નવી દિલ્હી: સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લઇને ઇતિહાસ રચનારા નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું હતું, ‘મારું એક માત્ર લક્ષ્યાંક છે ‘રાષ્ટ્ર પ્રથમ’ અને એક માત્ર પ્રેરણા છે ‘વિકસિત ભારત’. મારા જીવનની દરેક પળ દેશ માટે છે. 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા આકરી મહેનત કરવા પ્રતિબદ્ધ છું.’ સોમવારે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) ટીમને સંબોધતા તેમણે આ શબ્દો કહ્યા હતા.
રવિવારે 71 સભ્યોના પ્રધાનમંડળ સાથે શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ બીજા જ દિવસે સાથીદારોને મંત્રાલયની ફાળવણી કરી દીધી હતી. પક્ષના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ (સંરક્ષણ), અમિત શાહ (ગૃહ), એસ. જયશંકર (વિદેશ બાબતો), નિર્મલા સીતારમન (નાણાં) વગેરેના મંત્રાલયો જૈસે થે રાખ્યા છે. તો એનડીએના સાથી પક્ષોને પણ પૂરતું મહત્ત્વ મળી રહે તેની વિશેષ કાળજી લીધાનું સ્પષ્ટ જણાય છે.
મતદારોએ ભાજપને સ્પષ્ટ બહુમતી આપી ન હોવાથી મહત્ત્વના મંત્રાલયોની ફાળવણીમાં એનડીએના સહયોગીઓમાં ખેંચતાણ થઇ શકે છે તેવી તમામ આશંકા અત્યારે તો ખોટી પુરવાર થઇ છે. અલબત્ત, એનસીપીએ તેને રાજ્યકક્ષાનું મંત્રાલય ફાળવાયું હોવાના મુદ્દે અસંતોષ વ્યક્ત કરીને મોદી સરકારમાં જોડાવાનું ટાળ્યું છે.
સોમવારે કાર્યભાર સંભાળતા જ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિનો રૂ. 20 હજાર કરોડનો 17મો હપ્તો જારી કર્યો હતો. બાદમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી આવાસે યોજાઈ હતી. વડાપ્રધાનના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં ગરીબ આવાસ યોજના અંતર્ગત ચાર કરોડ મકાનોના નિર્માણ સહિત અનેક મહત્ત્વના નિર્ણય લેવાયા હતા.
ગુજરાતને છ મંત્રાલય
ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદો પૈકી છએ પ્રધાનમંડળમાં સ્થાન મેળવ્યું છે. જેમાં અમિત શાહ (ગૃહ), એસ. જયશંકર (વિદેશ બાબતો), મનસુખ માંડવિયાને શ્રમ-રોજગારી અને યુવક બાબતો તથા રમતગમત મંત્રાલય ફાળવાયા છે. સી.આર પાટીલને જળશક્તિ મંત્રાલયનો કાર્યભાર સોંપાયો છે તો જે.પી. નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળશે. જ્યારે નીમુબેન બાંભણિયાને ગ્રાહક બાબતો તેમજ ફૂડ અને જાહેર પુરવઠા ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા છે.