મુંબઈઃ કેનેડિયન પોપ સ્ટાર જસ્ટિન બીબરે તેની પર્પઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે બુધવારે રાત્રે નવી મુંબઇમાં ધમાકેદાર પર્ફોર્મન્સ રજૂ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. ભારતમાં પોતાનો પ્રથમ કોન્સર્ટ રજૂ કરી રહેલા પોપ સ્ટારે ગાવાનું શરૂ કર્યું કે તે સાથે જ દર્શકોએ તેના સૂરમાં સૂર મિલાવ્યો હતો. બીબરે કોન્સર્ટની શરૂઆત ચાર્ટમાં ટોચ પર રહેલા ગીત ‘માર્ક માય વર્ડ્સ...’થી કરી હતી. આ ગીત તેના લેટેસ્ટ આલ્બમ પર્પઝનું છે. કાળા રંગની શોર્ટ્સ અને સફેદ ટી-શર્ટમાં આવેલા ૨૩ વર્ષના કેનેડિયન ગાયકે સ્ટેજ પર એન્ટ્રી કરી ત્યારે ચાહકોએ તેને ઉમળકાભેર વધાવી લીધો હતો. યુવા દિલોની ધડકન એવા બીબરે ૯૦ મિનિટના પર્ફોર્મન્સમાં ૨૧ ગીતો રજૂ કર્યા હતા.
બીબરે બીજું ગીત ‘વ્હેર આર યુ નાઉ...’ ગીત ગાયું હતું. જેમાં તેની સાથે ડાન્સ ટ્રૂપ પણ પર્ફોર્મ કર્યું હતું. ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ઉમટેલા હજારો દર્શકોને સંબોધતા તેણે કહ્યું હતું કે આજની રાત કેટલી સુંદર છે, અહીં પર્ફોર્મ કરવા બદલ સન્માનની લાગણી અનુભવું છું. યુ ગાયઝ આર કુલેસ્ટ... પોપ સ્ટારના આ શબ્દોને ચાહકોએ ચિચિયારીઓથી વધાવી લીધા હતા. ફેન્સને ટૂંકા સંબોધન બાદ તેણે ‘આઇ વીલ શો યુ...’ ગીત રજૂ કર્યું હતું. કોન્સર્ટમાં તેણે ચોથું ગીત ફીલીંગ અને પછી બોયફ્રેન્ડ ગીત રજૂ કર્યું હતું.
બીબરની એન્ટ્રી સાથે રોમાંચનું મોજું
કેનેડિયન પોપ સ્ટારે નિર્ધારિત સમય મુજબ આઠના ટકોરે સ્ટેજ પર એન્ટ્રી કરતાં જ કલાકોથી તેનો અવાજ સાંભળવા અને તેની ઝલક જોવા તલપાપડ થઈ રહેલા દર્શકોમાં રોમાંચની લાગણી પ્રસરી ગઈ હતી. બીબરના દોઢ કલાકના પરફોર્મન્સ પૂર્વે અન્ય સાથી કલાકારોએ દર્શકોનું મનોરંજન પૂરું પાડયું હતું.
૪૫ હજારથી વધુ પ્રેક્ષકો
નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગ્યાથી શરૂ થનારા કાર્યક્રમને માણવા માટે બપોરે બે વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રેક્ષકોનો પ્રવેશ શરૂ થઇ ગયો હતો. શોની ટિકિટ ચાર હજારથી રૂ. ૭૭ હજાર સુધીની હતી. ટિકિટનો એક સ્લોટ એક લાખ રૂપિયાથી વધુનો હતો. સ્ટેડિયમમાં ૪૫ હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બીબરના આ શોની સુરક્ષા માટે સ્ટેડિયમની આસપાસ ૨૫ પોલીસ અધિકારી, ૫૦૦ પોલીસ કર્મચારી અને ૧૨૦૦ ખાનગી સુરક્ષા ગાર્ડ તહેનાત રાખવામાં આવ્યા હતા. બીબરના શોને 'હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ' ફિલ્મમાં ઝળકેલી અભિનેત્રી એરિલિકા જ્હોન્સને હોસ્ટ કર્યો હતો. એરિલિકા જ્હોન્સન ખુદ પણ બીબરની ચાહક છે.
૬૦૦ મુવિંગ લાઈટ્સ અને એલઈડીવાળું સ્ટેજ
જસ્ટિન બીબરના શો માટે ડી. વાય. પાટીલ સ્ટેડિયમના મુખ્ય સ્ટેજ પર અધધધ ૬૦૦ મુવિંગ લાઈટ્સ અને ૩૦૦ ચોરસ મીટરના એલઈડી ડિસ્પ્લે લગાવાયા હતા. બાંદરા, અંધેરી અને જુહુથી સ્ટેડિયમ સુધી જવા માટે પાર્ટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં જાદુગર, કરાઓકે સેશન, કોમેડિયન અને ક્વીઝ ગેમની સુવિધા રાખવામાં આવી હતી. સ્ટેડિયમમાં રહેવાની પણ સગવડતા રાખવામાં આવી છે. બહારગામથી આવનારા લોકો માટે રાહતના દરે વિમાનની ટિકિટો ઓફર કરવામાં આવી હતી. બીબરની જેમ પ્રેક્ષકો પણ હેલિકોપ્ટર દ્વારા સ્ટેડિયમ સુધી પહોંચી શકે એવી સુવિધા કરાઈ હતી. મહાલક્ષ્મી રેસકોર્સથી આ સુવિધા હતી.
કોન્સર્ટ દરમિયાન પ્રોફેશનલ ફોટોગ્રાફી પર પ્રતિબંધ હતો, પરંતુ મોબાઈલ ફોન લઈ જઈ શકાતા હતા. ૧૨ વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ નહોતો અપાયો. કાંડા પર રિસ્ટ બેન્ડ બાંધવામાં અવાતા હતા. તેમજ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી બહાર જવાની પરવાનગી નહોતી. જસ્ટિન બીબરના ફેન માટે સ્પેશ્યલ ફેન પિટ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ૩૫૦ પ્રેક્ષકો તેને એકદમ નજીકથી પર્ફોર્મ કરતો નિહાળી શકે એવી સુવિધા હતી.
કેનેડામાં જન્મ, વિશાળ ચાહકવર્ગ
માત્ર ૧૪ વર્ષની વયથી 'બેબી બેબી..' ગીત સાથે યુટયુબ મારફત જગવિખ્યાત બનેલા જસ્ટિનનો જન્મ કેનેડામાં ૧૯૯૪માં થયો છે. ટ્વીટર પર તેના નવ કરોડ, ૩૪ લાખ ૪૨ હજાર કરતા વધુ ફોલોઅર્સ છે. એક સમયે બીબર સાથે સેલ્ફી લેવી હોય તો ૨૦૦૦ ડોલર એટલે કે એક લાખથી વધુ રૂપિયા ખર્ચ કરવા પડતા હતા. જસ્ટિને અનેક ગ્રેમી એવોર્ડ પણ મેળવ્યા છે. એટલું જ નહીં જગપ્રસિદ્ધ ફોર્બ્સના માસિકમાં ત્રણ વાર વિશ્વની શક્તિશાળી સેલિબ્રિટી તરીકે સ્થાન મેળવ્યું છે. અંડર-૩૦ની યાદીમાં પણ તેને સ્થાન આપ્યું હતું. ૨૦૧૬માં તેને સેલિબ્રિટીઓની યાદીમાં ૨૬મો રેન્ક અપાયો હતો.
જસ્ટિનને એસ્કોર્ટ કરતો શેરા
વિશ્વ વિખ્યાત પોપ સિંગર જસ્ટિન બીબર પર્પઝ વર્લ્ડ ટુરના ભાગરૂપે મંગળવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યાના સુમારે મુંબઈ એરપોર્ટ પર આવી પહોચતાં જ ચાહકોએ તેને જોઈને હર્ષોલ્લાસથી આકાશ ગજાવી મૂક્યું હતું. ગુલાબી હુટર અને કાળા રંગની કેપ્રીમાં સજજ બીબર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ આઠમાંથી બહાર આવ્યો હતો. સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને તેની સલામતીની જવાબદારી સોંપાઇ હતી. શેરાની ટીમે તેને એરપોર્ટ પરથી લોઅર પરેલમાં આવેલી હોટેલ સુધી તેને એસ્કોર્ટ કર્યો હતો.
માઈકલ જેક્સનની યાદ તાજી થઇ
બીબરની મુંબઈની મુલાકાત સાથે જ ૧૯૯૬માં પોપસ્ટાર માઈકલ જેક્સની મુંબઈની મુલાકાત લોકોમાં તાજી થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધી મેળવી ચૂકેલા માઈકલ જેક્સન બાદ બીબર જ મોટો પોપ સ્ટાર છે, જે મુંબઈ આવ્યો છે. એરપોર્ટથી હોટેલ જવા રવાના થયેલા જસ્ટિને રસ્તામાં ઝૂંપડપટ્ટીના બાળકો સાથે થોડો સમય વિતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માઈકલ જેક્સને પણ એ વખતે એરપોર્ટની બહાર કાફલો અટકાવીને ઝૂંપડપટ્ટીના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. માઈકલ જેક્સન જ્યારે મુંબઈ આવેલો ત્યારે બીબર માત્ર બે જ વર્ષનો હતો. માઈકલ જેક્સનનો કાર્યક્રમ યોજવા પાછળ એ વખત સત્તા પર રહેલી શિવ સેનાએ મહત્ત્વની ભૂમિકા નીભાવી હતી.
અવ્યવસ્થાનો કડવો અનુભવ
જોકે પર્ફોર્મન્સની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં કલાકો પૂર્વેથી જ પ્રવેશી ચૂકેલા દર્શકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો અને ખાણીપીણીની ચીજવસ્તુઓ માટે ઊંચી કિંમત ચૂકવવી પડી હતી. વ્યવસ્થાઓ અને સુવિધા અત્યંત નબળી હોવાનો લોકોને અનુભવ થયો હતો. એક જ પ્રકારની ટિકિટ હોવા છતાં પ્રશંસકોને જુદી જુદી શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. એક મહિલા તેના બાળકોથી વિખૂટી પડી ગઈ હતી અને ફોનના નેટવર્ક પણ જામ થઈ જતાં સંપર્ક કરવો મુશ્કેલ થયો હતો. વેન્યુમાં કોઈ પણ કુપન, બિલ કે રસીદ આપ્યા વિના ખાવાપીવાની સામગ્રી ઊંચી કિંમતે વેચવામાં આવી રહી હતી. કચરાપેટીના અભાવને લીધે પ્રવેશ દ્વાર પાસે કચરા વેરાયેલા જોવા મળતા હતા.