આ પ્રસંગે સંબોધન કરતાં ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, સંસદીય બાબતો, તથા બિનનિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત સરકારના કાયદા વિભાગે રાજ્યના દરેક જિલ્લામાં મહિલા અદાલતો સ્થાપવા માટે ગુજરાત હાઇ કોર્ટને દરખાસ્ત કરી છે. તેનાથી વિદેશમાં થતા લગ્નો અંગેના વિવાદો જિલ્લા સ્તરે ઉકેલવામાં સરળતા થશે.’ તેમણે વિદેશમાં વસતા ભારતીય સાથે લગ્ન કરનાર માટેની એનઆરજી ફાઉન્ડેશન દ્વારા બહાર પડાયેલી માદર્ગશિકાનો ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો.
એનઆરજી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની કોલેજનો સંપર્ક કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરી શક્ય બની છે તે બાબતે તેમણે પ્રશંસા કરી હતી.
સમારંભના સ્વાગત પ્રવચનમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાકેશભાઈ શાહે જણાવ્યું હતું કે ‘આપણે દીકરીને વ્હાલનો દરિયો ગણીએ છીએ, પણ દીકરી સુખના દરિયામાં ધકેલાઈ ન જાય અને સુખનો દરિયો છલકાય તે માટે લગ્ન પૂર્વે ચોકસાઈ રાખવાની જરૂર છે.’
ગુજરાત સ્ટેટ નોન-રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ડાયરેક્ટર બળવંતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘આ ફાઉન્ડેશન વિદેશમાં વસતા ગુજરાતીઓના કૌશલ્ય અને સાધનોનો ઉપયોગ કરીને ગુજરાતની વિકાસયાત્રા કેવી રીતે વેગવંતી બનાવવી તેના માટે પ્રયત્નશીલ છે. હાલમાં એક કરોડથી વધુ ગુજરાતીઓ વિવિધ દેશોમાં વસે છે અને તેઓ જ્યાં વસે છે તે દેશોને સમૃદ્ધ બનાવવામાં જહેમત ઉઠાવી રહ્યા છે. દેશ માટેની લાગણીથી તેઓ ડિસેમ્બરની આસપાસ સ્વદેશ આવવાનું ચૂકતા નથી.’ વિદેશમાં વસતા જે ભારતીયો પોતાના મૂળ વતન અંગે માહિતી શોધવા માંગતા હોય તેમને મદદ કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત જીસીસીઆઇ એનઆરજી સેન્ટરના ચેરમેન કે. એચ. પટેલે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધીમાં ફાઉન્ડેશન દ્વારા ૬૦૦થી વધુ ગુજરાત કાર્ડ ઈસ્યુ થયા છે. તાજેતરમાં સાઉદી અરેબિયાથી ૧૧૬ ગુજરાતીઓએ એક સાથે ગુજરાત કાર્ડ મેળવવાની તત્પરતા વ્યક્ત કરી છે. ગુજરાત કાર્ડ ધરાવનાર બિનિવાસી ગુજરાતીઓને તેમની સમસ્યાઓ માટે કલેક્ટર ઓફિસમાં પણ અગ્રતા આપવામાં આવે છે અને રાજ્યના અનેક વેન્ડર્સ દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.’
ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. એમ. એન. પટેલે જણાવ્યું હતું કે ‘લગ્ન એ જીવનભરનો સંબંધ છે અને આ સંબંધ માટે પુત્ર કે પુત્રીના માતા-પિતા ઉતાવળ કર્યા વગર પૂરતી ચકાસણી કરીને લગ્ન ગોઠવશે તો બન્ને પક્ષ માટે લાંબાગાળે ફાયદો થશે.’
ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે ‘અમે વિદેશી નાગરિકો સાથે થતાં લગ્નોની નોંધણીમાં પાસપોર્ટ નંબર, મોબાઈલ નંબર, સરનામું, નોકરીનું સ્થળ વગેરે જણાવવાનું ફરજિયાત બનાવ્યું છે. કન્યાઓના માતા-પિતાએ પણ ભારતમાં લગ્નની નોંધણી કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘રાજ્યના ૧૦૨ તાલુકાઓમાં મહિલા અદાલતો સ્થાપીને તાલુકા કક્ષાએ મહિલાઓના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ થયો છે. છેલ્લા ૬ માસમાં ૮૦૦થી વધુ પ્રશ્નોનો નિકાલ કરાયો છે, પરંતુ લગ્નપૂર્વે પૂરતી ચકાસણી કરાય તો લગ્ન પછી ઊભી થતી સમસ્યાઓ નિવારી શકાય.’
ગુજરાત હાઇ કોર્ટના સનિયિર એડવોકેટ રોહિતભાઇ એન. પટેલે જણાવ્યું હતું કે ‘અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તથા કોન્સ્યુલ જનરલની કચેરીને મળીને વિદેશમાં લગ્ન કરનાર કન્યાઓની સમસ્યા નિવારવા પ્રયાસ કરાયા છે. જો વિદેશી યુવકનો સોશ્યલ સિક્યોરિટી નંબર પણ મેળવવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં સરળતા રહે છે.’
ગુજરાત ચેમ્બરના ઉપપ્રમુખ સમીરભાઈ પટેલ સમારંભના અંતે આભારવિધિ કરી હતી. આ સમારંભમાં અમદાવાદની કોલેજોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત ૨૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ એનઆરજી ફાઉન્ડેશનના ઉપક્રમે એનઆરજી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.