કુઆલાલમ્પુર, સિંગાપોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસના ત્રીજા દિવસે ભારત-મલેશિયાએ સાઇબર સુરક્ષા, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને માળખાગત સુવિધા વિકસાવવા સંબંધિત ત્રણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. મલેશિયાની રાજધાનીમાં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે કહ્યું હતું કે વિવિધતા ભારતની તાકાત છે. ધર્મને આતંકવાદ સાથે સાંકળવાનું બંધ કરવાનું આહવાન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે માનવતા સૌથી મોટો ધર્મ છે.
નરેન્દ્ર મોદી બે મહત્ત્વની પ્રાદેશિક સમિટ અને એશિયાના અગ્રણી દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ માટે શનિવારે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુર પહોંચ્યા હતા. ત્રણ દિવસના રોકાણ બાદ સોમવારે સાંજે તેઓ મલેશિયાથી સિંગાપુર પહોંચ્યા હતા. અહીં તેમનું બે દિવસનું રોકાણ છે.
સિંગાપોરના ચાંગી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. પ્રવાસના પ્રથમ દિવસે આઈએસઈઈએસમાં વડા પ્રધાને સિંગાપોરને સંબોધતાં કહ્યું હતું કે, લોકો સ્વપ્ન સાકાર કરવા સિંગાપોર આવે છે. અમે આ દેશ પાસેથી ઘણું શીખ્યા છીએ. આ દેશનું કદ જોઈને તેની સફળતાનો તાગ મેળવવો મુશ્કેલ જ નહીં, ભૂલ ભરેલો છે.
ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે
મલેશિયામાં રોકાણ દરમિયાન ‘આસિયાન’ બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટને સંબોધતાં મોદીએ વૈશ્વિક ઇન્વેસ્ટર્સને ભારતમાં મૂડીરોકાણનું આહવાન કરતાં જણાવ્યું હતું કે, ભારતમાં પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે. દેશમાં મોંઘવારી ઘટી છે. ૧૮ મહિના પહેલાં અમે સત્તા સંભાળી પછી ભારત સારી કામગીરી કરી રહ્યું હોવાનો સંકેત દરેક મોટા ઇકોનોમિક ઇન્ડેકટરોએ આપ્યો છે. ૬૫ વર્ષમાં પહેલી વાર અમે ભારતના રાજ્યોને વિદેશ નીતિ સાથે જોડ્યા છે. આર્થિક સુધારા મારા માટે ફક્ત પ્રવાસ છે, મારું અંતિમ ધ્યેય તો ભારતની કાયાપલટ છે.
તેમણે કહ્યું હતું કે અમારું લક્ષ્ય છે તમામ ભારતવાસીઓ માટે ઘર - આ માટે કુલ ૫૦ મિલિયન શહેરી અને ગ્રામીણ મકાનો બનાવાશે. ‘આસિયાન’ના ઘણા દેશો બાદ એશિયાના વિકાસમાં હવે ભારતનો વારો છે. ભારતમાં ઘર આંગણે અને વિદેશમાં આત્મવિશ્વાસ વધ્યો છે. એશિયાના વિકાસમાં ‘આસિયાન’ના મોટા ભાગના અર્થતંત્રો ફાળો આપી ચૂક્યા છે. હવે ભારતનો વારો છે. ભારતમાં બિઝનેસ માટે તકોનો વિપુલ ભંડાર પડ્યો છે. ભારત મેન્યુફેકચરિંગ હબ બનશે.
‘આસિયાન’ને આતંકવાદ સામે એક થવા હાકલ
સમિટમાં ઉપસ્થિત રહેલા જાપાનના વડા પ્રધાન શિન્જો આબે અને ચીનના વડા પ્રધાન લી સમક્ષ મોદીએ વૈશ્વિક આતંકવાદ સામેની લડાઈ ઉગ્ર બનાવવાના વૈશ્વિક કરારને સમર્થન આપવાની અપીલ કરી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને ‘આસિયાન’એ આતંકવાદ સામેના વૈશ્વિક કરાર માટે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર સાધવા કામ કરવું જોઈએ. દક્ષિણ ચીનના દરિયા પરના વિવાદ અંગે મોદીએ સમિટમાં જણાવ્યું હતું કે, દરેક દેશે પ્રાદેશિક વિવાદોનો શાંતિથી ઉકેલ લાવવો જોઈએ.
આતંકવાદ સામેની લડાઇમાં ભારતનો સાથ ઝંખતું ચીન
મોદીએ ૨૧ નવેમ્બરે ચીની વડા પ્રધાન લી કેક્વિઆંગ સાથેની મુલાકાતમાં લીને સૂચન કર્યું હતું કે, ભારતે અને ચીને આતંક સામે એક થઈને લડવું જોઈએ. સામે લીએ જણાવ્યું હતું કે, ચીન આતંકવાદ અને અન્ય વૈશ્વિક પડકારો સંયુક્ત રીતે હાથ ધરવા ભારતનો સહકાર ઇચ્છે છે. બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મંદીના પડકારો અંગે પણ ચર્ચા થઈ હતી.
મોદીએ કહ્યું હતું કે, વિશ્વના ઘણા દેશો પર હાલમાં થઈ રહેલા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારત અને મલેશિયાએ એક થવાનું નક્કી કર્યું છે. મોદીએ ધાર્મિક સહિષ્ણુતા મુદ્દે કહ્યું હતું કે, આતંકવાદને કોઈ પણ ધર્મ સાથે જોડવો યોગ્ય નથી.
વડા પ્રધાન નજીબ રઝાક ઇસ્લામના સાચા અનુયાયી
મલેશિયાના વડા પ્રધાન નજીબ રઝાક ઈસ્લામના સાચા મૂલ્યોમાં માને છે અને ધર્મનું સાચું અનુસરણ કરતાં આતંકવાદને વખોડે છે તે વિશ્વ માટે ઉત્તમ ઉદાહરણ છે, એમ ભારતીય વડા પ્રધાને કહ્યું હતું. મલેશિયાના વડા પ્રધાન નજીબ રઝાકે પણ ભારતીય વડા પ્રધાનના પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, મોદી મેન ઓફ એક્શન છે.
શિક્ષણ ક્ષેત્રે આદાનપ્રદાન અંગે મોદી-રઝાકે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, હાલમાં પણ ભારતના ટોચના શૈક્ષણિક સંસ્થાનોની ડિગ્રીને મલેશિયામાં માન્યતા છે એ સિલસિલાને આગળ વધારતાં બંને દેશોમાં પરસ્પર શિક્ષણની તક વધે તે માટે એકબીજાની ડિગ્રીને માન્યતા મળે એવા વધુ કરારોને નજીકના સમયમાં લાગુ કરવાની તૈયારી દર્શાવી હતી. મોદીએ મલેશિયાના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે આમંત્રણ આપ્યું હતું અને રઝાકને આ મુદ્દે ઝડપથી કરાર કરવા અનુરોધ કર્યો હતો.
વિશ્વ પર પંજો પ્રસારતો આતંકનો ઓથાર
વડા પ્રધાન મોદીએ ‘આસિયાન’ દેશોને સંબોધતા જણાવ્યું હતું કે આતંકવાદ હવે પ્રાદેશિક સમસ્યા રહ્યો નથી. તેનો ઓછાયો સમગ્ર વિશ્વ પર પથરાઇ રહ્યો છે. તેની સામે લડવા નવી વ્યૂહરચનાઓ ઘડવી પડશે. આપણે પહેલાં એમ સમજતાં હતાં કે આતંકવાદ પ્રાદેશિક સમસ્યા છે, પરંતુ ઘાતકી આતંકીઓએ પેરિસ, અંકારા, બૈરુત, માલી અને રશિયન વિમાન પર હુમલા કરી આપણને યાદ અપાવી દીધું છે કે તેના ઓછાયા આપણા સમાજ અને સમગ્ર વિશ્વ સુધી લંબાઇ રહ્યાં છે.
ઈયુ જેવો રિજનલ ઈકોનોમિક બ્લોક
‘આસિયાન’ના નેતાઓએ ૨૨ નવેમ્બરે યુરોપિયન યુનિયન (ઇયુ) જેવા રિજનલ ઈકોનોમિક બ્લોકની રચના કરવાની જાહેરાત કરી હતી. આ બ્લોક હેઠળ ‘આસિયાન’ ઈકોનોમિક કોમ્યુનિટીને એક સિંગલ માર્કેટ તરીકે જોવાશે. જેમાં ચીજવસ્તુઓ, મૂડીરોકાણ અને તાલીમબદ્ધ મજૂરોની કોઈ પણ પ્રકારની અડચણ વિના આપ-લે થઈ શકશે.
‘આસિયાન’ના દસ નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઈટેડ નેશન્સના જનરલ સેક્રેટરી બાન કી મૂનની હાજરીમાં આસિયાન ઈકોનોમિક કોમ્યુનિટીની રચનાની જાહેરાત કરતા ઠરાવ પર સહી કરી હતી. આ દરમિયાન ‘આસિયાન’ના આગામી દસ વર્ષના આયોજનની પણ જાહેરાત કરાઇ હતી.
આતંકવાદને ધર્મથી અલગ કરવો જરૂરી
કુઆલાલમ્પુરમાં ૨૨ નવેમ્બરે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને ધર્મથી અલગ કરવા આહવાન કર્યું હતું. રવિવારે કુઆલાલમ્પુરના મલેશિયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં હાજર ભારતીય સમુદાયના ૧૫ હજારથી વધુ લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે વિશ્વ સમુદાયે આતંકવાદના દૂષણને ધર્મથી અલગ કરી તેની સામેની લડાઇ ઉગ્ર બનાવવી જોઇએ. કોઇ પણ દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન, આશ્રય અને આર્થિક સહાય પૂરી ન પાડે તે સુનિશ્ચિત કરવું જોઇએ. આજે આતંકવાદ વિશ્વ સમક્ષ સૌથી મોટો પડકાર બની ગયો છે. તેને કોઇ સરહદો નથી. આતંકવાદમાં લોકોને જોડવા માટે તે ધર્મનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ આતંકવાદી જૂથો દ્વારા ધર્મના નામે કરાતી આતંકીઓની ભરતી ખોટી છે કારણ કે આતંકવાદ દરેક ધર્મના લોકોને મારી રહ્યો છે. આતંકવાદીઓમાં એટલો તફાવત છે કે તેઓ માનવતામાં માનતા નથી જ્યારે બાકીની દુનિયા માનવતાને વરેલી છે. આપણા સમયના આ સૌથી મોટા પડકાર સામે વિશ્વે એકજૂથ થવું જોઇએ.
તિરંગાના અપમાનથી વિવાદ
‘આસિયાન’ સમિટમાં વડા પ્રધાન મોદી અને જપાનના વડા પ્રધાન શિન્ઝો એબેએ મુલાકાત કરી એ સ્થળે ભારતીય તિરંગો ઊલટો ફરકાવાયો હતો. આ સ્થળે એબે પહેલાં પહોંચી ગયા હતા અને તેઓ ઘણા લાંબા સમય સુધી તિરંગો જોઈ રહ્યા હતા. જોકે, આટલી મોટી ચૂક થઈ હોવા છતાં એકેય ઉચ્ચ અધિકારીની ભારતીય રાષ્ટ્રધ્વજ પર નજર નહોતી પડી. વડા પ્રધાન મોદી પહોંચ્યા એ પહેલાં ભારતીય તિરંગો ઊલટો ફરકાવાયો છે એ વાત એબેને સમજાઈ ગઈ હતી. જોકે, તેઓ બંને એકબીજાનું અભિવાદન કરીને હોલમાં જતા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભારતીય દૂતાવાસે તપાસ કરી હતી. જે મુદ્દે જવાબદાર તંત્રે માફી પણ માગી છે.
તોરણ ગેટનું ઉદ્ઘાટન
મલેશિયામાં ભારતે ૧૧ લાખ ડોલરથી વધુના ખર્ચે બનાવેલા તોરણ ગેટનું બંને દેશના વડા પ્રધાનો મોદી અને રઝાકે ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે મોદીએ જણાવ્યું કે, આ માત્ર પથ્થરની કલાકૃતિ નથી, પણ બંને દેશોને જોડતો સેતુ છે.