નવી દિલ્હીઃ ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ જણાવ્યું હતું કે તાજેતરમાં તેમને ડીએનએ પરીક્ષણથી ખબર પડી છે કે તેઓ ભારતીય મૂળના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમના સન્માનમાં યોજેલા સમારંભમાં તેમણે આ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મારો જિનેટિક સિકવન્સિંગ ટેસ્ટ અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, આ પરીક્ષણ કહે છે કે હું ભારતીય મૂળ ધરાવું છું. દરેક જણ જાણે છે કે હું જ્યારે ભારતીય સંગીત સાંભળું છું ત્યારે નાચવા લાગું છું. મારો પગ આપોઆપ ગીતનો જાણે તાલ પાડતા હોય તેમ થિરકે છે.
આ બધુ ચોક્કસપણે મારા ભારતીય જીન્સનો ભાગ હોઈ શકે છે. તેમની આ વાતે વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા.
પ્રમુખ સુબિયાન્તોએ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ પર ભાર આપતા કહ્યું હતું કે અમારી ભાષાનો નોંધપાત્ર હિસ્સો સંસ્કૃતમાંથી આવ્યો છે. આજે પણ કેટલાય ઇન્ડોનેશિયન નામો સંસ્કૃતમાં છે. અમારા દૈનિક જીવનમાં પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અસર આજે પણ પહેલા જેટલી જ મજબૂત છે. તેમણે બન્ને દેશો વચ્ચેના સાંસ્કૃતિક જોડાણ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં ઇન્ડોનેશિયન મંત્રીઓએ લોકોનું દિલ જીતી લીધું. આ સમારંભમાં ઉપલબ્ધ લોકો ત્યારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા જ્યારે તેમણે બોલિવૂડનું લોકપ્રિય ગીત ‘કુછ કુછ હોતા હૈ...’ ગાયું હતું. આ જોયાં પછી ઇન્ટરનેટ યુઝર્સ પણ મહેમાનોની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ 1998માં રિલીઝ થઈ હતી. તેનું થીમ સોંગ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે ગાયું હતું.