માધાપરઃ એશિયાનું સૌથી ધનાઢ્ય ગામ

Tuesday 27th August 2024 05:12 EDT
 
 

આપણે ભારતના કોઈ ગામની કલ્પના પણ કરીએ ત્યારે કાદવવાળા માર્ગો, હેન્ડ્સપંપ, બળદગાડાં, વીજસુવિધા વિનાના ગારામાટીના ઘર, ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોનું ચિત્ર દેખાવા લાગે. પરંતુ, જરા અટકી જજો, ગુજરાતના કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં આવેલા માધાપર ગામની વાત કરશો તો આ બધું નહિ દેખાય. ભારતના ગામ વિશેની તમારી કલ્પના સદંતર જ બદલાઈ જશે કારણકે એશિયાનું સૌથી સમૃદ્ધ ગામનું નામ આપવાનું હોય તો તે ચીન, જાપાન અથવા સાઉથ કોરિયામાં નહિ પરંતુ, આ માધાપર જ સૌથી ધનાઢ્ય ગામ છે.

મુખ્યત્વે પટેલ કોમ્યુનિટીના ગામ માધાપરમાં લગભગ 20,000 ઘરમાં આશરે 32,000 લોકોની વસ્તી છે અને આટલી વસ્તી 7000 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ ધરાવવાની બડાશ મારી શકે છે. માધાપરની સમૃદ્ધિનું કારણ તેની 65 ટકા નોન રેસિડેન્ટ ઈન્ડિયન- બિનવસાહતી ભારતીય વસ્તી છે જેઓ દર વર્ષે સ્થાનિક બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં કરોડો રૂપિયાની ડિપોઝીટ્સ જમા કરાવતા રહે છે.

કોઈ પણ ખાનગી કે જાહેર બેન્ક વિશે વિચારો તો એ બેન્ક માધાપરમાં છે. એ જાણીને આશ્ચર્ય થશે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ, યુનિઅન, ICICI, HDFC, એક્સિસ સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રની 17 મુખ્ય બેન્કોની શાખાઓ માધાપરમાં આવેલી છે. અન્ય બેન્કો પણ શાખાઓ ખોલવામાં રસ ધરાવે છે. આ બેન્કોમાં મોટા ભાગની ડિપોઝીટ્સ નોન રેસિડેન્ટ ઈન્ડિયન (NRI) પરિવારોની છે જેઓ કેન્યા, યુગાન્ડા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા સહિતના આફ્રિકન દેશોમાં રહે છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં વર્ચસ્વ ધરાવે છે. આ ઉપરાંત, ઘણા રહેવાસીઓ યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિતના દેશોમાં વસે છે. વિદેશમાં રહેતા હોવાં છતાં, આ લોકો હજુ પોતાના વતન સાથે જોડાયેલા છે અને તેમના ગામમાં સમગ્રતયા પરિવર્તન લાવવામાં કારણભૂત છે.

માધાપર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબહેન કારાના જણાવ્યા મુજબ ‘ઘણા ગામવાસીઓ પરદેશમાં રહેતા અને કામ કરતા હોવા છતાં તેમના ગામ સાથે જોડાયેલા છે અને તેઓ જ્યાં રહે છે ત્યાં તેમના નાણા ડિપોઝીટ કરવાના બદલે ગામસ્થિત બેન્કોમાં જ જમા કરવાનું પસંદ કરે છે.’ માધાપરના વિદેશ વસવાટ કરતા પરિવારો અઢળક રૂપિયા આ ગામની બેન્કોમાં જમા કરાવે છે. ગામની એક રાષ્ટ્રીયકૃત બેન્કના બ્રાન્ચ મેનેજરે કહ્યું હતું કે,‘ આ જંગી ડિપોઝીટ્સના કારણે તેઓ વધુ સમૃદ્ધ બન્યા છે. પાણી, સેનિટેશન અને રોડ્ઝ જેવી પાયાની તમામ સવલતો મળી છે. સંખ્યાબંધ બંગલા છે, જાહેર અને ખાનગી શાળાઓ છે, સરોવરો અને મંદિરો પણ છે.’

માધાપરમાં લગભગ 20,000 ઘરમાં આશરે 1200 પરિવાર વિદેશમાં વસે છે. તેમના દ્વારા સતત મોકલાતા અઢળક નાણાપ્રવાહના પરિણામે ગામમાં શાળાઓ, કોલેજો, હેલ્થ સેન્ટર્સ, બંધો, મંદિરો, શોપિંગ મોલ સહિત વિકાસકાર્યો થતાં રહે છે. ગામલોકો આજે પણ ખેતી સાથે જોડાયેલા છે. ગામમાં અત્યાધુનિક ગૌશાળા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે. દરેક ઘર ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને કોઈ એવી સુખસુવિધા નથી જે આ ગામમાં ન હોય. એટલું જ નહિ, આ માધાપરની શેરીઓ- ગલીઓ એકદમ સ્વચ્છ જોવા મળે છે.

વિદેશસ્થિત પરિવારોમાંથી લંડનમાં માધાપર વિલેજ એસોસિયેશનની સ્થાપના પણ 1968માં કરાયેલી છે જેઓ ગામ સાથે સંકળાયેલા રહી તેમના ગામની છાપ વિદેશમાં સુધારવાનું કામ કરે છે. માધાપર ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે તે માટે ગામમાં પણ તેની એક ઓફિસ ખોલવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter