વિજય માલ્યાને ભારતહવાલે કરોઃ ગૃહ વિભાગનો આદેશ

Wednesday 06th February 2019 05:12 EST
 
 

લંડનઃ ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતીય બેન્કો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા (એક બિલિયન પાઉન્ડ)ની લોન લઈને પરત કર્યા વિના યુકે નાસી ગયેલા વિજય માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ કરવા બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી છે. હોમ સેક્રેટરી સાજિદ જાવિદે વિજય માલ્યાને ભારતને સોંપવાનો સત્તાવાર આદેશ સોમવારે જારી કર્યો હતો. હુકમમાં જણાવાયું છે કે ૬૩ વર્ષીય બિઝનેસમેન ‘ભારતમાં છેતરપિંડીના ષડયંત્ર, ખોટી રજૂઆતો અને મની લોન્ડરિંગ કેસોમાં આરોપી છે.’
ફોર્સ ઈન્ડિયા ફોર્મ્યુલા વન ટીમના પૂર્વ માલિક અને કિંગફિશર એરલાઈન્સ અને બીઅરના મલ્ટિમિલિયોનેર ચેરમેન માલ્યાએ આ મુદ્દે જણાવ્યું છે કે તેઓ હોમ સેક્રેટરીના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરશે. યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માલ્યા પાસે ૧૪ દિવસનો સમય છે.
ભારતીય વિદેશ મંત્રાલયે યુકે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતુંઃ અમને વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણના આદેશ પર યુકે હોમ સેક્રેટરી દ્વારા હસ્તાક્ષર કરવાની માહિતી મળી છે. અમે યુકે સરકારના નિર્ણયને આવકારીએ છીએ. સાથે અમે તેના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા વહેલી તકે પૂરી થવાની રાહ જોઈ રહ્યા છીએ.
અગાઉ વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં કેસમાં માલ્યાએ ભારતની જેલોમાં પાયાની સુવિધાના અભાવ અને તેનાથી માનવ અધિકારોના ભંગની દલીલો કરી હતી. તેથી કોર્ટે જેલનો વીડિયો મંગાવ્યો હતો. ભારતના સત્તાવાળાએ માલ્યાને મુંબઇની આર્થર રોડસ્થિત જે જેલમાં માલ્યાને રાખવાનો છે તેનો વીડિયો મોકલ્યો હતો. જજે ચુકાદામાં કહ્યું હતું કે જેલ માલ્યાને રાખવા માટે યોગ્ય છે. હવે માલ્યાને આ જેલમાં જ રાખવામાં આવી શકે છે.

અપીલની પ્રોસેસ શરૂ કરીશઃ માલ્યા

હર્ટફોર્ડશાયરના શાંત ટેવિન ગામમાં ૧૧.૫ મિલિયન પાઉન્ડની કિમતના વૈભવી મેન્શનમાં રહેતા માલ્યાએ ટ્વીટ કર્યું હતું કે, ‘હોમ સેક્રેટરીના નિર્ણય પહેલા હું અપીલની કાર્યવાહી કરી શકતો ન હતો. હવે હું અપીલની પ્રોસેસ શરૂ કરીશ.’ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના જજે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે ચુકાદો આપ્યો ત્યારે જ મેં અપીલનો ઈરાદો જાહેર કર્યો હતો.’ યુકેમાં બે અતિ વૈભવી પ્રોપર્ટી ધરાવતા માલ્યા પાસે ગયા વર્ષ સુધી બે સુપરયોટ્સ પણ હતી.
સીનિયર ડિસ્ટ્રિક્ટ જજ એમા આર્બુથ્નોટે ચુકાદામાં જણાવ્યું હતું કે વિજય માલ્યાએ ભારતીય બેન્કો પાસેથી લીધેલી લોન્સના ઉપયોગ અંગે ખોટી રજૂઆતો કરી હતી. તેમણે માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ કરવાની પરવાનગી આપવા સાથે નિર્ણય હોમ સેક્રેટરી પર છોડ્યો હતો. જજ આર્બુથ્નોટે માલ્યાને ‘ગ્લેમરસ, ભપકાદાર, પ્રસિદ્ધ, ઝવેરાતથી લદાયેલા, બોડીગાર્ડ્સથી ઘેરાયેલા, દેખાવથી બિલિયોનેર પ્લેબોય, જેમણે પોતાના જાદુથી આ બેન્કરોને તેમની કોમન સેન્સ ગિરવી મૂકી અને નીતિનિયમોને એક બાજુએ રાખવા ભરમાવનાર’ તરીકે વર્ણવ્યા હતા.

પ્રત્યાર્પણમાં સમય લાગી શકે

૬૩ વર્ષીય માલ્યાનો કેસ અત્યાર સુધી લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ચાલી રહ્યો હતો. જ્યાં તેની હાર થઇ હતી અને માલ્યાને પરત ભારત મોકલવાનો નિર્ણય કોર્ટે સરકાર પર છોડયો હતો. જેને પગલે હવે સરકારે આ મામલે લીલી ઝંડી આપી દીધી છે અને માલ્યાના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ કરી દીધો છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રવિવારે હોમ સેક્રેટરીએ વિજય માલ્યાના પ્રત્યાર્પણના દસ્તાવેજો પર સહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક મુદ્દાઓ પર ધ્યાન આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૬માં ભારત છોડી બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાને હવે વહેલી તકે ભારત લાવવામાં આવી શકે છે.
જોકે આ સ્થિતિ વચ્ચે પણ માલ્યા પાસે હજુ બ્રિટનની સર્વોચ્ચ કોર્ટમાં અપીલનો વિકલ્પ છે. જો અપીલ કોર્ટમાં માલ્યાની અરજીને ફગાવાય તો તેને ભારત પરત લવાશે. જોકે, બ્રિટિશ કોર્ટ પણ અંતે નિર્ણય સરકાર પર છોડતી હોય છે તેથી હવે માલ્યાને ભારત લાવવામાં કોઇ વધુ અડચણો નડે તેવી શક્યતાઓ નથી. આમ છતાં, પ્રત્યાર્પણ પ્રક્રિયામાં મહિનાઓથી માંડીને એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે.

રૂ. ૧૩ હજાર કરોડની સંપત્તિ જપ્ત

ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં મોસ્ટ વોન્ટેડ અને ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યાએ આક્ષેપ લગાવ્યો છે કે તે કહેવાતા ૯૦૦૦ કરોડ રૂપિયા સાથે ભાગી ગયો હોવાના આરોપોની સામે તેની ભારતસ્થિત રૂ. ૧૩ હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે. ડેટ રિકવરી ટ્રિબ્યુનલ દ્વારા તેની સંપતિને ટાંચમાં લેવા સામે તેણે આ ક્યાં સુધી આગળ વધશે? શું આ ન્યાયી કે વાજબી છે? તેવા પ્રશ્ન ઉઠાવ્યા હતા. માલ્યાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેં જેટલી લોન લીધી હતી તેના કરતાં વધુ મારી સંપત્તિને જપ્ત કરી લેવાઈ છે.
પ્રત્યાર્પણ કાર્યવાહી સામે કાનૂની યુદ્ધ લડી રહેલા માલ્યાએ ૯૭૭ મિલિયન પાઉન્ડના દેવાં સાથે ભારતથી નાસી છૂટ્યો હોવાના દાવા વાહિયાત ગણાવ્યા હતા. માલ્યાએ એમ પણ જણાવ્યું હતું કે તેણે દેવાંની તમામ રકમ ચુકવી દેવાની બીનશરતી ઓફર પણ જુલાઈ ૨૦૧૮માં કરી હતી. હું વ્યાજ સિવાયની તમામ રકમ પરત કરવા તૈયાર છું.
તેણે અગાઉ કહ્યું કે મને રાજકારણનો શિકાર બનાવાયો છે. ઈડી અને સીબીઆઈએ મારા પર ખોટા આરોપ મુક્યા છે. માલ્યા વિરુદ્ધ ભારતની સરકારી બેન્કોને પોતાની નબળી પડેલી કિંગફિશર એરલાઈનના સારા ભાવિ વિશે ગેરમાર્ગે દોરી મેળવેલી લોન્સનો ઉપયોગ તેમની ફોર્મ્યુલા વન ટીમ અને અન્ય પ્રોજેક્ટ્સને નાણાં પૂરા પાડવા માટે કર્યાના આક્ષેપ છે.

સંપત્તિ મુખ્યત્વે પરિવારના નામે

મની લોન્ડરિંગ, લોન ડિફોલ્ટ તેમજ બેંકોની બાકી રહેલી લોન મામલે કેસ હારી ગયેલો માલ્યા પોતાની સંપત્તિ સોંપી દેવા તૈયાર છે. તેમણે તપાસ એજન્સી પાસે સમય, તારીખ અને જગ્યાની માગણી કરી હતી. માલ્યાએ કહ્યું હતું કે તે પોતે આવીને તપાસ એજન્સીઓને બ્રિટનસ્થિત સંપત્તિ સુપરત કરી દેશે. જોકે, તેની પાસે બ્રિટનમાં વધુ મિલકત નથી. બ્રિટનની મોટાભાગની સંપત્તિ તેના પરિવારજનોના નામે છે.
માલ્યાએ આપેલી માહિતી પ્રમાણે તેનું લંડનસ્થિત ઘર તેમજ બ્રિટનનું કન્ટ્રી રેસિડન્ટ પરિવારજનોના નામે છે, જેને તપાસ એજન્સીઓ અડી પણ શકે તેમ નથી. માલ્યાએ વધુમાં કહ્યું હતું કે તેના નામ પર કેટલીક કાર અને જ્વેલરીની થોડીક આઇટમ્સ છે. કોર્ટના આદેશ પ્રમાણે તે આ તમામ વસ્તુ આપવા તૈયાર છે. કોર્ટના આદેશ પ્રમાણે તેના નામ પર જેટલી સંપત્તિ હોય એ જપ્ત કરી શકાય પણ એ સિવાય વધારે કંઈ નહિ મળે.

સ્વિસ એકાઉન્ટની વિગતો મળશે

સ્વીટ્ઝર્લેન્ડ સરકારે સીબીઆઇને માલ્યાના તમામ એકાઉન્ટ્સની વિગતો સોંપવા તૈયારી દર્શાવતા બેન્કોના કરોડો રૂપિયા લઇને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઇએ સ્વિસ સત્તાવાળાને માલ્યાના ચાર બેન્ક ખાતામાં રહેલી રકમ બ્લોક કરી દેવાની અપીલ કરી હતી.
સ્વિસ સત્તાવાળાએ ઓગસ્ટ ૨૦૧૮માં વિનંતી સ્વીકારી માલ્યાના ત્રણ અન્ય એકાઉન્ટ્સ અને તેના સંબંધિત પાંચ કંપનીની વિગતો આપવાની તૈયારી બતાવી હતી. સ્વિસ કોર્ટના મતે ચાર બેન્ક એકાઉન્ટ્સને બ્લોક કરાયા છે. આ ખાતામાંથી એક વિજય માલ્યાના નામ પર અને ત્રણ અન્ય ડ્રાયટન રિસોર્સિઝ, બ્લેક ફોરેસ્ટ હોલ્ડિંગ્સ અને હેરિસન ફાઇનાન્સના નામે છે.
સ્વીટ્ઝર્લેન્ડની ફેડરલ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે, માલ્યા વિદેશી પ્રક્રિયામાં ખામી કાઢવા માટે અધિકૃત નથી. તે કોઇ ત્રીજા દેશમાં રહે છે અને ભારતનો પ્રત્યાર્પણ કેસ પેન્ડિગ છે. ક્રિમિનલ પ્રક્રિયાના સવાલ પર સંબંધિત દેશ નિર્ણય કરશે જ્યાં તે રહે છે.
બેન્ક એકાઉન્ટ્સની માહિતી આપવાના નિર્ણયની વિરુદ્ધમાં માલ્યાની સ્વિસ લીગલ ટીમે સ્વીટ્ઝર્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતમાં પ્રક્રિયામાં ગંભીર ખામીઓ છે કારણ કે માલ્યાના વિરુદ્ધમાં તપાસ કરતી સીબીઆઇના સ્પેશ્યિલ ડિરેક્ટર રાકેશ અસ્થાના જ ભ્રષ્ટાચારના આરોપી છે. માલ્યાએ માનવાધિકાર પર યુરોપિયન કન્વેશનના આર્ટિકલ ૬નો પણ સહારો લીધો હતો.
માલ્યાએ ૨૦૦૫માં કિંગફિશર એરલાઇન્સ શરૂ કરી હતી, જે હાલ બંધ છે. તેના પર કિંગફિશર એરલાઇન્સમાં નાણાંની ગેરરીતિ આચરવાના આરોપો છે, જેની તપાસ ભારતની એજન્સીઓ સીબીઆઈ અને ઈડી હસ્તક છે. બંધ એરલાઇન્સનું ફ્લાઇંગ લાઇસન્સ રદ કરી દેવાયા પછી એરલાઇન્સ ખોટમાં ગઈ અને ધીરાણકારોએ નવી લોન્સ આપવા નકાર્યું હતું. ૨૦૧૨માં માલ્યાએ યુનાઇટેડ સ્પિરિટ્સ ગ્રૂપનો પોતાનો મોટાભાગનો હિસ્સો યૂકેની લિકર જાયન્ટ ડિયાગોને વેચ્યો હતો. આ સોદો યુનાઇટેડ સ્પિરિટ્સને દેવાંમાંથી બહાર કાઢવા અને કિંગફિશર એરલાઇન્સ માટે નાણાં છૂટા કરવા માટે મદદરૂપ કરાયાનું મનાય છે.

મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ ચાલુ

ભારતના સૌથી મોટા બેન્ક કૌભાંડનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસી હજી પણ ભારતીય નાગરિક છે. એક અધિકારીએ કહ્યું કે મેહુલ ચોકસી પાસે એન્ટિગુઆ અને બર્મુડાનો પાસપોર્ટ હોવા છતાં તે હજી પણ ભારતીય નાગરિક જ છે અને સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે. મેહુલ ચોકસી ૧૪,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપીઓમાંથી એક છે. ગયા સપ્તાહે જ્યોર્જટાઉનમાં ગુયાનામાં ઇન્ડિયન હાઈ કમિશનર વેંકટચલમ મહાલિંગમ અને એન્ટિગુઆ અને બર્મુડામાં સેન્ટ કિટ્સ-નેવિસના નોન-રેસિડેન્ટ હાઈ કમિશનરે કહ્યું કે તેઓ ચોકસીને હજી પણ ભારતીય નાગરિક જ માને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter