ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકો દ્વારા રોયલ એર ફોર્સના સહયોગથી શુક્રવાર 18 માર્ચે બીજા વાર્ષિક નેટવર્કિંગ ઈવેન્ટ ‘વિમેન ઈન કોન્વર્સેશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. પેનલચર્ચા માટેનો વિષય ‘charting the unknown and breaking stereotypes’ (અજાણ્યા માર્ગોનું ખેડાણ અને બીબાંઢાળ પ્રવૃત્તિની નાબૂદી) હતો. પેનલિસ્ટોએ મહિલાઓને ઉદ્દેશ અને પ્રેરણા સાથે સતત આગળ વધતા રહેવાનો અનુરોધ કર્યો હતો.
લંડનમાં કોર્ટહાઉસ બોટેલ શોરડિચ ખાતે આયોજિત કાર્યક્રમમાં પેનલચર્ચા માટેના મોડરેટર તરીકે એવોર્ડવિજેતા પબ્લિક રિલેશન્સ અને મીડિયા પ્રોફેશનલ સંગીતા વોલ્ડ્રન હતાં જ્યારે પેનલિસ્ટ્સમાં ગાયિકા અને ગીતલેખક રુમેર, બીસ્પોક જ્વેલરી ડિઝાઈનર સામ ઉભી તેમજ વક્તા, લેખક અને લીડરશિપ કોચ સાહેરા ચોહાન હતાં.
રોયલ એર ફોર્સના ગ્રૂપ કેપ્ટન જોન સ્વેઈન્સ્ટને ઓડિયન્સને સંબોધનમાં ડાયવર્સિટી અને ઈન્ક્લુઝન પ્રત્યે RAFના અભિગમ તેમજ ઓર્ગેનાઈઝેશનમાં મહિલાઓ માટે તકો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘એર ચીફ માર્શલ સર માઈક વિગસ્ટ્ન ડાયવર્સિટી બાબતે ઘણા જ ઉત્સાહી હિમાયતી છે અને કોઈ પણ સંસ્થામાં વૈવિધ્યપૂર્ણ અને સંપૂર્ણ સમાવેશી વર્કફોર્સ જે પ્રકારની શક્તિ, મૂલ્યો અને અસરકારકતા લાવે છે તેની RAF કદર કરે છે. અમે અમારા તમામ કર્મચારીને ડાયવર્સિટીના જોશપૂર્ણ હિમાયતી બની રહેવા પ્રોત્સાહિત કરીએ છીએ.’
તેમણે કહ્યું હતું કે,‘ અમારી સામૂહિક જવાબદારી દરેક વ્યક્તિ તેઓ જેવા છે, અમારી સંસ્થાને શું યોગદાન આપી રહ્યા છે અને રોયલ એર ફોર્સની ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા શું કરી રહ્યા છે તેના સંદર્ભે તેઓનું મૂલ્યાંકન કરાય અને સમાવેશ કરાય એ ચોકસાઈ કરવાની છે. ડાયવર્સિટી અને ઈન્ક્લુઝન પ્રત્યે રચનાત્મક અભિગમ આપણા સામાન્ય કામકાજનો હિસ્સો બની રહેવો જોઈએ, આપણે જે કરીએ છીએ તે તમામનો તેમજ આપણા દરેક એકશન અથવા દરેક નિર્ણયનો મૂળભૂત હિસ્સો બની રહેવો જોઈએ. રોયલ એર ફોર્સમાં તમામ ભૂમિકાઓ મહિલાઓ માટે ખુલ્લી છે. આ એવું સ્થળ છે જ્યાં સ્ત્રીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરી શકે છે તેમજ અર્થસભર અને સંતોષકારી કારકિર્દીઓ ધરાવી શકે છે. સીનિયર લીડરશિપ ભૂમિકાઓમાં સ્ત્રીઓની સંખ્યા વધી રહી હોવાનું પણ અમે નિહાળીએ છીએ. હું માનું છું કે એકબીજાને માર્ગદર્શન અને સપોર્ટ કરવાનું ઘણું મહત્ત્વનું છે. ‘વિમેન ઈન કોન્વર્સેશન’ જેવાં ઈવેન્ટ્સ જ્યાં આપણે આપણા અનુભવો, ડહાપણ અને અરસપરસ સપોર્ટ કરવાના માર્ગોની ભાગીદારી કરીએ છીએ તેમનું પણ મહત્ત્વ વિશેષ છે.’
બીબાંઢાળ બની રહેવા સામે પેનલિસ્ટોનો પડકાર
આ પેનલના મોડરેટર સંગીતા વાલ્ડ્રને પોતાની અનોખી અને વાતચીતની પ્રવાહી શૈલીમાં પેનલિસ્ટ્સ રુમેર, સામ ઉભી અને સાહેરા ચોહાનની મુગ્ધ બનાવી દેતી જીવનકથાઓથી ઓડિયન્સને રસતરબોળ કરી દીધું હતું. આ ત્રણે વક્તા તેમણે સામનો કરવો પડ્યો હતો તે સમસ્યાઓ, તેમની સફળતા સામેના અવરોધો અને પોતાના વિશે શંકાઓ વિશે નિખાલસ અને સ્પષ્ટવાદી હતાં. તેમણે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેમાં પુરુષ અને સ્ત્રીઓ બંને તરફથી ટેકાનો અભાવ, વયવાદ- ageism, પિતૃપ્રધાન સમાજ, સપોર્ટ નેટવર્કનો અભાવ અને ભાવનાત્મક યુક્તિપ્રયુક્તિઓનો સમાવેશ થયો હતો.
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધરમૂળ પરિવર્તનની માગણી કરતા અને પોતાની યાત્રા વિશે વાત કરતાં રુમેરે જણાવ્યું હતું કે તેનો વિશાળ પાકિસ્તાની પરિવાર સંગીતમય જ હતો. તેમણે કબૂલ્યું હતું કે રેકોર્ડ હાંસલ કરવાં માટે સખત પરિશ્રમ, સમર્પણ અને બલિદાન આવશ્યક બન્યાં હતાં. તેમણે બે છેડાં મેળવવાં નાનીમોટી અનેક નોકરીઓ કરી પરંતુ, ત્રણ વર્ષ સુધી સપ્તાહમાં એક દિવસ પોતાના ડેબ્યુ આલ્બમ બનાવવા પાછળ સમર્પિત કર્યાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું જ્યાં સુધી મ્યુઝિક બિઝનેસમાં આવી નહિ ત્યાં સુધી તો મને તેની વરવી વાસ્તવિકતાની જાણ જ ન થઈ હતી. મને સમજાયું નહિ કે આ પેટ્રિઆર્કી કે પુરુષપ્રધાન સિસ્ટમ હતી. મને તેના વિશે જાણ જ ન હતી. અને જ્યારે હું મ્યુજિક બિઝનેસમાં ગઈ ત્યારે મને સમજાયું કે તેનું શું વર્ચસ્વ હતું અને સમગ્ર સિસ્ટમ માત્ર પુરુષો માટે જ ડિઝાઈન થયેલી હતી. આ ખરેખર મુશ્કેલ હતું કારણકે એક સ્ત્રી તરીકે તમે લાગણીશીલ હોવાની ધારણા બંધાયેલી હતી.’
સામે અભિપ્રાય દર્શાવ્યો હતો કે સફળ થવા માટે તમારી પાસે મૌલિકતા અને ઝનૂન હોવું જરૂરી છે. તેમણે કહ્યું કે મહિલા ડિઝાઈનર હોવાથી તેમને ઘણી વખત બાીબાંઢાળ કે રેસિયલી પ્રોફાઈલ તરીકે ચીતરવામાં આવતા હતાં. તેમણે કહ્યું હતું કે,‘એશિયન કોમ્યુનિટીમાં જ તમને ખરેખર ઘણા મહિલા જ્વેલર્સ જોવાં મળતાં નથી. આથી, તમે લઘુમતીમાં જ હો છો. મોટા ભાગના ટ્રેડર્સ. ગોલ્ડ ટ્રેડર્સ, સ્ટોન ટ્રેડર્સ પણ બધા પુરુષ જ હોય છે.’
વ્હાઈટ પ્રભુત્વની લોકાલિટીમાં ઉછરેલાં સાહેરાને જીવનમાં ઘણા મોડેથી પોતાના ભારતીય મૂળની જાણ થઈ હતી. મીડિયા પ્રેઝન્ટર તરીકે નોકરીની ખોજમાં તેમને સૌપહેલા તો બીબીસીમાં સેલેબ્રિટીઝના શોફર તરીકેની નોકરી ઓફર થઈ હતી. આ પછી તેમણે પ્રેઝન્ટર તરીકેની મળેલી નોકરી અને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો તેવી એક્સિડેન્ટલ-આકસ્મિક ઈન્વેસ્ટિગેટિવ કામગીરીની પણ વાત કરી હતી. જાત પર શંકાની સામે લડવાનું સા માટે ચાવીરુપ છે તેના પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે બહાર જે પણ થાય છે તેના પર તમે નિયંત્રણ રાખી શકતાં નથી પરંતુ, તમારી જ અંદર જે થઈ રહ્યું છે તેમજ તેના તરફના તમારાં અભિગમ પર તમે ચોક્કસપણે અંકુશ મૂકી શકો છો. જો હું એક બારણામાંથી બહાર જઈ શકતી ન હોઉં તો હું બીજાં બારણાંથી જવાનો પ્રયાસ કરીશ. આમ હું ઉદ્દેશ અને પ્રેરણાની સાથે આગળ ચાલતી રહું છું.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલના ટુંકા ઉદ્બોધનની સાથે આ ઈવેન્ટનું સમાપન થયું હતું. સલૂણી સાંજના રિસેપ્શનમાં સહુએ નાસ્તાપાણીનો આસ્વાદ માણ્યો હતો.