કોમ્યુનિટી સંગઠનોના મિત્રો,
કોમ્યુનિટીમાંથી ઘણા તો ગુસ્સે જ ભરાશે. લંડનમાં ભારતીય સ્વાતંત્ર્ય દિને વિરોધ કરનારા અને ધરપકડ કરાયેલા હિંસા, બદનામી અને અપમાનના પરિબળો દ્વારા જે ગંભીર ઉશ્કેરણીઓ કરાઈ તેમ છતાં, આ પેપરમાં આપણે કોમ્યુનિટી તરીકે સતત સ્વનિયંત્રણ અને એકતા જાળવવાનું ચાલુ રાખ્યું છે. આ એ જ પરિબળો હતા જેઓ આપણને તેમના જેવા બનાવવાના પ્રયાસમાં આપણી વિરાસત અને આપણા ઉદાર મૂલ્યો પર હુમલા કરવાનું જરા પણ ચૂકતા નથી.
આ એ જ લોકો છે જેઓ, યુકેમાં તેમજ ભારત અને પાકિસ્તાનમાં પણ તેમના મૂળ વતનમાં સાથે મળી શાંતિથી રહેતા તમામ ધર્મો, સંસ્કૃતિઓ, વંશીયતાના લોકોના બ્રિટિશ ભારતીય મૂલ્યો સામે ઉગ્રતા અને નિરંકુશતા સાથે વિરોધ કરવાનું જ જાણે છે.
હું આ લખી રહ્યો છું ત્યારે ૧૨૦થી વધુ બ્રિટિશ ભારતીય/એશિયન કોમ્યુનિટીની સંસ્થાઓએ (જેમની સંખ્યા દરરોજ વધી રહી છે) જેરેમી કોર્બીનને લખાયેલા પત્રમાં સહી કરી છે જેમાં, બ્રિટિશ ભારતીય મુલ્યોને વિભાજીત કરવા માગતા તથા તે વિભાજન અને બ્રિટિશ ભારતીયવિરોધી મુલ્યોને યુકેમાં લાવવા ઈચ્છતા લેબર પાર્ટીના કાશ્મીર મુદ્દે ઠરાવને વખોડી કઢાયો છે.
અમને લેબરનેતા પાસેથી તે પત્રનો ઉત્તર મળ્યો છે. અમે આ ઉત્તર સંદર્ભે તમારો અને કોમ્યુનિટીનો પ્રતિભાવ ઈચ્છીએ છે. મારો પ્રતિભાવ આ મુજબનો છે.
લેબરનેતા પોતાના પત્રમાં જણાવે છે કે, ‘કાશ્મીર ઈમર્જન્સી ઠરાવ લેબર પાર્ટી કોન્ફરન્સની લોકશાહીવાદી પ્રક્રિયા થકી આવ્યો હતો’ ત્યારે તેઓ શું એમ કહેવા માગે છે કે તે ઠરાવ સત્તાવાર લેબર નીતિની કાયદેસરતા અને દરજ્જો ધરાવે છે, જેની આપણે તેના આગામી ચૂંટણી ઘોષણાપત્રમાં અપેક્ષા રાખી શકીએ કારણકે આખરે તો આપણે ટુંક સમયમાં જનરલ ઈલેક્શનની રાહ જ જોઈ રહ્યાં છીએને?
જો ઉત્તર ના હોય તો, ‘ડેમોક્રેટિક પ્રોસેસ- લોકશાહી પ્રક્રિયા’નો કોઈ અર્થ નથી અને ઠરાવથી અળગા થવામાં અને તેનાથી અસંમત થવામાં તેમને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. કોઈ નિર્ણાયક વલણ સ્પષ્ટ કરવાના બદલે તેમણે ‘પ્રોસેસ’ શબ્દનું મહોરું લગાવવું ન જોઈએ. મને વિશ્વાસ છે કે આગામી અધિવેશનમાં પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરાય તેવા ઈમર્જન્સી રેઝોલ્યુલશન પાછળની લોકશાહી પ્રક્રિયા સંદર્ભે પણ તેઓ અડીખમ ઉભા રહેશે. અહીં જ વિભાજનનો આરંભ થાય છે. મને ખાતરી છે કે સીમા અને કિથ આવા ઈમર્જન્સી ઠરાવનો પ્રસ્તાવ રાખશે.
મિ. કોર્બીનનો પત્ર જણાવે છે કે,‘લેબર પાર્ટી આંતરરાષ્ટ્રીયતાવાદી પાર્ટી છે અને કાશ્મીરના તમામ નાગરિકોના માનવ અધિકારોનું સન્માન જળવાય અને સમર્થન કરાય તેની ચોકસાઈ માટે પ્રતિબદ્ધ છે.’ પાર્ટી કામદારોના અધિકારો સંબંધિત એકતામાં ઐતિહાસિક રીતે આંતરરાષ્ટ્રીયતા ધરાવતી હોવાનો ઈનકાર નથી. પરંતુ, જો તે વાસ્તવમાં માનવ અધિકારોના સંદર્ભે પણ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય હોય તો, તેનું વાજબી અને સંતુલિત વલણ એ જણાવવાનું હોય કે કાશ્મીરના ભારતીય લોકોએ લાંબા સમયથી માનવ અધિકારોમાં સૌથી મોટા ઉલ્લંઘનો- પાકિસ્તાન પ્રેરિત અને સમર્થિત આતંકવાદીઓના હાથે જીવન ગુમાવવાનું- સહન કર્યાં છે. એ જ પાકિસ્તાન, જે યુએન દ્વારા ઉલ્લેખિત ૧૩૦ આતંકવાદીઓ તેમજ ૨૫ આતંકવાદી સંસ્થાઓ માટે વતન છે. એ તો કેટલાકને પેન્શન પણ ચુકવે છે.
ત્રાસવાદ માનવ અધિકારોના હનનનો સૌથી ખરાબ વિનાશક હોય ત્યારે આવા દેશના પ્રતિનિધિઓ પાસેથી માનવ અધિકારો પ્રત્યે દેખાવરુપ આદર વિશે સાંભળવું તે ખરેખર હાસ્યાસ્પદ જ છે.
અમારા વિશ્વાસની સમસ્યા એ છે કે આ પત્ર, નેતા અને પાર્ટી જરા પણ વાજબી કે સંતુલિત નથી. આપણે બેરિસ્ટર્સ, સોલિસિટર્સ, ડોક્ટર્સની ફોજ પણ છીએ- માત્ર કરિયાણાના દુકાનદારોનો દેશ નથી અને લાંબા સમયથી શબ્દો કે વાક્યો વચ્ચે છુપાયેલા અર્થોને સારી રીતે સમજવાનું શીખ્યા છીએ.
મિ. કોર્બીન ‘કાશ્મીરી લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરે અને તેમના ભવિષ્ય માટે અવાજ રજૂ કરવાના અધિકારનું સન્માન કરે તેવા શાંતિપૂર્ણ રાજકીય સમાધાન’નો ઉલ્લેખ કરે છે. મિ. કોર્બીન, ફરી વખત આ વાજબી અને સંતુલિત વલણના મુદ્દે કહેવાનું કે, શું તમને ખબર છે કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)માં લોકોને તેમના ભવિષ્ય વિશે કશું કહેવાનો બંધારણીય અધિકાર નથી? વાસ્તવમાં, અહીં હેડ ઓફ સ્ટેટ- દેશના વડા બનવા માટે કોઈ પણ ધર્મની નહિ, એક જ ધર્મની વ્યક્તિને અધિકાર છે. શું ધાર્મિક સ્વાતંત્ર્ય મૂળભૂત માનવીય અધિકાર નથી?
માનવજાતની છ વ્યક્તિમાંથી એક જ્યાં આરામની નિદ્રા કરી શકે તેવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના એકસમાન ધર્મનિરપેક્ષ, ઉદાર બંધારણ હેઠળ સમગ્ર કાશ્મીરનું રક્ષણ ભારત હસ્તક છે. તમે અમારા ઉદાર મૂલ્યો, જે અમારા વડવાઓના વતનમાં મૂલ્યો છે અને બ્રિટિશ મૂલ્યો પર પણ હુમલા કરો છો તે ન્યાયસંગત વ્યવહાર તો નથી જ, મૂળભૂત માનવીય અધિકારોનું રક્ષણ પણ નથી.
૨૭ ઓક્ટોબરે, આ બળો સ્વતંત્ર ‘ખાલિસ્તાન’ની માગણી કરનારા અલગાવવાદીઓ સાથે હાથ મિલાવી ઉશ્કેરણી કરવા ભારત વિરુદ્ધ કૂચ કાઢવાના છે. તમે જાણતા હશે કે ટેરરિઝમ એક્ટ હેઠળ પ્રતિબંધિત ઠરાવાયેલા સંગઠનો દ્વારા આ હેતુઓને સઘન સમર્થન અપાય છે.
હું બરાબર સમજું છું મિ. કોર્બીન, તમારા હાથ પાકિસ્તાન વિરુદ્ધ કદી અને કશું પણ બોલવા માટે તદ્દન બંધાયેલા છે, તાકીદના ઠરાવ પાછળ રહેલા તમારી પાર્ટીના અત્યંત લઘુમતી વર્ગના લોકો દ્વારા તમારું મોઢું બંધ કરી દેવાયું છે. જો તમે સંમત થતા હો તો માત્ર આંખથી એક ઈશારો પણ કરી લેજો.
તેમની ઓફિસ દ્વારા લખાયેલો આ પત્ર ઉશ્કેરણીજનક છે અને જે જણાવાયું છે કે, ‘લેબર બ્રિટનમાં રહેલી ભારતીય કોમ્યુનિટીની ચિંતાઓ અને સંવેદનશીલતાને બરાબર સમજે છે’, તેનાથી તદ્દન વિપરીત છે- ના, આ તો તમે જરા પણ સમજતા નથી. તમને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં સહી કરનારી સંસ્થાઓ તરફથી જે અભિપ્રાયોનો વેગીલો પ્રવાહ વહી રહ્યો છે તેનાથી હું આ કહી શકું છું. આ લોકો કદાચ સમગ્ર એક મિલિયનથી વધુ બ્રિટિશ ભારતીય વસ્તી તેમજ સોશિયલ મીડિયા પરના સામાન્ય લોકો વતી પણ નહિ બોલતા હોય પરંતુ, એક વાત ચોક્કસ છે, તમને ઊંચે ઉછાળનારા, આગળ ધરનારા દ્વેષપૂર્ણ પરિબળો તમારી પાર્ટીને અંકુશમાં લઈ રહ્યાં છે તેને તમે ખરેખર ઓછાં આંકી રહ્યા છો. આનું કારણ એ જ છે કે તમારો તેમની સાથે પરસ્પર સહજીવી સંબંધ છે.
૧૯૮૦ના દાયકાની આક્રમક ચળવળના સંદર્ભમાં તમે પોતાની જાતને પસંદગીને પાત્ર બનાવી રહ્યા નથી. ઈતિહાસ તેમજ વૈશ્વિક બંધુત્વના સહઅસ્તિત્વના લેબર પાર્ટીના મૂલ્યો વિરુદ્ધ તમારી પાર્ટીમાં કાર્યરત પરિબળોને હાંકી કાઢશે તેવા તમારા અનિવાર્ય અનુગામી અમને સાચા ઠરાવશે.
આખરે, તમે મીટિંગની વાત કરી છે. મેં ઉલ્લેખ કર્યો છે તેમ અમે વિવેકશીલ-વ્યવહારદક્ષ છીએ. અમે જાણીએ છીએ કે અમારા જેવા પત્ર પછી તાજેતરમાં તમારી સાથે મુલાકાત કરનારા બ્રિટિશ બારતીય ગ્રૂપને પાછળથી મુલાકાતમાં તમારા વલણને સમર્થન અપાયું હોવાનું દર્શાવતા તમારા ટ્વીટ્સ ખોટાં-અસત્ય હોવાનો જાહેરમાં ઈનકાર કરવાની ફરજ પડી હતી. આથી, મને ખાતરી છે મિ. કોર્બીન કે ખુલ્લી-નિખાલસ લોકશાહીના હિતમાં અમે શક્ય તેટલા વધુ લોકોને સહભાગી બનાવી શકાય તે માટે મીટિંગને રેકોર્ડ કરીએ તેમાં તમને કોઈ જ વાંધો નહિ હોય. આખરે તો આપણે બધા જ લોકશાહીને સમર્પિત છીએ.