મહાન દેશના ઉત્કૃષ્ટ નેતા મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રઃ શિન્જો આબે

Monday 29th October 2018 06:39 EDT
 
 

ટોકિયોઃ જાપાનના વડા પ્રધાન શિન્જો આબેનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રો પૈકીના એક છે. હું તેમની સાથે મળીને હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત બનાવવા માટે મજબૂત દ્વિપક્ષીય સંબંધ વિકસાવવા માગું છું. ભારત વૈશ્વિકશક્તિ તરીકે ઊભરીને પ્રદેશ અને વિશ્વને સમૃદ્ધ બનાવી રહ્યો છે. વડા પ્રધાન મોદી મહાન દેશના ઉત્કૃષ્ટ નેતા છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે જાપાની શિંકનસેન બુલેટ ટ્રેન દોડશે તે દિવસ ભારત-જાપાનની મિત્રતાનો ચમકતો સંકેત બની રહેશે. ભારત અને જાપાનના સંબંધો વિશ્વ માટે સૌથી વધુ આશીર્વાદરૂપ છે. જાપાન હાઇસ્પીડ રેલ, સબવે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા વડા પ્રધાન મોદીના મેક ઇન ઇન્ડિયા અને ભારતના આર્થિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
બે દિવસની જાપાનની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબે વચ્ચે રવિવારે હોટેલ માઉન્ટ ફુજીમાં ઉષ્માસભર મુલાકાત યોજાઈ હતી. બાદમાં વડા પ્રધાન મોદી યામાનાશી ખાતે આવેલ શિન્જો આબેનાં હોલિડે હોમ વિલાના મહેમાન બન્યા હતા. ટોકિયો પહોંચેલા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, શિન્જો આબે સાથેની આ મુલાકાત બંને દેશોના મજબૂત સંબંધોમાં નવો અધ્યાય જોડશે.
ભારતના વડા પ્રધાન મોદી ભારત અને જાપાન વચ્ચેના ૧૩મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ૨૭ ઓક્ટોબરે પાટનગર ટોકિયો પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયે વડા પ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ખંભાતથી જાપાનઃ આબેને અનોખી ભેટ

વડા પ્રધાન મોદીએ જાપાનના વડા પ્રધાન આબેને હસ્તકળાથી તૈયાર કરાયેલા પથ્થરના વાટકા અને ઉત્તર પ્રદેશના કારીગરો દ્વારા તૈયાર કરાયેલી હાથવણાટની દરી ભેટમાં આપ્યાં હતાં. આ ઉપરાંત મોદીએ આબેને જોધપુરી પેટી પણ ભેટ આપી હતી. પથ્થરના વાટકા રાજસ્થાનના રોઝ અને યલો ક્વાર્ટઝમાંથી તૈયાર કરાયા હતા. આબેને અપાયેલા પથ્થરના વાટકા ગુજરાતના ખંભાતના હસ્તકલા કારીગર શબ્બીર હુસેન ઇબ્રાહીમ શેખ દ્વારા તૈયાર કરાયા છે. આ ઉપરાંત મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વણકરો દ્વારા તૈયાર કરાયેલી દરી આબેને ભેટ આપી હતી. આબેને અપાયેલા પથ્થરના વાટકા અને દરીઓ અમદાવાદ સ્થિત એનઆઈડીની સીધી દેખરેખમાં તૈયાર કરવામાં આવ્યા હતાં.

મોદી પહેલા વિદેશી નેતા

જાપાનની બે દિવસીય મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જાપાનના વડા પ્રધાન શીન્જો આબેએ યામાનાશીની હોટેલ માઉન્ટ ફુજી કાતે ઉષ્માસભર આલિંગન સાથે સ્વાગત કર્યું હતું. બપોરે માઉન્ટ ફુજીની નિશ્રામાં આવેલી હોટેલમાં આબેએ મોદી માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ત્યાંથી બંને નેતાઓ યામાનાશી ખાતે આવેલા આબેના અંગત હોલિડે હોમની મુલાકાતે પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી શિન્જો આબેના લેક કાવાગુચી નજીક આવલાં અંગત હોલિડે હોમની મુલાકાત લેનારા પહેલા વિદેશી નેતા છે. આબેએ પોતાના અંગત નિવાસસ્થાન ખાતે મોદી માટે ડિનરનું આયોજન ક્યું હતું. ડિનર બાદ બંને નેતા બુલેટ ટ્રેનમાં બેસીને ટોકિયો પહોંચવા રવાના થયા હતા. રવિવારે મોદી અને આબેએ એકબીજા સાથે આઠ કલાક ગાળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter