મુંબઇઃ ભારતીય અર્થતંત્રનું ફાઇનાન્સિયલ હબ ગણાતા મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ભગવો લહેરાયો છે. બીજી તરફ, ઝારખંડમાં ફરી એક વખત હેમંત સોરેન સરકારે ભાજપ યુતિને માત આપીને શાનદાર વિજય હાંસલ કર્યો છે. ભાજપે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં સૌથી વધુ 132 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે કોંગ્રેસે તેના ઇતિહાસનો સૌથી નબળો દેખાવ કરતાં માત્ર 16 બેઠકો પર વિજય મેળવ્યો છે.
માત્ર કોંગ્રેસનો જ નહીં, તેના નેતૃત્વમાં ચૂંટણી લડનારી મહાવિકાસ અઘાડીના સાથી પક્ષોની પણ આ જ હાલત છે. મહાવિકાસ અઘાડીનું બધું મળીને કુલ 50 બેઠકો પર વિજય થયો છે. જેમાંથી 20 બેઠકો શિવેસના (યુબીટી)એ અને 10 બેઠકો એનસીપી (શરદ પવાર)એ જીત છે. બીજી તરફ, મહાયુતિએ રાજ્ય વિધાનસભાની 80 ટકા બેઠકો કબજે કરી છે. જેમાં ભાજપની 132 ઉપરાંત શિવસેનાની 57 અને એનસીપીની 41 બેઠકો છે.
... છતાં મુખ્યમંત્રી પદનું કોકડું ગૂંચવાયું છે
ભાજપના નેતૃત્વમાં મહાયુતિએ પ્રચંડ વિજય ભલે હાંસલ કર્યો, પણ મુખ્યમંત્રી પદના મામલે સાથી પક્ષો વચ્ચે મડાગાંઠ પડી છે. મહાયુતિએ વિધાનસભાની 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતવા છતાં મંગળવારે મોડી રાત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ મુખ્યમંત્રી પદના મામલે ચિત્ર અસ્પષ્ટ છે. યુતિમાં સૌથી વધુ 132 બેઠકો જીતનાર ભાજપ મુખ્યમંત્રી પદે મહારાષ્ટ્રના તેજતર્રાર યુવા નેતા દેવેન્દ્ર ફડણવીસને બેસાડવા માગે છે તો શિવસેના (શિંદે) માને છે કે અમે ભલે 57 બેઠકો જીત્યા, પરંતુ મુખ્યમંત્રી પદ તો એકનાથ શિંદેને જ મળવું જોઇએ કેમ કે મહાયુતિ ચૂંટણી તેમના નેતૃત્વમાં લડી છે અને આ વિજયકૂચના તેઓ સારથિ છે.