મુંબઇઃ સવા મહિનો સત્તાની સાઠમારી ચાલ્યા બાદ મહારાષ્ટ્રમાં માંડ સરકાર રચાઇ છે ત્યાં નવા વિવાદે માથું ઊંચક્યું છે. ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેના શબ્દોએ રાજકીય પલિતો ચાંપ્યો છે. હેગડેએ રવિવારે દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રને રૂ. ૪૦,૦૦૦ કરોડનું ભંડોળ પરત કરવા માટે જ મહારાષ્ટ્રમાં ૮૦ કલાક માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.
હેગડેનું કહેવું છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ રચિત મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા કેન્દ્રના રૂ. ૪૦,૦૦૦ કરોડના ભંડોળનો દુરુપયોગ ન થાય તે માટે આ ભંડોળ કેન્દ્રને પાછું આપી દીધું હતું.
પૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસે હેગડેના નિવેદનને સત્યથી વેગળું ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે મુખ્ય પ્રધાન તરીકે મેં કોઇ નીતિવિષયક નિર્ણય કર્યો જ નથી, પરંતુ આક્ષેપ - પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. શિવસેનાનું કહેવું છે કે ફડણવીસે મહારાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગણી કરી છે. એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું હતું કે આ યોગ્ય નથી. ફંડ પાછું આપ્યું કે નહીં તે બાબતે સત્યતા તપાસવી પડશે. જો ફંડ પાછું આપ્યું હશે તો વડા પ્રધાને રાજીનામું આપવું પડશે.
ફંડના દુરુપયોગની ભીતિઃ અનંત કુમાર હેગડે
હેગડેએ રવિવારે એમ કહ્યું કે ‘કેટલાક લોકો સતત અમને પૂછે છે કે મહારાષ્ટ્રમાં જો તમારી પાસે બહુમતી ન હતી તો પછી દેવેન્દ્ર ફડણવીસને કેમ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા? આટલો બધો ડ્રામા શા માટે કરાયો?’ હેગડેએ કહ્યું કે, એક મુખ્ય પ્રધાન પાસે કેન્દ્રના રૂ. ૪૦,૦૦૦ કરોડ મેળવવાની સત્તા હોય છે. ફડણવીસને જાણ હતી કે જો શિવસેના-કોંગ્રેસ-એનસીપીની યુતિ સરકાર બનશે તો નવી સરકાર દ્વારા મહારાષ્ટ્રના વિકાસ માટેના ફંડનો દુરુપયોગ કરાશે. આથી ભંડોળ કેન્દ્ર સરકારને પરત આપી દેવાનું યોગ્ય સમજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફડણવીસ ૨૩ નવેમ્બરના રોજ એનસીપીના અજીત પવારની મદદથી સરકાર રચવાનો દાવો કરીને મુખ્ય પ્રધાન બન્યા હતા. તેમણે કેન્દ્ર તરફથી આવેલા ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ પાછું મોકલાવ્યા બાદ જ રાજીનામું આપ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે આ ડ્રામા શા માટે કર્યો? બહુમત ન હોવાની અમને ખબર નહોતી કે? છતાં તેઓ મુખ્ય પ્રધાન કેવી રીતે બન્યા? દરેક વ્યક્તિ આ પ્રશ્નો પૂછે છે એવું હેગડેએ કહ્યું હતું.
લોકો સાથે વિશ્વાસઘાતઃ સંજય રાઉત
હેગડેના નિવેદન બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની રૂ. ૪૦,૦૦૦ કરોડની સહાય પાછી મોકલીને ફડણવીસે મહારાષ્ટ્રના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભાજપ મહારાષ્ટ્રની પ્રજાનો ગુનેગાર છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ચીફ સેક્રેટરી દ્વારા આ મુદ્દે ખુલાસો કરાશે.
વડા પ્રધાન જવાબ આપેઃ રણદીપ સૂરજેવાલ
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલે ટ્વિટ કર્યું હતું કે મોદી સરકારને કેન્દ્રીય પ્રધાને ખુલ્લી પાડી છે. મહારાષ્ટ્ર વિરુદ્ધ ભાજપનાં ચહેરાને ખુલ્લો પાડ્યો છે. મહારાષ્ટ્રના બંધારણીય માળખાને કચડી નાંખવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે કે શું? ૪૦ હજાર કરોડ રૂપિયા રાજ્યના નાગરિકોનું કલ્યાણ કરવા અને ખેડૂતોને ફંડ આપવાથી દૂર રાખવાનું ષડયંત્ર હતું કે શું? આ અંગે વડા પ્રધાને જવાબ આપવો જોઇએ.