આઇઝોલ: મિઝોરમની વિધાનસભા ચૂંટણીનું રાજકીય આશ્ચર્ય સર્જતું પરિણામ આવ્યું છે. માત્ર પાંચ વર્ષ પહેલાં રચાયેલા ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ) પક્ષે મિઝોરમમાં સત્તા હાંસલ કરી છે. એક સમયે ઇન્દિરા ગાંધીના સિક્યુરિટી ચીફ રહી ચૂકેલા પૂર્વ આઇપીએસ લાલદુહોમાના નેતૃત્વમાં ઝેડપીએમએ 40માંથી 27 બેઠક પર શાનદાર વિજય મેળવીને મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) પક્ષને ખુરશી પરથી ઉતારી દીધો છે.
રાજ્યમાં 35 વર્ષ પછી મુખ્યમંત્રી પદે ત્રીજો નવો ચહેરો જોવા મળશે. અત્યાર સુધીમાં એમએનએફના જોરમથાંગા અને કોંગ્રેસના લલથનહવલા વચ્ચે સત્તાનું હસ્તાંતરણ ચાલતું હતું. ઝેડપીએમના વિજય સાથે જ લાલદુહોમાનું મુખ્યમંત્રી બનવાનું નિશ્ચિત છે. તેમણે એમએનએફના જે.એમ. વાચાવંગને 2982 મતથી પરાસ્ત કર્યા છે. સોમવારે હાથ ધરાયેલી મત ગણતરીમાં ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) નામનો છ પક્ષોનો બનેલો નવો પક્ષ 27 બેઠકો જીતીને રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. રાજ્યમાં સરકાર બનાવવા 21 બેઠકો પર જીતવું જરૂરી છે. ઝેડપીએમએ 27 બેઠકો જીતી હોવાથી તેના માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને ફાળે 10, ભાજપનાં ફાળે 2 જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર એક બેઠક છે. એમએનએફને ચૂંટણીમાં મોટો ફટકો પડયો છે અને ફક્ત 10 બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો છે. મુખ્યપ્રધાન ઝોરમથંગા આઈઝોલ ઈસ્ટ-1 બેઠક પર હારી ગયા છે. તેમને ઝેડપીએમનાં લલથનસંગાએ હરાવ્યા છે. આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન તાનલાઈયા પણ હારી ગયા છે.
ઝેડપીએમ 6 પક્ષોનું ગઠબંધન
ઝોરમ પીપલ્સ પાર્ટી એ ખરેખર તો 6 પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન છે. જેમાં મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ, ઝોરમ નેશનાલિસ્ટ પાર્ટી, ઝોરમ એક્સોડસ મૂવમેન્ટ, ઝોરમ ડિસેન્ટ્રલાઈઝેશન ફ્રન્ટ, ઝોરમ રિફોર્મેશન ફ્રન્ટ તેમજ મિઝોરમ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે. 2018માં ઝેડપીએમ દ્વારા આ ગઠબંધન સાથે જ ચૂંટણી લડવામાં આવી હતી અને 8 બેઠક જીતી હતી. ચૂંટણી પંચે જુલાઈ 2019માં પક્ષની નોંધણી કરાવી હતી. જોકે મિઝોરમ પીપલ્સ કોન્ફરન્સ 2019માં ઝેડપીએમમાંથી બહાર નીકળી ગઈ હતી આ પછી પાંચ પક્ષોએ ગઠબંધન ચાલુ રાખ્યું હતું.
વહેલી તકે શપથ ગ્રહણ કરાશે: લાલદુહોમા
ઝોરમ પીપલ્સ મૂવમેન્ટનાં નેતા લાલદુહોમા પૂર્વ આઇપીએસ ઓફિસર છે, જેઓ એક તબક્કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનાં સુરક્ષા વડા તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. લાલદુહોમાએ કહ્યું હતું કે પાર્ટીની જીતથી મને આનંદ છે. મેં આ પ્રકારના પરિણામની જ આશા રાખી હતી. બે દિવસમાં રાજ્યપાલને મળીને સરકાર રચવાની અને શપથ ગ્રહણ કરવાની પ્રોસેસ શરૂ કરાશે. ઝેડપીએમ બીજી વખત વિધાનસભા ચૂંટણી લડી છે.
પક્ષપલટાના કાયદાનો પહેલો શિકાર
73 વર્ષી લાલદુહોમા સ્વ. ઇન્દિરા ગાંધીના સિક્યુરિટી ચીફ રહી ચૂક્યા છે. પછીથી નોકરી છોડીને રાજકારણમાં પદાર્પણ કર્યું હતું. 1984માં કોંગ્રેસમાંથી મિઝોરમ વિધાનસભાની ટિકિટ મળી હતી, પરંતુ હારી ગયા હતા. જોકે એ જ વર્ષે સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1986માં મુખ્યમંત્રી લલથનહવલા વિરુદ્ધ ષડયંત્ર રચવાના આરોપને કારણે પક્ષ છોડવો પડ્યો હતો.
1988માં લાલદુહોમા પક્ષપલટાના કાયદા હેઠળ ગેરલાયક ઠરનારા પ્રથમ સાંસદ બન્યા હતા. ચૂંટણીમાં તેમણે 5 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા લલથનહવલાને હરાવ્યા હતા.