ભુજઃ મારી સાથે નવ નરાધમોએ એક વર્ષ દરમિયાન ૪૦થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે શાંતિલાલે તો મારી સાથે ૨૪ વખત દુષ્કર્મ રૂપી અત્યાચાર ગુજાર્યો છે. પીડિતાએ સાથે કહ્યું કે શાંતિલાલના નેતૃત્વ હેઠળની ૬૫ લોકોની ટોળકીએ ૩૫-૪૦ નહીં, પણ ૪૫ યુવતીઓને ફસાવી તેમની પર દુષ્કર્મ આચર્યું હતું. શાંતિલાલ મારો અશ્લીલ વિડીયો બતાવી પિસ્તોલની અણીએ અન્ય આઠ સાથે મોકલતો જેમાં દરેક વખતે બબ્બે શખ્સોને જબરદસ્તી સંભોગ કરવા મજબુર કરાતી હતી તેવી હૈયાવેદના સાથે નલિયા ગેંગરેપની પીડિતાએ ૧૦ ફેબ્રુઆરીએ પ્રથમ વખત ઘટસ્ફોટ કર્યો હતો. દુષ્કર્મીઓના પાપાચારની કોઇના પણ રૂંવાડા ખડા થઇ જાય તેવી પીડિતાની કહાનીએ સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આપ્યો છે.
પોલીસે અત્યાર સુધીમાં જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ૬૭ વર્ષના વૃદ્ધ વિનોદ વિશનજી ભીંડે ઉર્ફે બબ્બો શેઠ ઠક્કર, તેનો પુત્ર ચેતન ઠક્કર, નખત્રાણાનો અશ્વિન આર. ઠક્કર, શાંતિલાલ દરજી, ભરત દરજી, ગોવિંદ પારુમલાણી, અજિત રામવાણી, વસંત ભાનુશાળી વગેરેનો સમાવેશ થાય છે.
પીડિતાએ ૧૨ ફેબ્રુઆરીએ મીડિયા સમક્ષ આવી અનેક મુદ્દે ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. પોતાના ચરિત્ર અંગે સવાલો ઉઠાવનારાં પૂર્વ પતિ કલ્પેશ મોમાયા સાથે થયેલાં છૂટાછેડા અંગે તેણે જણાવ્યું કે, ‘તેને પહેલાંથી જ કલ્પેશ ગમતો નહોતો. માતા પિતાએ તેની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતા. એટલે જ તેના ઘરે રોકાવાના બદલે તે માવતરે પાછી જતી રહી હતી. કલ્પેશને લગ્નના માત્ર પંદર દિવસમાં જ છૂટાછેડા આપી દીધા હતા. તે સમયે તેણે લગ્નમાં મળેલાં તમામ દાગીના-ચીજવસ્તુ પરત કરી બધું કાગળ પર લખી આપ્યું હતું. કલ્પેશની એક બહેન હૈદરાબાદ રહે છે અને તે ભાજપ સાથે જોડાયેલી છે. એટલે તેની બહેનના માધ્યમથી કોઈક ભાજપવાળાએ જ તેને ઊભો કર્યો હોવાની શંકા છે. મારા ચરિત્ર પર આંગળી ઉઠાવનારાં કલ્પેશ અને તેને ઊભો કરનારાંને બે દિવસની અંદર હું મારી મારીને એલસીબીની ઓફિસ લઈ જઈશ.’
પીડિતાએ ખુલાસો કર્યો છે કે, શાંતિલાલ સોલંકીએ મળવા બોલાવીને કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે મોબાઈલમાં વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. આ વીડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકીને વશ થઈ તે આપઘાત કરવા મજબૂર બની હતી. મુંબઈના નાલાસોપારાના ફ્લેટમાં તેણે આપઘાત પૂર્વે પિતાને સંબોધી સ્યુસાઈડ નોટ લખી હતી, પરંતુ તેના પતિએ તેને બચાવી લીધી હતી. સ્યુસાઈડ નોટમાં તેની આપવીતી વાંચીને પતિએ તેને મક્કમતાથી આરોપીઓ સામે લડત કરવા મદદ કરી હોવાનું પીડિતાએ જણાવ્યું છે.
‘હવે લડી લડીને જ મરવું છે’ તેવો નિર્ધાર વ્યક્ત કરી પીડિતાએ ગંભીર આરોપ કરતાં જણાવ્યું કે, ‘કેસ ના કરવા માટે જયંતી ડુમરાવાળા નામના શખ્સે ન્યુ મુંબઈ વાસી ભરત નામના શખ્સને તેના માતા પિતા પાસે મોકલ્યો હતો. ભરતે એક કરોડ રૂપિયા આપવા સુધીની લાલચ આપી હતી.’
‘શાંતિલાલે પાપાચાર શરૂ કર્યો’
પીડિતાએ આ પૂર્વે ૧૦ ફેબ્રુઆરીએ અચાનક ભુજમાં આવી તેની સાથે એક વર્ષ દરમિયાન આચરાયેલ પાપાચારની ઘટનાનો રૂંવાડા ઊભા કરી દે તેવો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં ૧૫ નવેમ્બર ૨૦૧૬ના રોજ શાંતિલાલ સોલંકીએ વાઇટ હાઉસના નામે ઓળખાતા બંગલામાં પાપાચારની શરૂઆત કરી હતી. શાંતિલાલે એક વર્ષ દરમિયાન સમયાંતરે ૨૪ વખત મને હવસનો શિકાર બનાવી હતી. શાંતિલાલ મને મારો ઉતારેલો અશ્લીલ વિડીયો અને પિસ્તોલની અણીએ અશ્વિન, ગોવિંદ સહિતના આઠ સાથીઓ સાથે સંબંધ બાધવા મજબૂર કરાતી હતી. પછી તે કાર હોય, ફોર્મ હાઉસ કે પછી બંગલો... દરેક વખતે બે બે વ્યક્તિઓની સાથે સુવું મારી મજબુરી બની ગઇ હતી.
શાંતિલાલ મને એસટી બસમાં બેસાડતો હતો જ્યારે વસંત કે ગોવિંદ કારમાં મને હોલી ડે હોટેલ, ફાર્મ હાઉસમાં લઇ જતા હતા. છેલ્લા એક વર્ષથી મારા શરીરના એક અંગને પણ છોડનાર દુષ્કર્મીઓને આકરામાં આકરી સજા થવી જોઇએ જેથી અન્ય મા-દીકરીઓની ઇજ્જત જળવાઇ રહે. અને મને જો ન્યાય નહી મળે તો કોર્ટ વચ્ચે ઝેરી દવા પીને જીવન ટુંકાવી દઇશ.
ઉપર આભ નીચે ધરતી
દુષ્કર્મીઓનું પાપજાને પીડિતા ભોગવી રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ઘટના જાહેર થયા બાદ તેની પતિની નોકરી ચાલી ગઇ અને જે સોસાયટીમાં રહેતી હતી ત્યાંના પડોશીઓએ પોલીસ વધુ આવતી હોવાનું કહી તેને દોષી માનીને મકાન ખાલી કરાવી દેતા આજે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં મુકાઇ છે. સમાજે તેને સાથ આપવા અપીલ કરી હતી.
FIRના પાના ખૂટી પડે
પીડિતાએ એફિડેવીટ અને એફઆરઆઇમાં બીજી ૩૫થી ૪૦ યુવતીઓ ફસાવાઇ હોવાનું કહ્યું હતું, પરંતુ શુક્રવારે એક અખબાર સાથેની વાતચીતમાં નવો ધડાકો કરતાં પીડિતા, તેના પતિ તથા તેને ટેકારૂપ બનેલા ગુમનામ બાબાએ જણાવ્યું હતું કે, ૩૫-૪૦ નહીં, ૪૫ યુવતીઓને દુરાચારી ટોળકીએ ફસાવી હતી. જેની ઓળખ અને માહિતી બહાર આવવાની બાકી છે એવા શાંતિલાલ સોલંકીની ‘આગેવાની’ તળેની ૬૫ શખ્સોના ગ્રૂપે ૧૨ મહિનામાં જેટલી વાર યુવતીઓ સાથે સામે દુષ્કર્મ આચર્યું છે પ્રત્યેકની અલગ-અલગ ફરિયાદ નોંધાય, તો એફઆરઆઇના પાના ખૂટી પડે. એક એફઆરઆઇ રજિસ્ટરમાં ૧૦૦ જેટલા પાના હોય છે. એકલી નલિયાની પીડિતા સાથે ૫૦થી વધુ વખત વિકૃતિપૂર્વક દુરાચાર આચરાયો હતો.
અતુલ રોજના ત્રણ લાખ કમાતો
ભુજના લોહાણા ભવનમાં રસોડું ચલાવતો અતુલ ઠક્કર ૪૫ યુવતીઓવાળા મેગા સેક્સ રેકેટમાં રોજના ત્રણ લાખ રૂપિયા રળતો હોવાની સનસનીખેજ વાત પીડિતાએ કરી હતી. તેના જણાવ્યા પ્રમાણે, હોટેલ કે ફાર્મ હાઉસમાં એક વખત, એક છોકરીને મુકવાના અતુલ રૂા. ૧૭૦૦૦ લેતો હતો. તેની વાતચીત પરથી જાણવા મળ્યું હતું કે, તેની રોજની કમાણી ત્રણ લાખ છે અને રૂપિયા તે હવાલાથી ક્યાંક મોકલતો હતો. જો પોલીસ એ દિવસોમાં પણ તપાસ આગળ ધપાવે તો હવાલા લેનાર કોણ (એ સામાન્ય માણસ તો નહીં હોય) તેનું નામ ખૂલવાની શક્યતા તેણે બતાવી હતી.
ફાર્મ હાઉસમાં શરાબ-શબાબની પાર્ટીઓ
૪૫ યુવતી અને ૬૫ શખ્સોની ગેંગના રાજ્યના સૌથી મોટા સેક્સકાંડમાં પ્રથમ વખત મોથાળા વિસ્તારના એક ફાર્મ હાઉસનું નામ બહાર આવ્યું છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે મોથાળા ચાર રસ્તાથી ફંટાતા એક માર્ગ પર કોઇનું ફાર્મ હાઉસ છે, ત્યાં ૪૫ પૈકીની યુવતીઓને ‘મોજમજા’ માટે સપ્લાય કરાતી હતી, ત્યાં દારૂની છોળ પણ ઉડતી. જાણે સ્થળ શરાબ-શબાબનો અડ્ડો હતો. જોકે, ફાર્મ કોનું છે તે પીડિતાને ખબર નથી, પણ પોલીસ નિષ્ઠાથી તપાસ કરે તો વધુ મોટા માથાના નામ ખૂલશે.
આઇ કાર્ડ ગોવિંદે આપ્યું હતું: પીડિતા
ભાજપના સ્થાપક દીનદયાલ ઉપાધ્યાયની તસવીર સાથેના કાર્ડે રાજકીય ભૂકંપ સર્જયો છે ત્યારે પીડિતાએ મુદ્દે પડદો ઊંચક્યો છે. જેમાં તેના શબ્દોમાં કહીએ તો શાંતિલાલની સૂચનાથી વીડી હાઇસ્કૂલ નજીક બસમાંથી ઉતરી હતી તે સમયે અહી હાજર ગાંધીધામ શહેર ભાજપનો મહામંત્રી એવા ગોવિંદભાઇએ મને કાર્ડ આપ્યું હતું. અને માધાપરની રોયલ પેલેસમાં લઇ જઇશ તો એન્ટ્રી મળી જશે તેવી વાત કરી કારમાં સાથે બેસાડીને લઇ ગયો હતો.
•••
દિવસે સંયમની વાતો અને રાત્રે પાપાચાર?
૧૫, ૧૬ અને ૧૭ જુલાઇ ૨૦૧૬ના ભુજ તાલુકાના માધાપરમાં યક્ષ મંદિરના પ્રાંગણમાં પ્રદેશ ભાજપના આદેશાનુસાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય શિક્ષણ મહાઅભિયાન યોજાયું હતું. જેમાં પણ નલિયા દુષ્કર્મકાંડ આભડી ગયો હોવાનું ચિત્ર ઉભું થઇ રહ્યું છે. પ્રશિક્ષણ વર્ગમાં કેટલાક શોખીન નેતાઓએ સવારે જાહેર જીવનમાં સંયમિત રહીને પક્ષને મજબૂત બનાવવાની વાતો કરી હતી કે સાંભળી હતી અને રાત્રે તેમના સ્થાનિક મનાતા વચેટિયાઓ દ્વારા ગાંધીધામ જેવા સેન્ટર્સમાં યુવતીઓ સાથે શરીરી સુખ સુદ્ધાં માણ્યું હોવાનું જોરશોરથી ચર્ચાવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મકાંડમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગના કાર્ડ પર યુવતીઓના ફોટા મૂકાયા હતા અને જે યુવતીઓ પાસે આવા કાર્ડ હોય તેમને કોઇ રોકટોક વિના નેતાઓ સુધી પહોંચવાની સરળતા ઉભી થતી હોવાનું પ્રકરણમાં અગાઉ પણ બહાર આવી ચૂક્યું છે. આંતરિક રાજકીય સુત્રોનું માનીએ તો તે વખતે નલિયાકાંડના જાણે બીજ રોપાઇ ગયા હતા અને તેનો ગેરલાભ તેમાં હાજર રહેતા કેટલાક ભાજપીઓએ ઉઠાવ્યો હતો.
દિવાળી વખતે જાણ થઇ હતીઃ સાંસદ
રાજ્યભરમાં ગાજેલા દુષ્કર્મકાંડમાં ભાજપના નેતાઓ સામે સંડોવણીના આક્ષેપો થઈ રહ્યા છે તેવામાં ૧૦ ફેબ્રુઆરીએ કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે આ ઘટના દિવાળી સમયે એટલે કે ત્રણ માસ પહેલાં તેમના ધ્યાનમાં આવી હતી અને ફરિયાદ માટે સૂચના આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. વકીલને કોઈ ભલામણ નહીં ચલાવવા અને જો દુષ્કર્મકાંડની વિગતો આવે તો પોલીસ વડાને તે સમયે ફરિયાદ લેવાની સૂચના આપી હોવાની જાણ ચોંકાવનારી વાત માધ્યમો સમક્ષ મૂકી હતી.
રાજકીય વિરોધીઓના આ કૃત્યને તેમણે વખોડ્યું હતું અને તેમની સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું. ચાવડાએ ઉમેર્યું કે, વકીલ અને આરોપીના સગાને મળી તે સ્પષ્ટતા કરાઈ હતી કે આમાં કેસને દબાવવાની તેમણે કોઈ ભલામણ કરી નથી.