ગયા ગુરૂવારે (૧૧ માર્ચે) સનાતન ધર્મનું મહાપર્વ મહાશિવરાત્રી દેશવિદેશના હિન્દુધર્મીઓએ ખૂબ શ્રધ્ધાપૂર્વક ઉજવ્યું. કોરોના મહામારીને કારણે બ્રિટનમાં લોકડાઉન હોવાથી મંદિેરો, શિવાલયો બંધ છે એવા સમયે શ્રધ્ધાળુઓ ઘરે બેઠાં શિવપૂજા, અર્ચના અને અભિષેક કરી શકે એ માટે 'ગુજરાત સમાચાર' Asian Voice' દ્વારા ઓનલાઇન લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા શિવભક્તોએ રૂદ્રઅભિષેકનો લાભ લીધો હતો. અમદાવાદથી જાણીતા પ્રવક્તા, લેખક તુષારભાઇ જોષીએ યુટ્યુબ ઉપર આખા લાઇવ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે સંચાલન કર્યું હતું.
અમદાવાદના વિકસિત એવા ઘુમા વિસ્તારમાં આવેલી ઇસ્કોન ગ્રીન બંગલોઝની સ્કીમના ત્રિલોકેશ્વર મહાદેવ શિવાલયમાં મહાશિવરાત્રી પર્વે ચાર પ્રહરની પૂજા નિયમિત થાય છે. અમદાવાદના જાણીતા બિલ્ડર અને શિવભક્ત પ્રવિણભાઇ કોટકે એમના પિતાશ્રી તલકશીભાઇ કોટકની સ્મૃતિમાં સુંદર મંદિર બનાવ્યું છે ત્યાં મહાશિવરાત્રીની પૂજા-અર્ચના અને શિવ અભિષેક કરતા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરાયું હતું. યુ.કે.માં આપણા ભારતીય સમાજની જ્ઞાનયજ્ઞ-સેવાયજ્ઞ દ્વારા જે રીતે આ બન્ને સમાચારપત્રો જ્ઞાનયજ્ઞ દ્વારા અનેકવિધ સેવા કરી રહ્યા છે એને લક્ષમાં લઇ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થી અને કર્મકાંડ તથા વિધિ વિધાનના અનુભવી યુવાન વક્તા શાસ્ત્રી શ્રી જયદેવભાઇ દવેએ બે કલાકની શિવપૂજા અને અભિષેક કરાવ્યો. એમના સાથીઓએ શિવસ્તુતિમાં વાદ્યસંગીત સાથે મધુરકંઠે શ્લોકગાન કરી જીવ અને શિવને એકાકાર કરી દીધા હતા. સંગીત એ મહારાત્રિ પર્વે ભક્તિ, ભજન અને ભરોસાની જાણે ત્રિવેણી સર્જાઇ હતી.
ભગવાન ત્રિલોકેશ્વરના સાનિધ્યમાં બેસીને અમદાવાદના જાણીતા ગાયિકા માયા દીપકે મધુરકંઠે ભોલેનાથને સમર્પિત ભજન અને ધૂન પ્રસ્તુત કર્યા હતા. એમની સાથે તબલા સંગત જીજ્ઞેશ રાવે કરી હતી. આ પ્રસંગે અમદાવાદના જાણીતા ટીવી એન્કર અને શિક્ષિકા દ્વૈતા જોષીએ અંગ્રેજી ભાષામાં સમગ્ર કાર્યક્રમને અને શિવતત્વ સાથે જોડાયેલી જોડાયેલી કથાને, સંદર્ભને રોજિંદા જીવનના ઉદાહરણો સાથે વણીને યુવાપેઢીને સમજાય એ રીતે રજૂઆત કરી હતી. કાર્યક્રમની પરિકલ્પના કરનાર તુષારભાઇ જોષીએ ગુજરાતીમાં શિવમહિમા, શિવત્ત્વનો સાર અર્થપૂર્ણ ભાષામાં રજૂ કર્યો હતો.
ચરોતરના ઉમરેઠ ગામમાં ૧૫૦૦ વર્ષ પ્રાચીન ચંદ્રમૌલિશ્વર મહાદેવમાં જેમનો પરિવાર પેઢીઓથી સેવા આપે છે એવા શાસ્ત્રીય સંગીતકાર, સ્વરસાધક, ગાયક શ્રી સદાશિવ દવે અને એમના જીવન સંગિની સ્મૃતિ દવેએ શિવભક્તિમાં પોતાની આરાધના ભેળવી હતી.
ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં શિવજીને વંદન કરીને એશિયન પબ્લીકેશન ગૃપના સૂત્રધાર, ગુજરાત સમાચાર, Asian Voiceના તંત્રીશ્રી સી.બી. પટેલની શિવભક્તિની સરાહના કરતાં કહ્યું કે, “સી.બી.ની સવાર 'ઓમ નમ: શિવાય'થી શરૂ થાય છે. સી.બી. પટેલનું બાળપણ અને યુવાવસ્થા નર્મદા તીરે આવેલ પવિત્ર સ્થળ કરનાળીમાં વિત્યું છે. સીબીના પિતાશ્રી બાબુકાકા શિવજીના પરમ ઉપાસક હતા. એમનું સંન્યાસ જીવન નમર્દા તટે કુબેર ભંડારીના સાનિધ્યમાં કરનાળીમાં વિત્યુ છે. નર્મદા તટના દરેક લોકો શિવભક્ત બાબુકાકાને ઓળખતા અને હજુય ઘણા લોકો તેમણે યાદ કરે છે. સંન્યાસ જીવનમાં પિતાએ કરેલ શિવ ઉપાસનાનું ફળ સી.બી. અને એમના પરિવારજનો મેળવી રહ્યા છે.
એમના વતન ભાદરણના મહાકાલેશ્વર શિવાલયમાં સી.બી.ના પિતાશ્રીએ વર્ષો પહેલાં મહારુદ્ર યજ્ઞ કરી ૧૬ દિવસ ઉંધા માથે લટકીને શિવ ઉપાસના કરેલી. સી.બી.એ પણ બાળપણમાં આ મહાકાલેશ્વરમાં જઇ રોજ આરતી-પૂજા કરેલી. કષ્ટમય પરિસ્થિતિ કે વિપરીત સંજોગોમાં ભોલેનાથ મહાકાલેશ્વરની અતૂટ શ્રધ્ધાએ સી.બી. પરિવારને સફળતાપૂર્વક ઉગાર્યો છે એનો અહેસાસ, અનુભૂતિ અમે પણ કરી છે. શિવ અને શક્તિની જ્યાં આરાદના, અર્ચના, પૂજા થાય છે ત્યાં નકારાત્મક પરિબળો કે નકારાત્મક વિચારોનો કોઇ અવકાશ રહેતો નથી. અમદાવાદ અને યુ.કે.નો ગુજરાત સમાચાર-Asian Voice પરિવાર આજે સૌની સાથે મળીને શિવરાત્રીનું મહાપર્વ ઉજવી રહ્યો છે ત્યારે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ કે આ જીવલેણ કોરોનાની મહામારીમાંથી આપણને સૌને બચાવે અને ધરતી પરથી કોરોના નામના ભયનો નાશ કરે.”
મહાશિવરાત્રિ પર અડધા દિવસ સુધી મૌન રાખતા સી.બીએ કાર્યક્રમના અંતે સૌને મહાશિવરાત્રિ પર્વે સૌએ સુરક્ષિત, સાવચેત રહેવા તેમજ આજના કાર્યક્રમનું આયોજન કરનાર તુષારભાઇ જોષી, સોલા ભાગવત પીઠના પંડિતો, દ્વૈતા જોષી અને સદાશિવભાઇ દવે, સ્મૃતિબેન દવે તથા માયા દીપકનો આભાર માની. “કર ચરણ કૃતં વાક્ કાયજં કર્મજં વા, શ્રવણ નયનજં વા નાનસં વાપરાધમ્" શ્લોક સાથે સૌને ઓમ નમ: શિવાય કરીને કાર્યક્રમનું સમાપણ કર્યું હતું.
શું આપ મહાશિવરાત્રી પર્વે મહાઆરાધના નિહાળવાનું ચૂકી ગયા છો?
આજે જ કાર્યક્રમ નિહાળો...
ABPL Group યુટ્યુબ ચેનલ પર