પ્રયાગરાજ: ભક્તિ - શ્રદ્ધા - પરંપરા અને અધ્યાત્મનાં મહાકુંભનો સોમવાર - પોષ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસથી શંખનાદ અને ઢોલનગારાનાં નાદ સાથે પ્રારંભ થયો છે. આ સાથે જ પ્રયાગરાજના તમામ 44 ઘાટ ‘હર હર ગંગે...’ ‘હર હર મહાદેવ...’ અને ‘જય શ્રીરામ’ના નાદથી ગાજી ઉઠયા હતા. 144 વર્ષ બાદ યોજાયેલા મહાકુંભના પ્રારંભે દોઢ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવીને પવિત્ર સ્નાન કર્યું હતું.
મહાકુંભ માટે જ ઉભી થયેલી સંગમ નગરીમાં જ્યાં જુઓ જ્યાં માનવ મહેરામણ હિલોળા લેતો નજરે પડે છે. લાખો શ્રદ્ધાળુઓ ભારતનાં સાંસ્કૃતિક વારસાનો અને સદીઓથી ચાલી આવતી જીવંત પરંપરાનાં મહત્ત્વને માણવાનો લહાવો લઇ રહ્યા છે.
આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક
મહાકુંભના પ્રારંભ પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતુંઃ મહાકુંભ ભારતની કાલાતીત આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક, આસ્થા અને સદ્ભાવનો ઉત્સવ છે. ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને ઉજાગર કરનારા કરોડો લોકો માટે આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. પ્રયાગરાજમાં મહાકુંભ આસ્થા, ભક્તિ, તેમજ સંસ્કૃતિના પવિત્ર સંગમમાં લાખો લોકોને સાથે લાવ્યો છે.
અર્થતંત્રમાં કરશે ચેતનાનો સંચાર
આસ્થા અને અર્થવ્યવસ્થાના સંગમસમાન 45 દિવસના આ મહાકુંભમાં 45 કરોડથી શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી ધારણા છે. મહાકુંભના આર્થિક પાસાં પણ ઘણા છે. જાણકારોના મતે લોકોને ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદો થશે તેની સાથે ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને આર્થિક ફાયદો પણ મોટો થવાનો છે. સરકારો દ્વારા અંદાજે 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. તેની સામે સરકારને 2 લાખ કરોડ રૂપિયાની આવક થવાની આશા છે. વિવિધ માધ્યમો અને જીએસટી દ્વારા સરકારને જે કમાણી થશે તેનાથી દેશના અર્થતંત્રને ઘણો વેગ મળશે. તેનાથી દેશની જીડીપીને અંદાજે 1 ટકાનો ફાયદો થાય તેવું માનવામાં આવી રહ્યું છે. મહાકુંભનું આયોજન સમગ્ર દેશની ઈકોનોમીને પણ આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે. મહાકુંભના આયોજન સાથે 25 હજારથી વધુ કારીગરો પ્રત્યક્ષપણે સંકળાયેલા છે. જ્યારે સમગ્ર આયોજનથી 45 હજારથી વધુ પરિવારોને એક યા બીજા પ્રકારે આર્થિક લાભ થશે.
કુલ છ શાહી સ્નાન
મહાકુંભ મેળા દરમિયાન કુલ 6 શાહી સ્નાન યોજાશે, જેમાંથી 13 જાન્યુઆરીએ મહાકુંભના પ્રારંભે પોષી પૂનમનું પહેલું શાહી સ્નાન યોજાયું હતું. જેમાં 1.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું તો મંગળવારે મકર સંક્રાતિ પર્વે બીજા શાહી સ્નાન વેળા 3.5 કરોડથી વધુ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી હતી. આ મહિનાનું ત્રીજું અને અંતિમ શાહી સ્નાન 29 જાન્યુઆરીએ મૌની અમાવાસ્યાના રોજ યોજાશે. જ્યારે ફેબ્રુઆરીમાં ત્રીજી તારીખે વસંત પંચમીનું, 12મીએ માઘી પૂર્ણિમાનું અને 26મીએ મહા શિવરાત્રિ પર્વે અંતિમ સ્નાન સાથે મહાકુંભનું સમાપન થશે.
(વિશેષ અહેવાલ પાન 16-17)