોડો લોકો આવવાના હોવાથી વ્યવસ્થા પણ વ્યાપક સ્તરે કરાઇ છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણના પગલે મહાકુંભમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતા છે.
બિઝનેસ અને બજારના જાણકારોના મતે ઉત્તર પ્રદેશમાં આ વખતે પ્રયાગરાજ ખાતે મહાકુંભનું આયોજન ખૂબ જ મહત્ત્વનું સાબિત થવાનું છે. ખાસ કરીને વેપારની વાત કરીએ તો મહાકુંભ ખાતે ખૂબ જ મોટો વેપાર-રોજગાર ઊભો થવાનો છે. જે રીતે કુંભમાં સ્ટોલ અને બજારની વ્યવસ્થા ગોઠવાઈ છે તથા જે સંખ્યામાં લોકો આવવાની ધારણા છે તે જોતાં 1.25 લાખ કરોડનો બિઝનેસ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તેમાં દરેક વ્યક્તિના આવવા-જવાના ખર્ચ ઉપરાંત તેનું રોકાણ, તેનું ખાનપાન, તેની ખરીદી અને અન્ય બાબતોને સાંકળવામાં આવે છે. તેમાંય વીઆઈપી સુવિધા ધરાવતા સ્પેશિયલ ટેન્ટમાં રોકાવું હોય તો એક દિવસના 30થી 50 હજાર રૂપિયા ખર્ચવા પડી શકે છે. જોકે આટલા ઊંચા ભાવ છતાં આવી સગવડો લેવા માટે લોકોમાં પડાપડી છે.
વીવીઆઇપી અને વિદેશીઓ માટે વિશેષ ડોમઃ 1 રાતનું ભાડું રૂ. 1 લાખ
વીવીઆઈપી અને વિદેશી લોકો માટે ડોમ સિટી બનાવાઈ છે. તેમાં એક ડોમમાં રહેવાનો ચાર્જ એક દિવસના 1 લાખ રૂપિયા છે. તેના કારણે વકરો વધી જવાની ધારણા છે. જાણકારોના મતે આ વખતે કુંભમાં 40 કરોડ લોકો આવવાના છે. તેઓ પ્રતિ વ્યક્તિ સરેરાશ 2000 રૂપિયા પણ પોતાની પાછળ ખર્ચે તો આંકડો સરળતાથી એક લાખ કરોડનો આંકડો વટાવી જશે.