મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં પ્રવાસી ભારતીય દિવસ -૨૦૧૫ની ઊજવણી

Tuesday 30th December 2014 07:21 EST
 
 

૨૦૦૩થી દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ અધિવેશનો યોજવામાં આવે છે. આ અધિવેશનો દરિયાપારના ભારતીય સમુદાયને તેમના પૂર્વજોની ભૂમિના લોકો અને સરકાર સાથે પારસ્પરિક લાભકારી પ્રવૃત્તિઓ માટે સંબંધ બાંધવા અનોખો મંચ પૂરો પાડે છે. વિશ્વના વિવિધ વિસ્તારોમાં વસતો દરિયાપારનો ભારતીય સમુદાય એકબીજા સાથે હળેમળે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાના અનુભવોને અરસપરસ વહેંચી શકે તે માટે આ અધિવેશનો ઉપયોગી બની રહે છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ યોગ્યતા ધરાવતાં મહાનુભાવોને ભારતના વિકાસમાં તેમની અનન્ય ભૂમિકાની કદર કરવા પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ ભારતીય ડાયસ્પોરાને સંબંધિત ચાવીરૂપ મુદ્દાઓની ચર્ચા કરવા માટે પણ એક મંચ પૂરો પાડે છે. આ કાર્યક્રમ ૨૦૦૩ અને ૨૦૦૪ના વર્ષમાં ૯-૧૧ જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીમાં યોજાયો હતો અને તે સિવાય ૭-૯ જાન્યુઆરી દરમિયાન મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ, જયપુર, કોચી અને નવી દિલ્હીમાં યોજાતો રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નવી સરકાર દ્વારા ૨૦૧૫ની ૭-૯ જાન્યુઆરી દરમિયાન ૧૩મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ની વિશેષતા એ છે કે મહાન પ્રવાસી મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આગમનના શતાબ્દી વર્ષની પણ ઊજવણી છે. કાર્યક્રમના વિસ્તૃત સમયપત્રક માટે વેબસાઈટ http://pbd-india.com/program.htmlની મુલાકાત લઈ શકાય છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સના પ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫નું આયોજન ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે તેનો મને ઘણો જ આનંદ છે. આ ખરેખર મહાન પળ છે કારણ કે પ્રવાસી દિવસની ઊજવણી પણ મહાત્મા ગાંધીના ૧૯૧૫માં ભારત પરત આગમનની શતાબ્દીની ઊજવણીની સાથોસાથ જ થઈ રહી છે.

દરિયાપારના ભારતીયો તેમના વતન રાષ્ટ્ર ભારત સાથે વિશિષ્ટ અને મજબૂત નાતો ધરાવે છે. આનું પ્રતિબિંબ તેઓએ જે રીતે પરદેશમાં પોતાની સંસ્કૃતિની જાળવણી કરી છે તેમાં જ નહિ, દેશમાં તેઓ દ્વારા મોકલાતી આવકના પ્રવાહમાં પણ સ્પષ્ટ દેખાય છે. એક સમય એવો હતો જ્યારે વિદેશમાં વસતા ભારતીયોએ તેમના વતનમાં ઘટતી ઘટનાઓ વિશે જાણકારી મેળવવા મહિનાઓ સુધી પત્રની રાહ જોવી પડતી હતી. કોમ્યુનિકેશન્સ અને મીડિયા ક્ષેત્રોમાં ક્રાંતિનો આભાર માનીએ કે હવે દરિયાપારના ભારતીયો વતનમાં સામાજિક, આર્થિક અથવા રાજકીય ઘટનાઓની પળેપળની જાણકારી મેળવી શકે છે.

નોંધપાત્ર અને વગશાળી ભારતીય ડાયસ્પોરા તેમની કર્મભૂમિના દેશોમાં મુખ્ય પ્રવાહની ભૂમિકાઓ અને જવાબદારીઓનું વહન કરે છે. આના દ્વારા તેઓ આ દેશોના વિકાસમાં અનન્ય પ્રદાન કરવાની સાથોસાથ ભારતના લાભ માટે તે સરકારોની નીતિઓ પર પ્રભુત્વશાળી અસર પણ ઉપજાવે છે.

ભારતના આંતરરાષ્ટ્રીય સંપર્કોની ગતિશીલતામાં પણ વૃદ્ધિ આવી છે. ભારતમાં અને ભારત દ્વારા સંખ્યાબંધ ઉચ્ચસ્તરીય મુલાકાતો થઈ છે અને કેટલીક હજુ થશે. આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સબળ નેતૃત્વ હેઠળ આજે ભારત વૈશ્વિક બાબતોમાં તેનું અધિકારપૂર્ણ સ્થાન પુનઃપ્રાપ્ત કરવા સજ્જ બન્યું છે. મને ખાતરી છે કે પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ કન્વેન્શન તમામ હિતસંબંધકોને આપણા દેશ સમક્ષના સામાજિક-આર્થિક પડકારોની ગહન ચર્ચા કરવાની વિશિષ્ટ તક પૂરી પાડશે. આ કન્વેન્શન દરિયાપાર સ્થાયી થયેલા તમામ ભારતીયોને અરસપરસ, ભારતની સરકાર તેમ જ રાજ્ય સરકારો સાથે સંવાદ તેમ જ તેમના માટે ભારતમાં પ્રાપ્ત થનારી નવી તકો વિશે જાણવાનો મંચ પણ પૂરો પાડશે.

હું સમગ્ર વિશ્વમાં વસતાં આપણાં ભાઈ-બહેનોને પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે ભારત આવવા અને મજબૂત ભારતના નિર્માણના આપણા નિર્ધારમાં તેમના વિચારો વ્યક્ત કરવા અનુરોધ કરું છું.’

આ પ્રસંગે રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન, ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ તેમ જ સ્ટેટેસ્ટિક્સ અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનો હવાલો ધરાવતા જનરલ (નિવૃત્ત) વિજય કુમાર સિંહે ઈન્ડિયન ડાયસ્પોરાના આ ૧૩મા પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં ભારત અને વિદેશથી આવનારા ડેલીગેટ્સને આનંદભર્યો આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘૧૧૦ દેશોમાં ફેલાયેલાં ૨૫ મિલિયન જેટલાં ભારતીય મૂળ અને બિનનિવાસી ભારતીય લોકોનો બનેલો ઈન્ડિયન ડાયસ્પોરા આત્મવિશ્વાસપૂર્ણ ભારતની છબીનું પ્રતિનિધિત્વ કરે છે. પોતાના નિવાસના દેશોમાં ભારતના વાલી અને પથપ્રદર્શક તરીકે રોકાણ, ટેકનોલોજી અને કૌશલ્યના હસ્તાંતર તેમ જ સાંસ્કૃતિક સંપર્કોના વિકાસમાં તેમના પ્રદાને ભારતની છબીને વધુ ઉજળી બનાવી છે. PBD-૨૦૧૫ થકી મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આગમનના ૧૦૦ વર્ષની ઊજવણી પણ આપણને સહુને અહિંસા, સહિષ્ણુતા અને કરુણાના તેમના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરવા માટે સ્મરણરૂપ બની રહેવી જોઈએ. આ બાબતો આપણી જીવનશૈલી સાથે વણાયેલી છે અને તેણે વિશ્વને શાંતિ અને સુમેળથી સાથે રહેવાનો માર્ગ પણ દર્શાવ્યો છે.’

મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં સહુનું સ્વાગત

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે ઐતિહાસિક પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નિમિત્તે સહુને ગુજરાતની મુલાકાત લેવાનું આનંદસભર આમંત્રણ પાઠવ્યું છે. ૧૦૦ વર્ષ અગાઉ, નવ જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા અને તેઓ ‘પ્રવાસી’માંથી ‘નિવાસી’ બન્યા પછી ‘મહાત્મા’ પણ બન્યા હતા.

શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘આપણા માટે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે સજ્જ થવાનો સમય આવી પહોંચ્યો છે. ભારત તમારા જેવાં મહાન પ્રવાસીઓ થકી સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ અને આધ્યાત્મિકતા માટે પ્રશંસિત છે. અમે ભારતથી હજારો માઈલ દૂર વસીને પણ ભારતની ભાવનાને જીવંત રાખી રહેલાં અમારાં પ્રવાસીઓ માટે ગૌરવ અનુભવીએ છીએ. પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ આપણાં મૂળ, આપણાં સમૃદ્ધ વારસાની સુગંધ માટે જ નહિ, મહાન ઈન્ડિયન ડાયસ્પોરાની ઊજવણી માટે પણ અનેરો ઉત્સવ બની રહેશે.’

દંતકથાઓની ભૂમિ ગુજરાત ઈશાન દિશામાં વાયવ્યમાં પાકિસ્તાન અને ઈશાન દિશામાં રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર તેમ જ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત વિસ્તારો અને પશ્ચિમ તથા નૈઋત્ય દિશામાં વિશાળ અરબી સમુદ્રની સરહદો ધરાવે છે. સાતમી અને આઠમી સદીના શાસકો ગૂર્જરના નામ પરથી રાજ્યનું નામ આવ્યું છે.

સાબરમતી અને મહી નદીઓની આસપાસ પથ્થર યુગની વસાહતો સિંધુ ખીણ સંસ્કૃતિના કાળમાં તેમ જ લોથલ, રામપુર, અમરી સહિતના સ્થળોએ હડપ્પા સંસ્કૃતિના કાળમાં વસાહતોના અસ્તિત્વના પ્રમાણ મળી આવ્યાં છે. ગિરનાર પહાડો પરના શિલાલેખો દર્શાવે છે કે ઈ.સ.પૂર્વે ૨૫૦ના કાળમાં મૌર્ય સમ્રાટ અશોકનું શાસન ગુજરાત પર હતું, જેની પડતી પછી શક શાસન આવ્યું હતું. નવમી સદીમાં સોલંકી વંશના શાસનમાં ગુજરાતે સિદ્ધિના શિખરો પાર કર્યાં હતાં.

આ પછી, મુસ્લિમ શાસનનો દીર્ઘકાળ આવ્યો હતો. અહમદશાહ પહેલાએ ૧૪૧૧માં અહમદાબાદની સ્થાપના કરી હતી. મોગલ શહેનશાહ અકબરે ૧૫૭૦ના ગાળામાં માળવા અને ગુજરાતને જીતી લીધા હતા. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌપ્રથમ ૧૮૧૮માં સુરતમાં પદાર્પણ કર્યું અને રજવાડાંઓમાં વિભાજિત રાજ્ય તેમના શાસન હેઠળ આવ્યું હતું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનો ગુજરાતનો પ્રદેશ બોમ્બે સ્ટેટનો હિસ્સો બન્યો હતો. બોમ્બે સ્ટેટના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં વિભાજનના પગલે ૧ મે, ૧૯૬૦ના દિવસે નવા ગુજરાત રાજ્યનો ઉદય થયો હતો, જેની રાજધાની અમદાવાદ હતી. ગાંધીનગરમાં ૧૯૭૦માં નવી રાજધાનીએ આકાર લીધો હતો. ગુજરાત વિશે વિસ્તૃત માહિતી www.gujaratindia.com વેબસાઈટ પરથી મેળવી શકાશે.

યુકેમાં ગાંધીજીની પ્રતિમાઓ

મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા લંડનના કેમડેન બરોના ટાવિસ્ટોક ગાર્ડનની મધ્યે ટાવિસ્ટોક સેન્ટરમાં શોભાયમાન છે. આ પ્રતિમા પોલાન્ડમાં જન્મેલા શિલ્પી સુશ્રી ફ્રેડા બ્રિલિઅન્ટના હસ્તે ઘડાઈ છે. ઈન્ડિયા લીગના નેજા હેઠળ તૈયાર કરાયેલી આ પ્રતિમાનું ઉદઘાટન ૧૭ મે, ૧૯૬૮ના દિવસે તત્કાલીન વડા પ્રધાન માનનીય હેરોલ્ડ વિલ્સનના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રતિમાની નીચે મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે બીજી ઓક્ટોબર, ૧૯૯૬ના દિવસે મૂકાયેલી તક્તીનું ઉદઘાટન તત્કાલીન ભારતીય હાઈ કમિશનર ડો. એલ.એમ. સિંઘવી અને કેમડેનના મેયર કાઉન્સિલર ડો.એસ.એન. દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું.

યુકેના લેસ્ટર સિટીમાં બેલગ્રેવ રોડ ખાતે મહાત્મા ગાંધીની સાડા સાત ફીટ ઊંચાઈની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ પ્રતિમાનું સર્જન કોલકાતાસ્થિત ભારતીય શિલ્પી શ્રી ગૌતમ પોલ દ્વારા કરાયું હતું. ભારતથી ખાસ પધારેલા સ્વામી સત્યમિત્રાનંદ અને તત્કાલીન બ્રિટિશ હોમ સેક્રેટરી શ્રી એલેન જ્હોન્સનના હસ્તે ૨૬ જૂન, ૨૦૦૯ના દિવસે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના નિર્માણનો ખર્ચ ચેરિટી સંસ્થા સમન્વય પરિવાર દ્વારા કરાયો હતો. બ્રિટનના લેસ્ટરમાં ભારતીય મૂળના સૌથી વધુ લોકો નિવાસ કરે છે. લેસ્ટરની વસ્તીના આશરે ૨૮ ટકા એટલે કે લેસ્ટરની ત્રણ લાખથી વધુ વસ્તીમાં આશરે ૬૫-૭૦,૦૦૦ લોકો ભારતીય મૂળના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter