ન્યૂ યોર્કઃ હાલ વિશ્વમાં અનેક દેશો વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ અને સંઘર્ષ વચ્ચે સોમવારે યુએન સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, માનવતાની સફળતા યુદ્ધભૂમિમાં નહીં પરંતુ સામુહિક શક્તિમાં છે. સમગ્ર માનવજાતનાં હિતોની રક્ષા માટે ભારત મન, વચન, કર્મથી પ્રતિબદ્ધ છે, અને આ દિશામાં કામ કરતું રહેશે.
ત્રણ દિવસના યુએસ પ્રવાસના અંતિમ દિવસે છેલ્લા કાર્યક્રમને સંબોધતા મોદીએ સાતત્યપૂર્ણ વિકાસને પ્રાથમિકતા આપવાની સાથે સાથે માનવકેન્દ્રીત અભિગમને સર્વોચ્ચ અગ્રતા આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે 25 કરોડ ભારતવાસીઓને ગરીબીમાંથી બહાર લાવીને અમે પુરવાર કર્યું છે કે, સાતત્યપૂર્ણ વિકાસ સફળ થઈ શકે છે. અમે સફળતાનો આ અનુભવ સમગ્ર ગ્લોબલ સાઉથ સાથે વહેંચવા તૈયાર છીએ. વૈશ્વિક સંસ્થાનોમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે ટોચની વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો કરવો અત્યંત આવશ્યક છે.
વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ હંમેશની જેમ આ વખતે પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમોથી ભરચક હતો. જેમાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધનથી લઇને પ્રમુખ જો બાઇડેન સાથે દ્વિપક્ષીય મંત્રણા, ‘ક્વાડ’ની બેઠકમાં હાજરી, ઓસ્ટ્રેલિયા - જાપાન - નેપાળ - પેલેસ્ટાઇન - કતારના વડાઓ સાથે વન-ટુ-વન મંત્રણા, વિશ્વની ટોચની મલ્ટીનેશનલ કંપનીઓના વડાઓ સાથે બેઠક વગેરેનો સમાવેશ થતો હતો.
આ તમામ બેઠકો - મંત્રણા - સંબોધનનો સાર કંઇક એવો હતોઃ સંઘર્ષમાં નહીં, શાંતિમાં જ સહુ કોઇનું હિત છે... વિકાસની વિપુલ તકો ધરાવતો ભારત દેશ સહુ કોઇને આવકારવા તત્પર છે... અને વિદેશવાસી ભારતીયો ખરા અર્થમાં રાષ્ટ્રદૂત છે.
(વિશેષ અહેવાલ - પાન 28)